Sat Jul 25 2026

Logo

બ્રેકિંગ ન્યૂઝ:24 July 2026 દેશ-વિદેશના તમામ લેટેસ્ટ અને બ્રેકિંગ સમાચારો માટે અહીં અપડેટ રહો

2026-07-24 08:04:00
Author: Mumbai Samachar Team
Article Image

દેશ-વિદેશના તમામ લેટેસ્ટ અને બ્રેકિંગ સમાચારો માટે અહીં અપડેટ રહો. રાજકારણ, વેપાર, રમતગમત, મનોરંજન અને ટેકનોલોજી સહિતના તમામ ક્ષેત્રની ઝડપી અને સચોટ માહિતી માટે અહીં અપડેટ રહો.

Live Updates

2026-07-24 21:41:24

પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં આત્મઘાતી હુમલો, 15 સુરક્ષા કર્મચારીઓ માર્યા ગયા

પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા પ્રાંતના બન્નુ જિલ્લામાં  એક આત્મઘાતી હુમલામાં 15 સુરક્ષા કર્મચારીઓ માર્યા ગયા છે. આ અંગે સેનાએ જણાવ્યું કે શુક્રવારે સાંજે એક આત્મઘાતી હુમલાખોરે વિસ્ફોટકોથી ભરેલું વાહન ચોકી સાથે અથડાવી દીધું હતું.

2026-07-24 19:13:49

ઉત્તર પ્રદેશના સહારનપુરમાં ફટાકડા ફેક્ટરીમાં વિસ્ફોટ, બે લોકોના મોત

ઉત્તર પ્રદેશના સહારનપુરમાં મોટી દુર્ઘટના ઘટી છે. જેમાં એક ફટાકડા બનાવતી ફેક્ટરીમાં મોટો વિસ્ફોટ થતાં ચાર લોકો માર્યા ગયાની આશંકા છે. જેમાંથી બે લોકોના શબ મળ્યા છે.

2026-07-24 17:46:50

બાંગ્લાદેશના રાષ્ટ્રપતિ મોહમ્મદ શહાબુદ્દીને રાજીનામું આપ્યું

બાંગ્લાદેશમાં સતત ચાલી રહેલી અટકળો વચ્ચે રાષ્ટ્રપતિ મોહમ્મદ શહાબુદ્દીને શુક્રવારે  રાજીનામું આપી દીધું છે. તેમણે પાંચ વર્ષના કાર્યકાળ પૂર્ણ થવાના લગભગ બે વર્ષ પહેલાં રાજીનામું આપી દીધું છે. તેમણે પોતાના આરોગ્યના કારણોને આગળ ધરીને રાજીનામું આપ્યું છે.

2026-07-24 17:06:21

હિમાચલ પ્રદેશમાં મોટી દુર્ઘટના, કાર પર ખડક પડતાં 13 લોકોના મોત

હિમાચલ પ્રદેશના લાહૌલ-સ્પિતિમાં  ગંભીર માર્ગ અકસ્માતમાં 13 લોકોના મોત થયા છે અને બે લોકો ઘાયલ થયા છે. જેમાં પહાડ નજીકથી પસાર થઇ રહેલા કાર  પર એક મોટો ખડક પડ્યો હતો.

2026-07-24 16:01:52

સુપ્રીમ કોર્ટે કાર્યવાહીના ઓડિયો-વિડીયો પોસ્ટ કરવા પર પ્રતિબંધ મૂક્યો

સુપ્રીમ કોર્ટે આજે મહત્વપૂર્ણ આદેશમાં કોર્ટ કાર્યવાહીના ઓડિયો અને વિડીયો રેકોર્ડીંગ મંજૂરી વિના સોશિયલ મીડિયા અથવા અન્ય ડિજિટલ પ્લેટફોર્મ પર પોસ્ટ, રિપોસ્ટ કરવા પર પ્રતિબંધ મૂક્યો છે. આ અંગે કોર્ટની પૂર્વ મંજૂરી લેવી પડશે.

2026-07-24 15:44:39

કોકરોચ જનતા પાર્ટી અને સરકાર વચ્ચે બેઠક પૂર્ણ, આવતીકાલે ફરી બેઠક

નીટ પેપર લીક મુદ્દે કોકરોચ જનતા પાર્ટીનું આંદોલન ચાલુ છે. તેમજ સોનમ વાંગચુકે તેમની ભૂખ હડતાળ સમાપ્ત કરી દીધી છે. જ્યારે આજે કોકરોચ જનતા પાર્ટી અને સરકાર વચ્ચે બેઠક યોજાઇ હતી. જોકે, બેઠકમાં કોઇ નિર્ણય લેવામાં આવ્યો નથી. તેમજ આવતીકાલે ફરી બેઠક યોજાશે.

2026-07-24 14:17:26

લીંબડીનાં મોટી કઠેચી ગામે તળાવનો પાળો તુટ્યો

સુરેન્દ્રનગરના લીંબડીનાં મોટી કઠેચી ગામે તળાવનો પાળો તુટ્યો છે. પાણીનો પ્રવાહ ગામમાં ઘુસતા સ્થળાંતરની કામગીરી શરૂ કરવામાં આવી છે. લોકોને સાવચેત રહેવા તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે.

2026-07-24 11:27:11

પાણીમાં ડૂબેલી લક્ઝરી બસમાં ફસાયેલા 35 મુસાફરોને બચાવાયા

વલસાડ જિલ્લામાં ભારે વરસાદને પગલે અત્યારે સ્થિતિ ખૂબ જ ચિંતાજનક છે. જિલ્લામાં ઠેર ઠેર પાણી ભરાયેલા છે. આ દરમિયાન અંભેટી-કોપરલી રોડ પર પાણીમાં એક બસ ફસાઈ ગઈ હતી. સૂત્રોના જણાવ્યાં પ્રમાણે, પાણીમાં ડૂબેલી લક્ઝરી બસમાં ફસાયેલા 35 મુસાફરોને નાનાપોંઢા પોલીસ, ગ્રામજનો અને NDRF ટીમની મદદથી સલામત જગ્યાએ ખસેડવામાં આવ્યાં છે.
 

વલસાડ જિલ્લાના અંભેટી-કોપરલી રોડ પર પાણીમાં ડૂબેલી લક્ઝરી બસમાં ફસાયેલા 35 મુસાફરોને નાનાપોંઢા પોલીસ, ગ્રામજનો અને NDRF ટીમની મદદથી સલામત જગ્યાએ ખસેડવામાં આવ્યા...#GujaratRain #HeavyRain #Monsoon2026 @collectorvalsad @InfoValsadGoG pic.twitter.com/YoxKymYNrx

— Gujarat Information (@InfoGujarat) July 24, 2026
2026-07-24 11:14:53

ડાંગ જિલ્લામાં પૂરના પાણી ઓસરતાં બંધ થયેલા 41 પૈકી 23 માર્ગો વાહનવ્યવહાર માટે પુનઃ શરૂ કરાયા

ડાંગ જિલ્લામાં ભારે વરસાદ બાદ કોઝવે અને બ્રિજ પરથી પૂરના પાણી ઘટતાં તંત્ર દ્વારા ઝડપી કામગીરી કરીને 23 માર્ગોને વાહનવ્યવહાર માટે સુરક્ષિત રીતે ખુલ્લા કરવામાં આવ્યા છે. હાલ બંધ રહેલા 18 માર્ગો માટે વૈકલ્પિક વ્યવસ્થા પૂરી પાડવા સાથે નાગરિકોને પાણી વહેતું હોય તેવા કોઝવે પરથી સાર ન થવા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે.

2026-07-24 10:33:20

સવારે 8 થી 10માં 189 તાલુકામાં વરસાદ

સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરના આંકડા પ્રમાણે, આજે સવારે 8 થી 10 કલાકના સમયગાળામાં રાજ્યના 189 તાલુકામાં વરસાદ વરસ્યો હતો.  વાવ-થરાદના દીયોદરમાં સૌથી વધુ 3.15 ઇંચ વરસાદ પડ્યો હતો. 18 તાલુકામાં 1 ઇંચથી વધારે વરસાદ નોંધાયો હતો.

2026-07-24 09:46:56

મોડી રાત્રે સોનમ વાંગચુકે પોતાની ભૂખ હડતાળ સમાપ્ત કરી

સોનમ વાંગચુકે મોડી રાત્રે પોતાની ભૂખ હડતાળ સમાપ્ત કરી દીધી. મોડી રાત્રે કેન્દ્રીય પ્રધાન જેપી નડ્ડા અને જીતેન્દ્ર સિંહે હોસ્પિટલમાં સોનમ વાંગચુકને મળ્યા અને તેમને ભૂખ હડતાળ સમાપ્ત કરવા માટે સમજાવ્યા. તે પછી સોનમ વાંગચુકે પોતાના ભૂખ હડતાલ પૂર્ણ કરી દીધી છે. ભૂખ હડતાળ સમાપ્ત કરવાનો નિર્ણય વિવિધ પરિસ્થિતિઓ અને દેશમાં હિંસાની સંભાવનાને ધ્યાનમાં રાખીને લાંબી ચર્ચા બાદ લેવામાં આવ્યો હોવાનું તેમણે જણાવ્યું હતું. તેમણે હવે સરકાર તરફથી મળેલા પ્રસ્તાવ અંગે એક વિગતવાર નિવેદન જારી કર્યું છે

END OF HUNGER... BEGINNING OF ACCOUNTABILITY...!
Sonam Wangchuk ends his fast after 26 days upon getting assurance from the government and members of parliament of all political parties that the issue of accountability in the failing examination system will be discussed on the… pic.twitter.com/0C9YX5VlsL

— Sonam Wangchuk (@Wangchuk66) July 24, 2026
2026-07-24 09:19:56

ખેડામાં શાર્પ ટર્ન પર કાર પલટીને ધસમસતા પાણીમાં તણાતા અમદાવાદના 4 યુવકોનાં મોત

અમદાવાદ પાસિંગની અર્ટિગા કારમાં સવાર લોકો અમદાવાદ તરફથી માતર-ખેડા હાઈવે થઈ મોતીપુરા તરફ જઈ રહ્યા હતા. દરમિયાન ભારે વરસાદ અને અંધારાના કારણે રસ્તા પર આવેલા શાર્પ ટર્ન પર કારચાલકે કાબૂ ગુમાવ્યો હતો. કાર અચાનક પલટી મારીને ગરનાળાના ધસમસતા પાણીના વહેણમાં તણાઈ ગઈ હતી. કારમાં કુલ 6 લોકો સવાર હતા, જેમાંથી 4 યુવકોનાં મોત થયાં છે, જ્યારે 2 લોકોને સ્થાનિકોની મદદથી બચાવી લેવામાં આવ્યા છે.

2026-07-24 08:29:44

આજી-2 ડેમના છ દરવાજા ખોલાયા

વરસાદથી પાણીની આવક વધતાં રાજકોટ તાલુકાના આજી-2 ડેમમાં જળસપાટી જાળવી રાખવા માટે રાત્રે 2 કલાકે ડેમના 6 દરવાજા 0.1524 મીટર ખોલવામાં આવ્યા છે. આ સાથે પડધરી તાલુકાના અડબાલકા, બાઘી, દહીંસરડા, ડુંગરકા, ગઢાડા, હરીપર, ખંઢેરી, નારણકા, સખપર, ઉકરડા ગામ માટે ખાસ ચેતવણી સંદેશ જારી કરવામાં આવ્યો છે.

2026-07-24 08:12:34

સુરતમાં ભારે વરસાદ વચ્ચે ભૂકંપના આંચકા અનુભવાયા

સુરતઃ સુરતમાં છેલ્લા કેટલાક દિવસથી સતત ભારે વરસાદ થઈ રહ્યો છે. જેવામાં હવે સુરતમાં મડી રાત્રે ભૂકંપના આંચકા અનુભવાયા છે. એક તરફ મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ અને બીજા બાજુ ભૂંકપના આંચકાથી લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. આ ભૂકંપની તીવ્રતા 3.2 નોંધાઈ છે અને તેનું કેન્દ્ર બિંદુ સુરતથી આશરે 42 કિમી દૂર નોંધાયું હોવાનું પણ જાણવા મળ્યું છે.

2026-07-24 08:04:57

સુરત શહેર-જિલ્લાની તમામ શાળાઓમાં આજે રજા જાહેર

સુરતઃ ભારે વરસાદની સ્થિતિને ધ્યાને રાખતા સુરત જિલ્લા કલેક્ટરે વિદ્યાર્થીઓની સલામાતી માટે સુરત મહાનગરપાલિકા, નગરપાલિકા અને ગ્રામ્ય વિસ્તારની તમામ શાળાઓમાં રજા જાહેર કરી દીધી છે. વરસાદના કારણે જે રજાઓ પડી છે, તેમાં વિદ્યાર્થીઓનું શિક્ષણ ના બદલે તે માટે આગામી સમયમાં આવતા જાહેર રજાના દિવસે શૈક્ષણિક કાર્ય ચાલુ રાખવાનું રહેશે.

2026-07-24 08:04:45

છેલ્લા 24 કલાકમાં રાજ્યના 255 તાલુકામાં વરસાદ

રાજ્યમાં ચોમાસાએ જમાવટ કરી છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 255 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. ખેડાના મહેમદાબાદમાં સૌથી વધુ 20 ઇંચ વરસાદ ખાબક્યો છે. અમદાવાદ સહિત 27 તાલુકામાં 10 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે.