ભુજઃ રાપર તાલુકાના ચિત્રોડ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે જનપ્રતિનિધિઓના અચાનક ચેકિંગ દરમિયાન એક્સપાયરી ડેટની દવાઓનો જથ્થો મળી આવતાં આરોગ્ય તંત્રમાં દોડધામ મચી ગઈ છે. આ ગંભીર બેદરકારી સામે આવ્યા બાદ જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા કડક તપાસના આદેશ આપવામાં આવ્યા છે.
મળતી વિગતો મુજબ, ધારાસભ્ય વીરેન્દ્રસિંહ જાડેજાની સૂચનાથી રાપર તાલુકા પંચાયત પ્રમુખ રાજેશ ઢીલા અને જિલ્લા પંચાયત સભ્ય સુરેશ મકવાણાએ ચિત્રોડ પીએચસી ખાતે સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધર્યું હતું. આ વેળાએ મોટી માત્રામાં એક્સપાયરી ડેટની દવાઓ મળી આવતાં આ અંગેની લેખિત રજૂઆત જિલ્લા આરોગ્ય અધિકારી તેમજ ગાંધીનગર કક્ષાએ કરવામાં આવી હતી.
મામલો ગંભીર બનતાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. મિતેશ ભંડેરીએ પત્રકાર પરિષદ યોજી માહિતી આપી હતી કે, ચિત્રોડ પીએચસી ખાતે કાયદેસરની તપાસ અર્થે જિલ્લા કક્ષાની વિશેષ ટીમ મોકલી દેવાઈ છે. આ ઉપરાંત કચ્છ જિલ્લાના તમામ આરોગ્ય કેન્દ્રોમાં ઉપલબ્ધ દવાઓના સ્ટોક અને તેની એક્સપાયરી તારીખ અંગે વિગતવાર રિપોર્ટ મગાવવામાં આવ્યો છે.
તેમણે સ્પષ્ટ કર્યું હતું કે, જો તપાસમાં કોઈની પણ બેદરકારી સાબિત થશે તો તેમની સામે શિક્ષાત્મક પગલાં લેવાશે. જોકે, રાહતની વાત એ છે કે અત્યાર સુધી આવી દવાઓથી કોઈ દર્દીને નુકસાન થયું હોય તેવો કિસ્સો સામે આવ્યો નથી. તંત્ર દ્વારા નાગરિકોને પણ દવા લેતા પહેલા તેની એક્સપાયરી તારીખ ચકાસી લેવા અપીલ કરવામાં આવી છે.
(ઉત્સવ વૈદ્ય)