Wed Aug 19 2026

Logo

બ્રિજની રૅલિંગ તોડી કાર ગોદાવરી નદીમાં પડતાં શિક્ષક સહિત બે સંતાનનાં મોત

2026-07-17 18:11:49
Author: Yogesh C. Patel
Article Image

મોબાઈલના વૉટ્સઍપ સ્ટેટ્સમાં ઉપરીઓના ત્રાસથી જીવન ટૂંકાવવાની વાતનો ઉલ્લેખ

છત્રપતિ સંભાજીનગર: નાંદેડ જિલ્લામાં બનેલી આઘાતજનક ઘટનામાં બ્રિજની રૅલિંગ તોડીને કાર ગોદાવરી નદીમાં પડતાં શિક્ષક અને તેનાં બે સંતાનનાં મોત નીપજ્યાં હતાં. કાર શિક્ષક પોતે ચલાવતો હતો અને તેનું વૉટ્સઍપ સ્ટેટસ જોતાં આ આપઘાત હોવાની શક્યતા પોલીસે વ્યક્ત કરી હતી.

પોલીસના જણાવ્યા મુજબ સુનીલ મોરે (42) હિમાયતનગરમાં આવેલી પોટા બુદ્રુક જિલ્લા પરિષદ સ્કૂલમાં શિક્ષક હતો. વૉટ્સઍપ સ્ટેટસ પર તેણે સિનિયર્સ દ્વારા હેરાનગતિ કરાતી હોવાની પોસ્ટ મૂકી હતી.
શુક્રવારની સવારે 8 વાગ્યાની આસપાસ મોરે દીકરી સારા (12) અને દીકરા સુમિત (8) સાથે પોતાની કારમાં ઘરેથી નીકળ્યો હતો. પોલીસનું માનવું છે કે કાર સુનીલ ચલાવતો હતો અને તેણે ઇરાદાપૂર્વક કાર અમદુરા-પુણેગાંવ રોડ પર ગોદાવરી નદી ઉપરના બ્રિજની રૅલિંગ સાથે અથડાવી હતી.

રૅલિંગ તોડીને કાર નદીના પાણીમાં પડી હતી, જેને કારણે ડૂબી જવાથી મોરે અને તેનાં બન્ને સંતાને જીવ ગુમાવ્યા હતા. ઘટના સમયે પત્ની ઘરમાં હતી, એમ પોલીસે જણાવ્યું હતું.
રાહદારીઓએ કારને નદીમાં પડતી જોતાં પોલીસ અને નાંદેડના સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સને જાણ કરી હતી. ત્રણ કલાકની જહેમત પછી પોલીસ અને ડિઝાસ્ટરની ટીમ નદીમાંથી કારને બહાર કાઢવામાં સફળ રહી હતી. કારમાંથી ત્રણેયના મૃતદેહ મળી આવ્યા હતા.

પોલીસને કારમાંથી શિક્ષકનો મોબાઈલ ફોન મળી આવ્યો હતો, જેમાં વૉટ્સઍપ સ્ટેટસમાં એવું પોસ્ટ કરાયું હતું કે સિનિયર્સ દ્વારા અપાતા ત્રાસથી કંટાળ્યો છું અને સંતાનો સાથે આત્મહત્યા કરવાનો છું. પોલીસ મોરેના આ દાવાની તપાસ કરી રહી છે.

(પીટીઆઈ)