સુરતઃ સુરતની પાટીદાર સમાજમાંથી આવતી લોકગાયિકા રિદ્ધિ રાજપરાએ મોચી સમાજના જયેશ વાઘેલા સાથે ભાગીને લગ્ન કરી લેતાં એક તરફ સોશિયલ મીડિયા પર રિદ્ધિ રાજપરાનો બહિશ્કાર કરવાની ઝુંબેશ શરૂ કરાઈ છે ત્યારે બીજી તરફ કેટલાક પાટીદાર લોકગાયકોએ પાટીદાર સમાજનાં લોકોને સાવ વાહિયાત અપીલ કરી છે કે, પાટીદાર સમાજનાં લોકોએ દીકરીઓને ગાયક ના બનાવવી જોઈએ કેમ કે આ ક્ષેત્રમાં માત્ર દીકરીઓ જ ભોગ બને છે. પાટીદાર સમાજના જાણીતા લોકગાયક અશોક માણિયા અને લાલુ માલવિયાની આ અપીલે સોશિયલ મીડિયા પર ભારે ચર્ચા જગાવી છે.
લોકગાયિકા રિદ્ધિ રાજપરાએ મ્યુઝિક રિધમ આર્ટિસ્ટ જયેશ વાઘેલા સાથે લગ્ન કર્યાં તેના પગલે પાટીદાર સમાજમાં ફરી એક વાર લવ મેરેજનો મુદ્દો ચર્ચામાં છે. રિધ્ધી સાથે ડ્રમ વગાડતા જયેશ મોચી સમાજમાંથી આવે છે તેથી પાટીદાર સમાજના કેટલાક આગેવાનોએ રિદ્ધિ રાજપરાનો સ્ટેજ પર 'નો એન્ટ્રી' સાથે બહિષ્કાર કરવાની અપીલ કરી છે. સુરતમાં લગભગ છ મહિના પહેલાં પાટીદાર સમાજની ગાયિકા આરતી સાંગાણીએ લવ મેરેજ કર્યાં ત્યારે આવો જ વિવાદ ચગ્યો હતો. આરતીનો લવમેરેજનો વિવાદ શાંત પડ્યો હતો ત્યાં સુરત પાટીદાર સમાજમાંથી વધુ એક સિંગરે લવમેરેજ કરી લેતાં પાટીદાર સમાજે લવ મેરેજ સામે નિયમો બનાવવાની હિલચાલ પણ શરૂ કરી છે.
સુરતના પાટીદાર લોકગાયક અશોક માણિયાએ આ ઘટનાને ગંભીર ગણાવીને તેનો વિરોધ કરવાની અપીલ કરીને આશ્ચર્ય સર્જ્યું છે. માણિયાએ કહ્યું કે, આ ઘટના દરેક સમાજ માટે આંખ ઉઘાડનારી અને નોંધ લેવા જેવી છે. કોઈપણ સમાજમાં જ આવી ઘટના બને ત્યારે સમગ્ર સમાજે એક થઈને ઉગ્ર વિરોધ કરવો જોઈએ કે જેથી ભવિષ્યમાં આવી પ્રવૃત્તિઓ સંપૂર્ણપણે બંધ થઈ જાય. અશોક માણિયાએ તો પાટીદાર સમાજનાં માતા-પિતાને એવી અપીલ પણ કરી કે, દીકરીઓને ગાયનના ક્ષેત્રથી દૂર રાખો કેમ કે આ ક્ષેત્રમાં દીકરીઓ ભોગ બને છે.
લોકગાયક લાલુ માલવિયાએ પણ વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે કે, પાટીદાર સમાજમાં દીકરીઓને સિંગર ન બનાવવી જોઈએ કેમ કે, ગાયન સાથે જોડાયેલી દીકરીઓના આવા આઘાતજનક નિર્ણયોની સીધી અને નકારાત્મક અસર સમગ્ર પાટીદાર સમાજ પર પડે છે. ગાયક તથા સમાજના દીકરા તરીકે હું લોકોને નમ્ર અપીલ કરું છું કે, દીકરીઓને ગાયનના ક્ષેત્રથી દૂર રાખો કે જેથી સમાજની વ્યવસ્થા અને અન્ય કલાકારોની છબી જળવાઈ રહે. લવ મેરેજ જેવા નિર્ણયોથી આ ક્ષેત્રમાં રાત-દિવસ પ્રામાણિકતાથી મહેનત કરી રહેલા પાટીદાર સમાજના ગાયકોની પ્રતિષ્ઠા અને કારકિર્દી પર ભારે માઠી અસર થાય છે.