Tue Aug 25 2026

Logo

ભિવંડીમાં લોનને બહાને લોકોને છેતરતા બોગસ કૉલ સેન્ટરનો પર્દાફાશ: આઠ સામે ગુનો દાખલ

2026-06-23 17:55:00
Author: Yogesh D. Patel
ભિવંડીમાં લોનને બહાને લોકોને છેતરતા બોગસ કૉલ સેન્ટરનો પર્દાફાશ: આઠ સામે ગુનો દાખલ

Chat GPT Generated Image


થાણે: થાણે જિલ્લામાં લોન અપાવવાના બહાને લોકોને છેતરતા બોગસ કૉલ સેન્ટરનો પોલીસે પર્દાફાશ કર્યો હતો અને આ પ્રકરણે આઠ વ્યક્તિ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો, એમ અધિકારીએ જણાવ્યું હતું.

નારપોલી પોલીસ સ્ટેશનની ટીમે મળેલી માહિતીને આધારે 19 જૂને ભિવંડીમાં અંજુરફાટા ખાતેના એક પરિસરમાં રેઇડ પાડી હતી. આ ઑપરેશન દરમિયાન પોલીસે વિવિધ ઇલેક્ટ્રોનિક ગેઝેટ્સ અને ઉપકરણો સહિત 1.03 લાખ રૂપિયાની મતા જપ્ત કરી હતી.

આરોપીઓએ ‘ક્વિક લોન’ નામ હેઠળ બોગસ કૉલ સેન્ટર શરૂ કર્યું હતું અને સ્ટાફની ભરતી કરી હતી. કૉલ સેન્ટરના કર્મચારીઓ દેશભરમાં લોકોનો સંપર્ક સાધતા હતા અને તેમને ઇઝી લોનની ઓફર કરતા હતા. તેઓ અરજદારો પાસેથી પ્રોસેસિંગ ફી વસૂલતા હતા, પણ તેમને લોન મેળવી આપતા નહોતા.

પોલીસે કૉલ સેન્ટર સામે કાર્યવાહી કર્યા બાદ 20 જૂને સેન્ટર ઑપરેટર્સ અને કૉલર્સ સહિત આઠ જણ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા કલમ 316 (2) (વિશ્ર્વાસઘાત), 318 (4) (છેતરપિંડી) અને 3 (5) (સમાન હેતુ) તેમ જ ઇન્ફોર્મેશન ટેક્નોલોજી એક્ટની સુસંગત જોગવાઇઓ હેઠળ ગુનો દાખલ કર્યો હતો.

આરોપીઓએ કેટલા લોકોને ટાર્ગેટ કર્યા હતા અને કેટલા રૂપિયાની છેતરપિંડી આચરી હતી, તે જાણવા માટે કૉલ સેન્ટરના ટ્રાન્ઝેક્શન્સના રેકોર્ડ પોલીસ દ્વારા તપાસવામાં આવી રહ્યા છે, એમ અધિકારીએ જણાવ્યું હતું.

(પીટીઆઇ)