Fri Sep 04 2026

Logo

યુપીમાં મંત્રીમંડળ વિસ્તરણ બાદ હલચલ: દિલ્હીમાં અમિત શાહ અને સીએમ યોગી વચ્ચે બેઠક, ક્યાં મુદ્દે થઈ ચર્ચા?

2026-05-14 19:49:21
Author: Vimal Prajapati
યુપીમાં મંત્રીમંડળ વિસ્તરણ બાદ હલચલ: દિલ્હીમાં અમિત શાહ અને સીએમ યોગી વચ્ચે બેઠક, ક્યાં મુદ્દે થઈ ચર્ચા?

નવી દિલ્હી: ઉત્તર પ્રદેશમાં તાજેતરમાં થયેલા મંત્રીમંડળ વિસ્તરણ બાદ રાજ્યનું રાજકારણ ગરમાયું છે. ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે ગુરુવારે નવી દિલ્હીમાં કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ સાથે તેમના નિવાસસ્થાને મહત્વની બેઠક યોજી હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. આશરે એક કલાક ચાલેલી આ મુલાકાતમાં નવા પ્રધાનોને વિભાગોની ફાળવણી અને વર્ષ 2027ની વિધાનસભા ચૂંટણીની રણનીતિ પર વિગતવાર ચર્ચા કરવામાં આવી હવે તેવું લાગી રહ્યું છે. 

વિભાગોની ફાળવણી પર અંતિમ મહોર

ગૃહ મંત્રાલયે સોશિયલ મીડિયા દ્વારા આ મુલાકાતની પુષ્ટિ કરી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, 10 મેના રોજ થયેલા વિસ્તરણમાં સામેલ થયેલા 6 નવા ચહેરાઓ અને કેબિનેટ રેન્ક મેળવનાર 2 રાજ્ય પ્રધાનોને કયા વિભાગો સોંપવા તે અંગેનો નિર્ણય આ બેઠકમાં લેવાઈ ગયો છે. ચાર દિવસથી વિભાગોની ફાળવણી બાકી હોવાથી અનેક અટકળો વહેતી થઈ હતી, જેનો હવે અંત આવ્યો છે.

મિશન-2027: જ્ઞાતિ સમીકરણો પર નજર

આ વખતે વિભાગોની વહેંચણી માત્ર વહીવટી જરૂરિયાત નહીં, પરંતુ 2027ની ચૂંટણીના સમીકરણોને આધારે કરવામાં આવી રહી છે તેવું સૂત્રો જણાવી રહ્યાં છે.  આ રણનીતિમાં ભૂપેન્દ્ર સિંહ ચૌધરી દ્વારા પશ્ચિમ યુપીના જાટ મતદારોને આકર્ષવાનો, મનોજ પાંડે (જેઓ સપા છોડીને જોડાયા હતા) દ્વારા બ્રાહ્મણ સમુદાયને જોડવાનો અને કૃષ્ણ પાસવાન, સુરેન્દ્ર દિલેર અને કૈલાશ રાજપૂત જેવા નવા પ્રધાનો દ્વારા દલિત અને પછાત વર્ગોમાં સરકારના સંપર્કને વધુ ગાઢ બનાવવાનો સમાવેશ થાય છે.

નવી રણનીતિ સાથે ભાજપ મેદાનમાં

રાજકીય વિશ્લેષકોનું માનવું છે કે યોગી અને શાહ વચ્ચેની આ બેઠક આગામી ચૂંટણી માટે અત્યંત નિર્ણાયક છે. નવા પ્રધાનોને એવા વિભાગો સોંપવામાં આવશે જે સીધા જ જનતા સાથે જોડાયેલા હોય, જેથી તેઓ પોતપોતાના ક્ષેત્ર અને સમુદાયમાં સરકારની છબી વધુ મજબૂત કરી શકે. ટૂંક સમયમાં જ સત્તાવાર રીતે વિભાગોની જાહેરાત કરવામાં આવશે.