Sun Sep 06 2026

Logo

મધ્ય રેલવેના પ્રવાસીઓ માટે ખુશખબરઃ 15 કોચની ટ્રેનોની સંખ્યા વધારશે, ભીડમાંથી મળશે રાહત

2026-04-15 17:57:15
Author: Mumbai Samachar Team
મધ્ય રેલવેના પ્રવાસીઓ માટે ખુશખબરઃ 15 કોચની ટ્રેનોની સંખ્યા વધારશે, ભીડમાંથી મળશે રાહત

મુંબઈઃ મુંબઈગરાઓની લાઈફલાઈન ગણાતી લોકલ ટ્રેનોમાં અસહ્ય ભીડ જોવા મળે છે, જેમાં મધ્ય રેલવેમાં સીએસએમટી-કલ્યાણ કોરિડોરમાં પંદર કોચની સર્વિસની સંખ્યા મર્યાદિત છે. સંખ્યા મર્યાદિત હોવાથી પ્રવાસીઓને ભીડવાળી ટ્રેનમાં મુસાફરી કરવી પડશે, પરંતુ આગામી દિવસોમાં આ ભીડથી રાહત મળવાની શક્યતા છે. પ્રવાસીઓની સુવિધા માટે રેલવેએ એક મોટો નિર્ણય લીધો છે, જે અન્વયે આગામી દિવસોમાં 15 કોચવાળી ઉપનગરીય ટ્રેનોની ફ્રીક્વન્સી વધારવામાં આવશે.

પીક અવર્સ દરમિયાન, 12 કોચવાળી ટ્રેનમાં મુસાફરી કરવી મુશ્કેલ બને છે. આના ઉકેલ માટે, મધ્ય રેલવે દ્વારા 15 કોચની સંખ્યા વધારવામાં આવશે. આ માટે, દાદર સ્ટેશન પર સાઈડિંગ ઉપલબ્ધ કરાવવામાં આવશે, જેથી 15 કોચવાળી ટ્રેનોનું આયોજન સરળ બનશે. રેલવેના અધિકારીઓના મતાનુસાર આ સાઈડિંગને કારણે  ઉપનગરીય ટ્રેનોને પાર્ક કરવી, જાળવણી શક્ય બનતા સમયપત્રકનું વ્યવસ્થિત સંચાલન થઇ શકશે.

મધ્ય રેલવે પાસે હાલમાં 15 કોચવાળી બે ટ્રેનો છે. તે સીએસએમટી પ્લેટફોર્મ નંબર 7 અને કલ્યાણ ગુડ્સ યાર્ડમાં  પાર્ક કરવામાં આવે છે. જોકે, વધુ ટ્રેનો પાર્ક કરવા માટે કોઈ પ્લેટફોર્મ ઉપલબ્ધ નથી. જગ્યાના અભાવે, ૧૫ કોચવાળી ટ્રેનોની સંખ્યા વધારવી શક્ય નહોતી. તેથી, પ્લેટફોર્મ બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. 
દરમિયાન, મધ્ય રેલ્વેના કાફલામાં ટૂંક સમયમાં ત્રીજી 15-કોચવાળી ટ્રેન ઉમેરવામાં આવશે. ત્યાર બાદ આ રૂટ પર ત્રણ ટ્રેનોનો ઉપયોગ કરવામાં આવશે, એમ અધિકારીઓએ જણાવ્યું હતું.

મધ્ય રેલવેમાં દૈનિક 1820 ઉપનગરીય ટ્રેનો દોડે છે. આમાં, 15 કોચવાળી ટ્રેનોની 11 અપ અને 11 ડાઉન ટ્રીપ સીએસએમટી અને કલ્યાણ સ્ટેશનો વચ્ચે દોડે છે. જોકે, ઘણા સ્ટેશનો પર પ્લેટફોર્મની લંબાઈ ફક્ત 12 કોચ માટે જ છે. તેથી, આ રૂટ પર 34 પ્લેટફોર્મની લંબાઈ વધારવામાં આવશે.