રાજકોટઃ જિલ્લાના ગોંડલ તાલુકા ભાજપના મુસ્લિમ નેતા સામે વ્યાજખોરીની ફરિયાદ નોંધાઈ હતી. ઉપરાંત ફાર્મહાઉસ પર સરકારી જમીન પર બાંધ્યું હોવાનું સામે આવતા જિલ્લા કલેકટરને લેન્ડ ગ્રેબિંગ હેઠળ ફરિયાદ દાખલ કરવા મંજૂરી માંગવામાં આવી હતી.
શું છે મામલો
અકીલભાઈ અખ્તરભાઈ અલાણી (ઉં.વ. 25) એ નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, તેઓ વર્ષ 2019 થી સપ્ટેમ્બર મહિના દરમિયાન અશફાકભાઈની 'ટાઈગર ફાઇનાન્સ' નામની ઓફિસમાં મજૂર અને હિસાબનીસ તરીકે કામ કરતા હતા.અકીલભાઈ જ્યારે નોકરી છોડવા માંગતા હતા, ત્યારે આરોપીએ હિસાબમાં રૂ. 2.20 લાખની ભૂલ કાઢી તેમને માર માર્યો હોવાનો આરોપ કર્યો હતો. આ રકમની વસૂલાત માટે ફરિયાદીના માસિક પગારમાંથી રૂ. 8000 લેખે ત્રણ વર્ષ સુધી કુલ રૂ. 2,88,000 કાપી લેવામાં આવ્યા હતા.આ ઉપરાંત, અકીલભાઈ પાસેથી બળજબરીપૂર્વક ત્રણ કોરા ચેક પડાવી લેવામાં આવ્યા હતા. બાદમાં તેનો ઉપયોગ કરી રૂ. 8.50 લાખની ખોટી નોટિસ અપાવી માનસિક ત્રાસ આપવામાં આવ્યો હતો. આરોપીએ ફરિયાદીને ટાંટિયા ભાંગી નાખવાની અને સગાઈ તોડાવી નાખવાની ધમકી પણ આપી હતી
જે બાદ ગોંડલ તાલુકા ભાજપના લઘુમતી મોરચાના પ્રમુખ અશફાક હનીફભાઈ સલાટ સહિત બે લોકો સામે વ્યાજખોરી કરવા બદલ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસ તપાસમાં આરોપી અશફાક સલાટ અને કાળુ સલાટ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરતા તેમની પાસેથી 375 કોરા ચેક મળી આવ્યા હતા. 136 ભોગ બનનારને પોતાના ચેક પરત અપાવ્યા હતા. આરોપીઓએ 136 લોકોને અંદાજિત 2 કરોડ રૂપિયા 3 થી 10 ટકાના વ્યાજે આપ્યા હોવાનું સામે આવ્યું હતું.આ મામલે રાજકીય વર્તુળોમાં ચર્ચાઓ તેજ બની છે.
આ ઉપરાંત પોલીસ તપાસમાં આરોપી દ્વારા વાસાવડ ગામ ખાતે સરકારી જગ્યા પર 6 વીઘા જમીનમાં એક ફાર્મ હાઉસ બનાવવામાં આવ્યું હોવાનું પણ સામે આવ્યું હતું. જેથી આ દબાણ દૂર કરવા અને અલગથી તેમના વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગ હેઠળ ફરિયાદ દાખલ કરવા માટે જિલ્લા કલેકટરને રજુઆત કરવામાં આવી હતી. જે મંજૂરી મળ્યા બાદ લેન્ડ ગ્રેબિંગ હેઠળ પણ ફરિયાદ દાખલ કરવામાં આવશે. આરોપી વિરુદ્ધ અગાઉ અલગ અલગ ત્રણ જેટલી પોલીસ ફરિયાદ નોંધાઈ ચુકી હોવાનું સામે આવ્યું હતું.