Thu Apr 16 2026

Logo

કેન્દ્ર સરકારની સ્પષ્ટતા, હિમંતા બિસ્વા શર્માની પત્ની પાસે ત્રણ પાસપોર્ટ હોવાની વાત ખોટી

2026-04-07 21:56:38
Author: Chandrakant Kanoja
Article Image

નવી દિલ્હી: આસામ વિધાનસભાની ચૂંટણીઓમાં ભાજપ અને કોંગ્રેસ એક બીજા પર આરોપ પ્રત્યારોપ કરી રહ્યા છે. તેવા સમયે કોંગ્રેસ પાર્ટીએ મુખ્યમંત્રી હિમંતા બિસ્વા શર્માની પત્ની રિંકી ભૂયાન શર્મા પર ગંભીર આરોપ લગાવ્યો હતો. જેમાં તેમના પર ત્રણ અલગ અલગ દેશોના પાસપોર્ટ હોવાનો આરોપ લગાવ્યો હતી. ત્યારે  હવે  કેન્દ્ર સરકારે આ મામલે પ્રતિક્રિયા આપી છે. કેન્દ્રીય વિદેશ રાજ્ય મંત્રી પાબિત્રા માર્ગેરિટાએ આ દાવાઓને સંપૂર્ણપણે ખોટા અને ઉપજાવેલા છે. 

આ દસ્તાવેજો નકલી અને બનાવટી 

આ આરોપોને ફગાવતા  વિદેશ રાજ્ય મંત્રી માર્ગેરિટાએ જણાવ્યું હતું કે કોંગ્રેસ પાર્ટી દ્વારા શેર કરાયેલા દસ્તાવેજો નકલી છે. તેમણે જણાવ્યું કે  કોંગ્રેસ નેતા પવન ખેડા  રાજ્ય પાર્ટીના વડા ગૌરવ ગોગોઈ સાથે મળીને મુખ્યમંત્રીની પત્ની સામે પાસપોર્ટ સહિત કેટલાક દસ્તાવેજો રજૂ કર્યા હતા, જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે આ પાસપોર્ટ ત્રણ વ દેશોના છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, "હું કહેવા માંગુ છું કે, અમારા રાજદ્વારી માધ્યમો અને તપાસ દ્વારા અમે ખાતરી કરી છે કે આ દસ્તાવેજો નકલી અને બનાવટી છે. 

વિદેશમાં રાખેલી સંપત્તિ અંગેની માહિતી છુપાવી

હાલમાં કોંગ્રેસના નેતા પવન ખેડાએ દાવો કર્યો હતો કે રિંકી ભૂયાન શર્મા પાસે સંયુક્ત આરબ અમીરાત (UAE), એન્ટિગુઆ અને બાર્બુડા અને ઇજિપ્તના પાસપોર્ટ છે. કોંગ્રેસનો આરોપ છે કે મુખ્યમંત્રીએ તેમના ચૂંટણી સોગંદનામામાં આ વિદેશી પાસપોર્ટ અને વિદેશમાં રાખેલી સંપત્તિ અંગેની માહિતી છુપાવી હતી.

આસામ પોલીસ પવન ખેડાના દિલ્હીના નિવાસ સ્થાને પહોંચી

જોકે, આસામના સીએમ હિમંતા બિસ્વા સરમાની પત્ની પાસે ત્રણ પાસપોર્ટ હોવાનો દાવો કર્યા બાદ કોંગ્રેસ નેતા પવન ખેડાની મુશ્કેલીઓ વધી છે. આસામ પોલીસ આ કેસના સંદર્ભે તપાસ કરવા પવન ખેડાના દિલ્હીના નિવાસ સ્થાને  પહોંચી છે. જેના લીધે પવન ખેડાને દિલ્હી પરત આવવાની ફરજ પડી છે. 

મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ કાયદેસર કાર્યવાહીની વાત કહી હતી 

આ આક્ષેપોનો જડબાતોડ જવાબ આપતા મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ આને કોંગ્રેસની હતાશા ગણાવી છે. તેમણે સોશિયલ મીડિયા પર સ્પષ્ટ કર્યું કે આ તમામ આરોપો રાજકીય દ્વેષથી પ્રેરિત અને ખોટા છે. મુખ્યમંત્રીએ જાહેરાત કરી છે કે તેઓ આગામી 48 કલાકમાં પવન ખેડા વિરુદ્ધ ફોજદારી અને સિવિલ માનહાનિનો કેસ દાખલ કરશે. તેમણે ઉમેર્યું કે કોંગ્રેસ હાર ભાળી ગઈ હોવાથી આવા હીન કક્ષાના હુમલા કરી રહી છે અને હવે તેનો ફેંસલો અદાલતમાં જ આવશે.