શ્રીનગર: જમ્મુ કાશ્મીરમાં 3 જુલાઇના રોજથી પ્રારંભ થઇ રહેલી અમરનાથ યાત્રા માટે સઘન સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. જેના પગલે સુરક્ષા દળોએ સંવેદનશીલ વિસ્તારોમાં સર્ચ ઓપરેશન પણ હાથ ધર્યું છે.જોકે, અમરનાથ યાત્રા જતાં શ્રદ્ધાળુઓ માટે અનેક વસ્તુઓનું ધ્યાન રાખવું જરૂરી છે. આ દરમિયાન જમ્મુ કાશ્મીર પોલીસે શ્રદ્ધાળુઓ માટે એડવાઇઝરી જાહેર કરી છે.
પીવાની પાણીની બોટલ સાથે રાખવી હિતાવહ
જેમાં અમરનાથ યાત્રા કરી રહેલા શ્રદ્ધાળુઓએ પીવાની પાણીની બોટલ સાથે રાખવી હિતાવહ છે. કારણ કે વધુ ઉંચાઇ પર તમને પાણીની તરસ વધુ લાગી શકે છે. તેમજ થાક પણ લાગી શકે છે તેથી પાણી પાસે રાખવું હિતાવહ છે. આ ઉપરાંત જો તમે કોઇ સ્વાસ્થય સબંધી સમસ્યાથી પીડાઇ રહ્યા હોવ તો દવા સાથે રાખવી જરૂરી છે.
શ્રદ્ધાળુઓએ જરૂરી દવાઓ સાથે રાખવી જોઇએ
આ ઉપરાંત પહાડી વિસ્તારમાં યાત્રા દરમિયાન શરીરમાં થાક લાગે છે. જેના લીધે સંભવિત રીતે માથાનો દુ:ખાવો, અને ઉબકા અથવા અન્ય સ્વાસ્થ્ય સમસ્યાઓનો અનુભવ થઈ શકે છે. આવા સમયે સ્વસ્થ રહેવા માટે શ્રદ્ધાળુઓએ જરૂરી દવાઓ સાથે રાખવી જોઇએ.
ગરમ કપડાં, છત્રી અને વોટરપ્રૂફ શૂઝ સાથે રાખવા
આ ઉપરાંત પ્રાથમિક સારવાર કીટ, બેન્ડેઝ, પેઇન કીલર, અને હવામાન મુજબ જરૂરી કપડા સાથે રાખવા જરૂરી છે. જયારે યાત્રા દરમિયાન પહાડી પ્રદેશોમાં હવામાન અચાનક બદલાઈ શકે છે. તેથી ગરમ કપડાં, છત્રી અને વોટરપ્રૂફ શૂઝ સાથે રાખવા જરૂરી છે.

સનગ્લાસ પહેરવા પણ હિતાવહ
જયારે આ યાત્રા દરમિયાન શ્રદ્ધાળુઓએ ચહેરાનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. યાત્રા દરમિયાન ચહેરાને સૂર્યપ્રકાશ અને ઠંડા પવનથી બચાવવો જોઈએ. સૂર્ય પ્રકાશથી બચવા માટે સનસ્ક્રીનનો ઉપયોગ કરી શકો છો. તેમજ આંખોને સૂર્યપ્રકાશથી બચાવવા માટે સનગ્લાસ પહેરવા પણ હિતાવહ છે.
ટ્રેકિંગ સ્ટીક સાથે રાખો
અમરનાથ યાત્રા દરમિયાન અનેક પડાવ આવે છે. તેમજ રાત્રી રોકાણ દરમિયાન અનેક વસ્તુઓની જરૂર પડે છે. તેથી સાથે હેડ લેમ્પ અથવા ફ્લેશ લાઇટ સાથે રાખવી જોઈએ. જે અંધારામાં ઉપયોગી સાબિત થઈ શકે છે. આ ઉપરાંત યાત્રા દરમિયાન સાથે ટ્રેકિંગ સ્ટીક સાથે રાખો જેનાથી ઢોળાવ પર ચઢાણ સરળ બનશે.
લાંબી યાત્રા દરમિયાન એનર્જી લેવલ પણ ઘટે છે.
આ લાંબી યાત્રા દરમિયાન એનર્જી લેવલ પણ ઘટે છે. તેથી શ્રદ્ધાળુઓ સાથે ખાટી-મીઠા કેન્ડી, સૂકા ફળો, શેકેલા ચણા અને ચોકલેટ સાથે રાખવી હિતાવહ છે. આ દરમિયાન તમારી માટે મહત્વના એવા મોબાઈલ ફોન માટે ચાર્જર, પાવર બેંક અને નાણા સુરક્ષિત રાખવા માટે વોટર પ્રૂફ કવર સાથે રાખો.
જમ્મુ કાશ્મીર પોલીસે શ્રદ્ધાળુઓ માટે એડવાઇઝરી જાહેર કરી
આ દરમિયાન જમ્મુ કાશ્મીર પોલીસે શ્રદ્ધાળુઓ માટે એડવાઇઝરી જાહેર કરી છે. જેમાં યાત્રીઓને તેમના પ્રવાસ સમયપત્રકનું અગાઉથી આયોજન કરવાની સલાહ આપી છે. તેમને નિયત કટ-ઓફ સમય પહેલાં કાશ્મીર તરફની તેમની યાત્રા શરૂ કરવા અને સુરક્ષા તપાસ હવામાન સંબંધિત વિલંબ અને ટ્રાફિક નિયમોનું પાલન કરવા માટે પૂરતો સમય આપવા વિનંતી કરવામાં આવી છે.

57 દિવસની અમરનાથ યાત્રા 3 જુલાઈના રોજ શરૂ થશે
ઉલ્લેખનીય છે કે, 57 દિવસની અમરનાથ યાત્રા 3 જુલાઈના રોજ શરૂ થશે. આ યાત્રા બે માર્ગો દ્વારા કરવામાં આવશે. જેમાં પરંપરાગત 48 કિલોમીટર લાંબો નુનવાન-પહલગામ માર્ગ અને પ્રમાણમાં ટૂંકો પરંતુ વધુ મુશ્કેલ 14 કિલોમીટર લાંબો બાલટાલ માર્ગ છે. આ યાત્રા 28 ઓગસ્ટના રોજ રક્ષાબંધનના દિવસે સમાપ્ત થશે.