Tue Sep 15 2026

Logo

ચેન્નાઈ એરપોર્ટ પર હાઈવોલ્ટેજ ડ્રામા: ફ્લાઈટનો ઈમરજન્સી ગેટ ખોલી મુસાફરે મારી છલાંગ

2026-05-03 13:17:00
Author: Vimal Prajapati
ચેન્નાઈ એરપોર્ટ પર હાઈવોલ્ટેજ ડ્રામા: ફ્લાઈટનો ઈમરજન્સી ગેટ ખોલી મુસાફરે મારી છલાંગ

તિરુસુલમઃ ચેન્નાઈ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર આજે વહેલી સવારે ભારે અફરાતફરી મચી ગઈ જ્યારે એક મુસાફરે એર અરેબિયાની ફ્લાઈટનો ઈમરજન્સી દ્વાર ખોલીને નીચે કૂદકો મારી દીધો હતો. આ ઘટનાને કારણે એરપોર્ટ સુરક્ષા એજન્સીઓમાં દોડધામ મચી ગઈ હતી અને અન્ય મુસાફરોના જીવ તાળવે ચોંટી ગયા હતા. શારજાહથી ચેન્નાઈ પહોંચેલી એર અરેબિયાની ફ્લાઈટમાં કુલ 231 મુસાફરો સવાર હતા. વિમાન રનવે પર લેન્ડ થયા બાદ જ્યારે ટેક્સી-વે પર ધીમી ગતિએ આગળ વધી રહ્યું હતું, ત્યારે અચાનક 34 વર્ષીય મુસાફરે પ્લેનનો ઈમરજન્સી ગેટ ખોલી નાખ્યો અને નીચે કૂદી પડ્યો હતો. 

મુસાફરે શા માટે આવું પગલું ભર્યું?

પાઈલટે તાત્કાલિક ઈમરજન્સી બ્રેક દ્વારા વિમાનને રોકી દીધું હતું અને ગ્રાઉન્ડ સુરક્ષા ટીમને એલર્ટ કરી હતી. સદનસીબે, વિમાનની ગતિ ધીમી હોવાથી મોટી જાનહાનિ ટળી હતી. પ્રાથમિક તપાસ અને એરપોર્ટ અધિકારીઓના જણાવ્યા અનુસાર, મુસાફરની તબિયત મુસાફરી દરમિયાન જ લથડી હતી. મુસાફરે વિમાનમાં ગભરામણ અને ઉલ્ટી થવાની ફરિયાદ કરી હોવાનું પ્રકાશમાં આવ્યું છે. ઘટનાના થોડા સમય પહેલા જ તેણે વિમાનમાં બે વાર ઉલ્ટી કરી હતી. તેના કારણે તેને આવું પગલું ભર્યું હોવાનું પ્રકાશમાં આવ્યું છે. 

સુરક્ષાકર્મીઓએ તુરંત જ તે મુસાફરને કસ્ટડીમાં લીધો

ઘટનાની જાણ થતાં જ CISFના જવાનો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. સુરક્ષાકર્મીઓએ તુરંત જ તે મુસાફરને કસ્ટડીમાં લીધો હતો. પાઈલટની ફરિયાદ બાદ મુસાફરને વધુ તપાસ માટે પોલીસને સોંપવામાં આવ્યો છે. હાલ ડોક્ટરોની ટીમ તેની માનસિક સ્થિતિની પણ તપાસ કરી રહી છે. આ ઘટનાને કારણે કોઈ નુકસાન કે જાનહાનિ નથી થઈ તેવું અધિકારીઓ દ્વારા જણાવવામાં આવ્યું છે. 

સુરક્ષા એજન્સીઓ દ્વારા શું કાર્યવાહી કરવામાં આવી?

આ ઘટના અંગે સુરક્ષાને ધ્યાનમાં રાખીને અધિકારીઓએ મુખ્ય રનવે સવારે 3:23 થી 4:23 વાગ્યા સુધી સંપૂર્ણપણે બંધ રાખ્યો હતો. આ એક કલાકના સમયગાળા દરમિયાન, અન્ય બધી આવનારી ફ્લાઇટ્સને એરપોર્ટના સેકન્ડરી રનવે તરફ વાળવામાં આવી હતી. સૂત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે પકડાયેલ મુસાફર તમિલનાડુના પુદુક્કોટ્ટાઈ જિલ્લાનો રહેવાસી છે. પોલીસ હવે એવિએશન સેફ્ટી પ્રોટોકોલના ભંગ બદલ તેની સામે કડક કાર્યવાહી કરવાની તૈયારી કરી રહી છે.