Tue May 05 2026

Logo

બ્રેકિંગ ન્યૂઝ : 5 May 2026 દેશ-વિદેશના તમામ લેટેસ્ટ અને બ્રેકિંગ સમાચારો માટે અહીં અપડેટ રહો

2026-05-05 07:46:05
Author: Mumbai Samachar Team
Article Image

દેશ-વિદેશના તમામ લેટેસ્ટ અને બ્રેકિંગ સમાચારો માટે અહીં અપડેટ રહો. રાજકારણ, વેપાર, રમતગમત, મનોરંજન અને ટેકનોલોજી સહિતના તમામ ક્ષેત્રની ઝડપી અને સચોટ માહિતી માટે અહીં અપડેટ રહો.

Live Updates

2026-05-05 17:56:19

ગોવાથી ચંદીગઢ આવી રહેલી ફલાઇટમાં એરપોર્ટ પર ધમાકો, પાંચ મુસાફર ઘાયલ

ગોવાથી ચંદીગઢ આવી રહેલી એક ફ્લાઇટના લેન્ડિંગ વખતે જોરદાર ધમાકો થયો હતો. જેના પગલે વિમાનમાં સવાર મુસાફરોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો. પ્રાથમિક માહિતી મુજબ પાવર બેંક ફાટતા ધમાકો થયો હતો. જેમાં પાંચ મુસાફરો ઘાયલ થયા છે. આ દુર્ઘટના સોમવારે ઘટી હતી.

2026-05-05 17:13:10

મમતા બેનર્જીની મોટી જાહેરાત, રાજીનામું નહિ આપે, અંતિમ શ્વાસ સુધી લડશે

પશ્ચિમ બંગાળમાં ભાજપની શાનદાર જીત બાદ મમતા બેનર્જીએ આકરા તેવર દેખાડ્યા  છે. સીએમ મુખ્યમંત્રી મમતા બેનર્જીએ તેમના પદ પરથી રાજીનામું આપવાનો ઇનકાર કર્યો છે. મત ગણતરીમાં ગેરરીતિનો આરોપ લગાવતા તેમણે જાહેરાત કરી કે તેઓ તેમના છેલ્લા શ્વાસ સુધી લડશે.

2026-05-05 16:32:43

મિડલ ઈસ્ટમાં તણાવ વચ્ચે કતાર પરથી અમેરિકન એરફોર્સનું KC-135 ગાયબ

મિડલ ઈસ્ટમાં ઈરાન અને અમેરિકા વચ્ચે ફરી તણાવ વધી રહ્યો છે.  આ દરમિયાન અમેરિકન એરફોર્સનું  KC-135 વિમાન ગાયબ થયાના અહેવાલ પ્રાપ્ત થયા છે.  આ વિમાન કતાર પરથી ઉડી રહ્યું હતું ત્યારે તે અચાનક રડાર પરથી ગાયબ થયું હતું.

2026-05-05 15:56:30

પશ્ચિમ બંગાળમાં મુખ્યમંત્રી પદના દાવેદાર તરીકે અગ્નિમિત્રા પોલનું નામ ચર્ચામાં

પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં ભાજપની શાનદાર જીત બાદ હવે  મુખ્યમંત્રી પદના નામ માટેની ચર્ચાએ જોર પકડયું છે. જેમાં એક તરફ મમતા બેનર્જીને ભવાનીપુર બેઠક પરથી હરાવનાર સુવેન્દુ અધિકારીનું નામ ચર્ચામાં છે. ત્યારે બીજી તરફ  અગ્નિમિત્રા પોલનું નામ પણ ચર્ચામાં આવ્યું છે.

2026-05-05 15:10:31

પશ્ચિમ બંગાળ, આસામમાં ભાજપે સરકાર રચવાની તૈયારીઓ શરૂ કરી

ભાજપ  હાઇકમાન્ડે  મુખ્ય રાજ્યોમાં નવા ધારાસભ્ય દળના નેતાની પસંદગી માટે કેન્દ્રીય નિરીક્ષકો અને સહ-નિરીક્ષકોન નામોની સત્તાવાર જાહેરાત કરી છે. પશ્ચિમ બંગાળ જેવા રાજકીય રીતે સંવેદનશીલ અને મહત્વપૂર્ણ રાજ્યમાં કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહને આ મહત્વપૂર્ણ જવાબદારી સોંપવામાં આવી છે. જયારે જેપી નડ્ડાને પૂર્વોત્તરના સૌથી મહત્વપૂર્ણ રાજ્ય આસામ માટે કેન્દ્રીય નિરીક્ષક તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.

2026-05-05 15:09:35

બિહારમાં નવી સરકારના મંત્રીમંડળનું વિસ્તરણ 7 મેના રોજ યોજાશે

બિહારમાં એનડીએની નવી સરકારના મંત્રીમંડળનું વિસ્તરણ 7 મેના રોજ કરવામાં આવશે. આ અંગે બિહારના પ્રદેશ પ્રમુખ સંજય સરાઓગીએ જાહેરાત કરી હતી કે મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરીના નેતૃત્વમાં નવી સરકારનું મંત્રીમંડળ વિસ્તરણ 7 મેના રોજ ગાંધી મેદાનમાં થશે. પીએમ નરેન્દ્ર મોદી અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નબીન પણ આ શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપશે.

2026-05-05 13:38:54

લેબનાન પર ઈઝરાયલના હુમલામાં 17 લોકોના કમકમાટીભર્યા મોત

મિડલ ઈસ્ટમાં ચાલી રહેલો સંઘર્ષ વધુ ઉગ્ર બન્યો છે. ઈઝરાયલ દ્વારા લેબનોન પર કરવામાં આવેલા તાજેતરના ભીષણ હુમલામાં 17 લોકોના મોત થયાના સમાચાર સામે આવ્યા છે. આ હુમલાને કારણે સમગ્ર વિસ્તારમાં ભારે તબાહી અને અફરાતફરીનો માહોલ સર્જાયો છે.

2026-05-05 13:00:04

મહીસાગર નદીના કોટના બીચ પર બે યુવકોના ડૂબી જવાથી કરુણ મોત

ઉનાળાની ગરમીમાં નદીમાં ન્હાવા જવાનું સાહસ આજે બે વ્યક્તિઓ માટે જીવલેણ સાબિત થયું હતું. વડોદરા પાસે આવેલા પ્રખ્યાત પ્રવાસન સ્થળ કોટના બીચ પર આજે સવારે ન્હાવા પડેલા યુવકોમાંથી બેના ડૂબી જવાથી મોત નિપજ્યા છે.

2026-05-05 12:17:23

પશ્ચિમ બંગાળમાં નવા CMનો 9 મેના રોજ શપથ ગ્રહણ સમારોહ યોજાશે

પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં ભાજપે 206 સીટ જીતીને ઈતિહાસ રચ્યો હતો. બંગાળમાં દીદીના શાસનનો અંત આવ્યો હતા. આ દરમિયાન પશ્ચિમ બંગાળ ભાજપ પ્રદેશ પ્રમુખ સમિક ભટ્ટાચાર્યએ મોટી જાહેરાત કરી છે. જે મુજબ પશ્ચિમ બંગાળના નવા મુખ્ય પ્રધાનનો શપથ ગ્રહણ સમારોહ 9 મેના રોજ યોજાશે.

2026-05-05 11:25:55

સવારે 8 થી 10માં દાહોદ જિલ્લામાં વરસાદ

સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરના આંકડા પ્રમાણે, સવારે 8 થી 10ના સમયગાળામાં દાહોદ જિલ્લાના ત્રણ તાલુકામાં વરસાદ નોંધાયો હતો. ઝાલોદમાં 0.55 ઇંચ,  દાહોદમાં 0.24 ઇંચ અને ગોવિંદ ગુરુ લીમડીમાં 0.20 ઇંચ વરસાદ પડ્યો હતો.

2026-05-05 10:44:31

મુંબઈ-દિલ્હી એક્સપ્રેસ-વે પર કાળમુખો અકસ્માત

પંચમહાલ જિલ્લાના ગોધરા નજીક આવેલા ભાટપુરા ગામ પાસે મુંબઈ-દિલ્હી એક્સપ્રેસ-વે કોરિડોર પર આજે અકસ્માત સર્જાયો હતો. એક પુરપાટ ઝડપે જતી કાર અજાણ્યા વાહન સાથે ધડાકાભેર અથડાતા એક જ પરિવારના ત્રણ સભ્યોએ જીવ ગુમાવ્યો હતો. આ કરુણ દુર્ઘટનામાં કારમાં સવાર માતા, પિતા અને પુત્રનું ઘટનાસ્થળે જ મોત થયું હતું.

2026-05-05 09:25:50

ગુજરાતમાં સવારે બે કલાકમાં ત્રણ તાલુકામાં વરસાદ

હવામાન વિભાગની આગાહી પ્રમાણે, રાજ્યના કેટલાક વિસ્તારના વાતાવરણમાં પલટો આવ્યો હતો. સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરના આંકડા પ્રમાણે, રાજ્યમાં ત્રણ તાલુકામાં વરસાદ નોંધાયો છે. સવારે 6 થી 8 કલાક દરમિયાન દાહોદના ફતેપુરામાં 0.79 ઇંચ, સુખસરમાં 0.47 ઇંચ તથા સંતરામપુરમાં 0.39 ઇંચ વરસાદ પડ્યો હતો.

2026-05-05 08:58:13

હોર્મુઝમાં અમેરિકાના હુમલામાં 5નાં મોત

પશ્ચિમ એશિયામાં 18 દિવસના સીઝફાયર બાદ તણાવ ફરી વધી ગયો છે. UAE માં ઈરાની ડ્રોન એટેક, બહેરીનમાં રેડ એલર્ટ અને હોર્મુઝ સ્ટ્રેટ સંકટે દુનિયાની ચિંતા વધારી દીધી છે. ઈરાની મીડિયાએ સૈન્ય સૂત્રોના હવાલાથી દાવો કર્યો છે કે અમેરિકી સેનાએ ઈરાન તરફ સામાન લઈ જતી બે નાગરિક નૌકાઓને નિશાન બનાવી છે. ઈરાનનું કહેવું છે કે આ IRGC ની સ્પીડબોટ્સ નહોતી પરંતુ સામાન્ય માલવાહક નૌકાઓ હતી, જેમાં સવાર 5 નાગરિકોના મોત થયા છે.

2026-05-05 08:04:57

UP, બિહારમાં વરસાદ, વીજળી પડવાથી 44 લોકોનાં મોત

UP, બિહારમાં  સોમવારે ભારે વાવાઝોડા, વરસાદ, કરા અને વીજળી પડવાને કારણે ભારે તબાહી મચી હતી. આ અકસ્માતોમાં ઉત્તર પ્રદેશમાં 24 અને બિહારમાં 20 લોકોના મોત થયા છે. આ ઉપરાંત મોટી સંખ્યામાં લોકો ઇજાગ્રસ્ત થયા છે.