ભુજ: નાગરિકતા સંશોધન કાયદા (સીએએ) હેઠળ તાજેતરમાં ભારતીય નાગરિકત્વ પ્રાપ્ત કરનાર અને હાલ રાજકોટ ખાતે રહેતા પાકિસ્તાનથી સ્થળાંતરિત ૪૦૦થી વધુ પીડિત હિન્દુ મહેશ્વરી પરિવારોના કાયમી પુનર્વસન અને સામાજિક અધિકારો માટે કચ્છ જિલ્લા પંચાયતના પૂર્વ ચેરમેન નરેશ કેશવલાલ મહેશ્વરી દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સત્તાવાર રજૂઆત કરવામાં આવી છે.
પાકિસ્તાની અને ભારતીય ચલણના તફાવતને કારણે આર્થિક રીતે દયનીય સ્થિતિમાં મુકાયેલા આ પરિવારો માટે ભૂતકાળના ધારાધોરણો મુજબ રહેણાંકના પ્લોટ/મકાન અને રોજી-રોટી માટે ખેતીની જમીન ફાળવવી, આર્થિક પછાત સ્થિતિને ધ્યાને લઈ તાત્કાલિક ધોરણે રાશનકાર્ડ બનાવી 'પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના' હેઠળ મફત અનાજ અને 'આયુષ્માન ભારત યોજના' હેઠળ રૂ. ૫ લાખનું આરોગ્ય કવચ પૂરું પાડવું,અનુસૂચિત જાતિ પ્રમાણપત્રો માટે સરળ નીતિ: સીમાપારથી આવેલા હોવાથી વંશાવળીના જૂના પુરાવાના અભાવે એસસી દાખલા મેળવવામાં મુશ્કેલી પડી રહી છે. આથી વિશેષ નીતિ ઘડી સરળતાથી એસસી પ્રમાણપત્રો આપવા જેથી બાળકોને શિક્ષણ, પ્રવેશ અને શિષ્યવૃત્તિનો લાભ મળી શકે વગેરે બાબતોની માંગ કરવામાં આવી છે.
(ઉત્સવ વૈદ્ય)