વાવ-થરાદઃ ચૌધરી સમાજ અને રબારી સમાજ અત્યારે સામસામે આવેલા છે. દીકરીએ કરેલા પ્રેમ લગ્ન મામલે અત્યારે આ વિવાદ ચાલી રહ્યો છે. તેવામાં આ હવે એક નવો વિવાદ પ્રકાશમાં આવ્યો છે. ચૌધરી સમાજ પાસે પ્રજાપતિ સમાજના એક પરિવારે પોતાની દીકરી પાછી માંગી છે. ચાંગડા ગામના પ્રજાપતિ પરિવારે સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ કરીને દીકરીને પાછી અપાવા માટે માટે માંગણી કરી છે. ચૌધરી સમાજના છોકરો પ્રજાપતિ સમાજની દીકરીને ભગાડીને લઈ ગયો હોવાનો આ પરિવાર દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે.
અહમને સંતોષવા માટે આ એકબીજા પર આક્ષેપો?
અત્યારે ઉત્તર ગુજરાતમાં સમાજ સમાજ વચ્ચે વટનો પ્રશ્ન ઉદ્ભવ્યો છે. પોતાના અહમને સંતોષવા માટે આ એકબીજા પર આક્ષેપો કરવામાં આવી રહ્યાં છે. પહેલા સિંગર કિંજલ રબારી માટે રબારી સમાજે ચૌધરી સમાજને ધમકી આપી હતી, કે અમારી દીકરીને પાછી આપો. ત્યારે બાદ કિંજલ રબારી ઘરે પરત આવી અને એ મુદ્દો શાંત થયો. આ પૂર્ણ થયાં પછી કંકુ ચૌધરી નામની દીકરી માટે ચૌધરી સમાજે રબારી સમાજને ધમકીઓ આપી હતી. એટલું જ નહીં પરંતુ તેના માટે ચૌધરી સમાજે મહાસંમેલન પણ બોલાવ્યો હતો. જેમાં પછી વિવાદ થયો અને તોડફોડ થઈ હતી.
આ દરેક સ્થિતિમાં હવે પ્રજાપતિ પરિવારે ચૌધરી સમાજને વિનંતી કરી છે કે, તમે તમારી દીકરીને બીજી સમાજ પાસેથી માંગી રહ્યાં છો તો અમારી દીકરીને પાછી કેમ નથી આપતા? બોકા ચૌધરી યુવકે આ દીકરીને ભગાડી હોવાના દાવો કરવામાં આવી રહ્યો છે. કહ્યું કે, દીકરી અમદાવાદ ગઈ હતી, ત્યારે તેને ભગાડીને લઈ ગયાં હતાં. આ પરિવારે દીકરીને પાછી માંગી તો હવે પ્રજાપતિ પરિવારને મારી નાખવાની ધમકીઓ મળી રહી છે. એટલું જ નહીં પરંતુ દીકરી પાસે ફરિયાદ કરાવીને આ પરિવારને જેલમાં ધકેલી દેવાની પણ ધમકીઓ મળી રહી છે. જેથી આ પ્રજાપતિ પરિવારે રબારી સમાજના અગ્રણી ઠાકરશી રબારીને વિનંતી કરી છે કે, તેમી દીકરીને પાછી આપવો!
રૂપપૂરીજી મહારાજે બંને સમાજને શું વિનંતી કરી?
રબારી અને ચૌધરી સમાજની વાત કરવામાં આવે તો, આ વિવાદને શાંત કરાવવા માટે મહંત રૂપપૂરીજી મહારાજે પણ વિનંતી કરી છે. મહંત રૂપપૂરીજી મહારાજે બંને સમાજને વિંનતી કરતા કહ્યું કે, બંને સમાજ ખૂબ જ સમજદાર છે, ભૂલો હંમેશા બંને પક્ષે થતી હોય છે, તો આવી સ્થિતિમાં બંને સમાજના અગ્રણીઓએ સાથે મળીને બેસીને શાંતિથી સમાધાન કરવું જોઈએ. આ રીતે વિવાદ કરવાથી કે તોડફોડ કરવાથી કોઈ પણ પ્રશ્નનો ઉકેલ આવતો નથી. એટલે શાંતિથી સમાધાન કરવા માટે વિંનતી કરી હતી.
આ વિવાદ વધારે ઉગ્ર બનતો હોવાના કારણે ઠાકરશી રબારીએ પણ એક વીડિયો વાયરલ કરીને બધાને શાંત રહેવા માટે અપીલ કરી હતી. કહ્યું કે, રબારી સમાજના અને માલધારી સમાજના તમાન યુવકોને હું ભાઈ તરીકે વિંનતી કરું છું. ચૌધરી સમાજના આગેવાનો ખૂબ શાંતિથી સારો રસ્તો નીકાળવા માટે પ્રયત્નો કરી રહ્યાં છે. કોઈ સમાજ ખરાબ હોતો નથી. બે પાંચ માણસો જ ઉશ્કેરણી કરતા હોય છે. મૂળ વાત એ છે કે, ઠાકરશી રબારીએ રબારી સમાજના યુવાનોને ચૌધરી સમાજ માટે કોઈ ખોટી ટિપ્પણી કરવાની ના પાડી હતી.