ચીનના ઝૂ અવારનવાર પોતાની અજીબોગરીબ કરામતો અને નકલી જુગાડ માટે વિશ્વભરમાં ચર્ચામાં રહે છે. આ વખતે ચીનના એક વાઇલ્ડલાઇફ પાર્કે ચાલાકીની બધી સીમાઓ વટાવી દીધી છે. અહીં એક સીધા-સાદા ગધેડાના શરીર પર કાળી પટ્ટીઓ પેઇન્ટ કરીને તેને 'ઝેબ્રા' બનાવી દેવાયો અને પ્રવાસીઓ સામે પ્રદર્શન માટે પિંજરામાં ઊભો રાખી દેવામાં આવ્યો. જોકે, ઝૂ પ્રશાસનની આ નબળી કળા પ્રવાસીઓની નજરમાંથી છુપી શકી નહીં અને લોકોએ તરત જ આ નકલી ઝેબ્રાનો વીડિયો બનાવી સોશિયલ મીડિયા પર વાઈરલ કરી દીધો છે.
આ રમુજી ઘટના ચીનના વેઇફાંગ શહેરના 'આનકિયૂ વાઇલ્ડલાઇફ પાર્ક'ની છે. વાઈરલ વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે ગધેડા પર ખૂબ જ ખરાબ રીતે કાળા રંગના પટ્ટા દોરવામાં આવ્યા છે જેથી તે દૂરથી થોડો-ઘણો ઝેબ્રા જેવો દેખાય. સોશિયલ મીડિયા પર ભારે ફજેતી થયા બાદ ઝૂના એક કર્મચારીએ બચાવ કરતાં જણાવ્યું હતું કે, અમે પ્રાણીઓનું કોસપ્લે એટલે કે વેશેભૂષા કરી રહ્યા હતા. અમે ક્યારેય એવો દાવો નથી કર્યો કે આ અસલી ઝેબ્રા છે. અમે પિંજરાની બહાર એવું કોઈ બોર્ડ પણ નહોતું લગાવ્યું. આ માત્ર પ્રવાસીઓના મનોરંજન માટેનો એક મજાક હતો.
This zoo had no tigers so they painted some Chow Chows orange, added stripes and called it a tiger exhibit. It is not their first time doing this either. pic.twitter.com/Yuer9iNtp2
— Lemma’s Animal Desk (@DoctorLemma) June 18, 2026
જોકે, આવો કિસ્સો પહેલી વખતનો નથી. ગયા વર્ષે પણ શેનડોંગના 'જિબો સિટી એમ્યુઝમેન્ટ પાર્ક'માં એક ગધેડાને ઝેબ્રા બનાવીને રજૂ કરાયો હતો. આ સિવાય ચીનના 'તાઇઝોઉ ઝૂ'એ તો હદ વટાવી દીધી હતી, જ્યારે તેમણે સફેદ રંગના બે 'ચાઉ-ચાઉ' જાતિના શ્વાનને કાળા અને કેસરી રંગથી રંગીને 'વાઘ' તરીકે પિંજરામાં પૂરી દીધા હતા. એ સમયે પ્રાણીઓ પ્રત્યે ક્રૂરતાનો આરોપ લાગતા પ્રશાસને દલીલ કરી હતી કે, જો માણસો પોતાના વાળ ડાય કરી શકતા હોય, તો કૂતરાના લાંબા વાળ પર નેચરલ કલરનો ઉપયોગ કરવામાં શું ખોટું છે?
Donkey Painted Like Zebra at Chinese Zoo Sparks Reactions Online pic.twitter.com/sKvs8s6nUy
— Iamelizabeth (@elizabethblogng) June 22, 2026
આ વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે અને લોકો ચીનની આ 'સસ્તી ટેકનિક' પર જોરદાર કમેન્ટ્સ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું હતું કે ચીનનો માલ આમ પણ નકલી અને ગેરંટી વગરનો હોય છે, હવે તો પ્રાણીઓ પણ ડુપ્લીકેટ બનાવવા લાગ્યા. બીજા યુઝરે કટાક્ષ કરતાં કમેન્ટ કરી હતી કે ઘાસ ખાધા વગર ચાલતો ઝેબ્રા બનાવવા બદલ ચીનના એન્જિનિયરોને 21 તોપોની સલામી. જોકે, કેટલાક લોકોએ પ્રાણીઓની સુરક્ષા અંગે ચિંતા વ્યક્ત કરતા લખ્યું હતું કે, મનોરંજનના નામે મૂંગા પ્રાણીઓ પર કેમિકલવાળો કલર લગાવવો તે સદંતર ખોટું છે અને આ એક પ્રકારની ક્રૂરતા છે.