કચ્છના મહારાણી પ્રીતિ દેવીએ કચ્છવાસીઓને સુખ-શાંતિની શુભેચ્છા પાઠવી
ભુજ: કચ્છની કુળદેવી અને દેશદેવી મા આશાપુરાના ધામમાં ચૈત્રી નવરાત્રી પર્વની શાસ્ત્રોક્ત વિધિ-વિધાન સાથે મંગલ પૂર્ણાહુતિ કરવામાં આવી છે. નવરાત્રીના પાવન સાતમા નોરતે કચ્છના મુખ્ય શક્તિપીઠ સમાન માતાનામઢ અને ભુજના કોટ વિસ્તારમાં આવેલા ઐતિહાસિક આશાપુરા મંદિરે પરંપરાગત હોમ-હવનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોડી રાત્રે બીડું હોમીને નવરાત્રીના ધાર્મિક અનુષ્ઠાનોની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી.
દેશદેવી મા આશાપુરાના મૂળ સ્થાનક માતાનામઢમાં બુધવારે રાત્રે આસ્થાનું ઘોડાપૂર ઉમટ્યું હતું. આ પવિત્ર અવસરે યજ્ઞના આચાર્ય દેવકૃષ્ણ મૂળશંકર વાસુ તેમજ અન્ય ભૂદેવો દ્વારા શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર સાથે રાત્રે ૯:૦૦ કલાકે માં આશાપુરાજીના પૂજન-અર્ચન બાદ યજ્ઞ વિધિનો પ્રારંભ થયો હતો. મોડી રાત્રે માતાનામઢ જાગીરના અધ્યક્ષ યોગેન્દ્રસિંહજી રાજાબાવાના હસ્તે હવનમાં બીડું હોમવામાં આવ્યું હતું.
આ પ્રસંગે જાગીરના ટ્રસ્ટીઓ ખેંગારજી જાડેજા, વિનોદભાઈ સોલંકી તેમજ ઓધવરામ સેવા સમિતિના કનૈયાલાલ કટારીયા અને મયુરસિંહ જાડેજા સહિત મોટી સંખ્યામાં માઈભક્તો ઉપસ્થિત રહ્યા હતા. હવનની પૂર્ણાહુતિ બાદ ઢોલ-શરણાઈના નાદ સાથે જાગીર અધ્યક્ષ દ્વારા મા આશાપુરા અને હિંગળાજ માતાજીના મંદિરે ભવ્ય આરતી ઉતારવામાં આવી હતી.
બીજી તરફ, ભુજ સ્થિત આશાપુરા મંદિરે પણ ચૈત્રી નવરાત્રી નિમિત્તે ધાર્મિક ઉત્સાહ સાથે પૂર્ણાહુતિ વિધિ યોજાઈ હતી. સાતમના પવિત્ર દિવસે રાત્રે ૯:૩૦ કલાકે રાજકોષી પૂજા સાથે હવન વિધિનો આરંભ કરવામાં આવ્યો હતો. મુખ્ય આચાર્ય નિકુંજભાઈ જોશી દ્વારા વૈદિક મંત્રોચ્ચાર સાથે વિધિ સંપન્ન કરાવાઈ હતી, જેમાં સહાયક આચાર્ય તરીકે મિતેશભાઈ જાની અને દિવ્ય ત્રિવેદીએ સહયોગ આપ્યો હતો.માતાજીના જયઘોષ વચ્ચે પૂજારી જનાર્દન પી. દવેના હસ્તે હવનમાં બીડું હોમાયું હતું. આ પ્રસંગે પૂજારી કવચ દવે અને મારુત દવે પણ સેવામાં હાજર રહ્યા હતા.
ચૈત્રી નવરાત્રીના આ પાવન અવસરે કચ્છના મહારાણી પ્રીતિ દેવીએ સમગ્ર કચ્છવાસીઓને સુખ, શાંતિ અને સમૃદ્ધિની મંગલ કામના પાઠવી શુભેચ્છા સંદેશ આપ્યો હતો. નવ દિવસ સુધી ચાલેલા આ શક્તિ પર્વ દરમિયાન હજારો શ્રદ્ધાળુઓએ માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી અને હોમ-હવનની આ પૂર્ણાહુતિ સાથે સમગ્ર કચ્છભરમાં ભક્તિમય માહોલ છવાઈ ગયો હતો.
(ઉત્સવ વૈદ્ય)