Tue Jun 23 2026

Logo

ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને 7 વર્ષની સજા, શું વસાવાનું ધારાસભ્ય પદ જશે?

2026-06-23 15:50:58
Author: mumbai samachar team
Article Image

રાજપીપળા સેસન્સ કોર્ટે ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા અને તેમના પત્ની સહિત 9 લોકોને ફોરેસ્ટ કર્મચારી પર હુમલાના કેસમાં દોષિત જાહેર કર્યા છે. નવેમ્બર 2023માં નોંધાયેલી આ ફરિયાદ મુજબ, ધારાસભ્ય પર આરોપ હતો કે તેમણે ફોરેસ્ટ કર્મચારીઓને પોતાના ઘરે બોલાવીને માર માર્યો હતો. આ વિવાદાસ્પદ ઘટના બાદ ચૈતર વસાવાએ કોર્ટમાં સરેન્ડર કર્યું હતું અને હવે લાંબી કાનૂની પ્રક્રિયા બાદ નર્મદા કોર્ટે આ મામલે તેમને દોષિત ઠેરવતો મહત્વનો ચુકાદો આપ્યો છે. કોર્ટે ચૈતર વસાવાને 7 વર્ષની સજા ફટકારી છે. કોર્ટે ચૈતર વસાવાને 25,000 રૂપિયાનો દંડ પણ ફટકાર્યો છે. વસાવા દંડ ન ભરે તો વધુ 3 મહિના જેલવાસ ભોગવવો પડશે. ચૈતર વસાવા ઉપરાંત અન્ય 6 લોકોને પણ કોર્ટે 7-7 વર્ષની જેલની સજા ફટકારી છે. 

ચૈતર વસાવાનું ધારાસભ્ય પદ જોખમમાં 

ભારતીય બંધારણ અને લોકપ્રતિનિધિત્વ અધિનિયમના નિયમો અનુસાર, જો દેશના કોઈ પણ સાંસદ અથવા ધારાસભ્યને અદાલત દ્વારા 2 વર્ષ કે તેથી વધુની જેલની સજા ફટકારવામાં આવે, તો તેમનું સભ્યપદ તાત્કાલિક અસરથી રદ થઈ જાય છે. રાજપીપળા કોર્ટે ચૈતર વસાવાને 7 વર્ષની સજા સંભળાવી હોવાથી, કાયદાકીય રીતે તેમનું ધારાસભ્ય પદ હવે રદ થવાના આરે છે. હવે વસાવા પાસે હાઇકોર્ટમાંથી આ સજા પર સ્ટે મેળવવા સિવાય કોઈ વિકલ્પ બચ્યો નથી.

શું હતો સમગ્ર કેસ ?

આમ આદમી પાર્ટી (AAP)ના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા અને વન વિભાગના કર્મચારીઓ વચ્ચેનો હુમલાનો કેસ નવેમ્બર 2023 માં નોંધાયો હતો. નર્મદા જિલ્લાના ડેડિયાપાડા પંથકમાં જંગલની જમીન પર સ્થાનિક ખેડૂતો દ્વારા ખેડાણ કરવામાં આવી રહ્યું હતું, જેને વન વિભાગે ગેરકાયદેસર ગણાવી અટકાવ્યું હતું. આ મુદ્દે ચર્ચા કરવા માટે ધારાસભ્ય ચૈતર વસાવાએ વન વિભાગના કર્મચારીઓને પોતાના ઘરે બોલાવ્યા હતા. આરોપ અનુસાર, ત્યાં બોલાચાલી દરમિયાન વનકર્મીઓ સાથે મારપીટ કરવામાં આવી, ખંડણી માંગવામાં આવી અને તેમને ડરાવવા માટે હવામાં એક રાઉન્ડ ફાયરિંગ પણ કરવામાં આવ્યું હતું.

પોલીસ ફરિયાદ અને કલમો

વન વિભાગની ફરિયાદના આધારે નર્મદા જિલ્લાના ડેડિયાપાડા પોલીસ સ્ટેશનમાં ચૈતર વસાવા, તેમના પત્ની શંકુતલાબેન, પીએ (PA) જીતેન્દ્ર અને એક ખેડૂત સામે ગુનો નોંધાયો હતો. તેમની સામે રાયોટિંગ, સરકારી કર્મચારીની ફરજમાં રુકાવટ, જાનથી મારી નાખવાની ધમકી, ખંડણી અને આર્મ્સ એક્ટ હેઠળ ગુનો દાખલ કરાયો હતો.

સરકારી વકીલની દલીલો

રાજ્ય સરકાર વતી ખાસ સરકારી વકીલ (સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટર) અમિત નાયરે કોર્ટ સમક્ષ ધારદાર દલીલો રજૂ કરી હતી. તેમણે જણાવ્યું કે, સાક્ષીઓના નિવેદનો, દસ્તાવેજી પુરાવા, કોલ ડિટેલ રેકોર્ડ્સ (CDR) અને બેંક સ્ટેટમેન્ટ્સ આરોપીઓની સંડોવણી સ્પષ્ટપણે સાબિત કરે છે. ચૈતર વસાવા સામે અગાઉ નોંધાયેલી અન્ય FIR પણ દર્શાવે છે કે તેઓ જાહેર શાંતિ ડહોળવા અને કાયદો હાથમાં લેવાની સમાન વર્તણૂક ધરાવે છે. એક ચૂંટાયેલા જનપ્રતિનિધિ તરીકે તેમણે કાયદાનું પાલન કરવું જોઈએ, કારણ કે કોઈ પણ વ્યક્તિ કાયદાથી ઉપર નથી. બચાવ પક્ષ તરફથી સિનિયર એડવોકેટ એસ. કે. જોશી અને દિલ્હી-અમદાવાદના વકીલોએ કેસ લડ્યો હતો, પરંતુ કોર્ટે સરકારી પક્ષની દલીલોને માન્ય રાખી ધારાસભ્ય સહિતના આરોપીઓને દોષિત જાહેર કર્યા હતા.