Tue Jul 28 2026

Logo

બ્રેકિંગ ન્યૂઝ : 24 April 2026 દેશ-વિદેશના તમામ લેટેસ્ટ અને બ્રેકિંગ સમાચારો માટે અહીં અપડેટ રહો

2026-04-24 08:19:00
Author: Mumbai Samachar Team
Article Image

દેશ-વિદેશના તમામ લેટેસ્ટ અને બ્રેકિંગ સમાચારો માટે અહીં અપડેટ રહો. રાજકારણ, વેપાર, રમતગમત, મનોરંજન અને ટેકનોલોજી સહિતના તમામ ક્ષેત્રની ઝડપી અને સચોટ માહિતી માટે અહીં અપડેટ રહો.

Live Updates

2026-04-24 22:42:14

નજફગઢમાંથી પ્રતિબંધિત ડ્રગ્સ પકડાયું

ભારતમાં ડ્રગ્સ-વિરોધી તપાસ હાથ ધરતી નૅશનલ ઍન્ટિ-ડોપિંગ એજન્સી (નાડા)ના ગુપ્તચર તથા તપાસ એકમે બાતમી મળ્યા બાદ દિલ્હીના નજફગઢ વિસ્તારમાંથી મીથેનોલૉન તથા સ્ટૅનોઝોલૉલ જેવા ઍનાબૉલિક સ્ટેરોઇડ્સ સહિત કેટલાક પ્રતિબંધિત કૅફીદૃવ્યો જપ્ત કર્યા હતા. આ સંયુક્ત કાર્યવાહીમાં દિલ્હીની પોલીસ પણ જોડાઈ હતી. આ ડ્રગ્સ ઍથ્લીટો અને ખેલાડીઓ માટે પ્રતિબંધિત છે.

2026-04-24 22:10:29

આપના સાત સાંસદોએ પાર્ટી છોડવા અંગે અન્ના હજારેએ પ્રતિક્રિયા આપી

આમ આદમી પાર્ટીના સાંસદ રાધવ ચઢ્ઢા સહિત સાત સાંસદોએ છેડો ફાડી લીધો છે. તેમજ ભાજપમાં પણ જોડાયા છે. તેવા સમયે અન્ના હજારેએ આ મુદ્દે પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે આ સાત સાંસદોને કોઇ સમસ્યા હશે તેથી પક્ષ છોડી ગયા છે.

2026-04-24 21:27:06

સુદર્શને ફાંકડી સદી ફટકારી, હોલ્ડરે ગુજરાતને 200નો આંકડો પાર કરાવી આપ્યો

ગુજરાતે બેંગ્લૂરુને જીતવા માટે 206 રનનો લક્ષ્યાંક આપ્યો છે. ગુજરાતે ઓપનર સાઇ સુદર્શન (100 રન, 57 બૉલ, પાંચ સિક્સર, દસ ફોર)ની ફાંકડી સદીની મદદથી 20 ઓવરમાં ત્રણ વિકેટે 205 રન બનાવ્યા. સુદર્શન આ વખતની સીઝનનો પાંચમો સેન્ચુરિયન બન્યો, જ્યારે આ વખતે પહેલી જ વખત રમી રહેલા જેસન હોલ્ડરે (23 અણનમ, 10 બૉલ, બે સિક્સર, એક ફોર) ગુજરાતને 200 રન સુધી પહોંચાડ્યા બાદ એ જાદુઈ આંકડો પાર પણ કરાવી આપ્યો હતો. 20મી ઓવર સ્પિનર કૃણાલ પંડ્યાને અપાઈ હતી જેમાં હોલ્ડરે બે છગ્ગા અને એક ચોગ્ગાની મદદથી 18 રન કર્યા હતા. હોલ્ડર સાથે વૉશિંગ્ટન સુંદર 19 રને અણનમ રહ્યો હતો.

2026-04-24 21:16:05

કર્ણાટકમાં સિદ્ધારમૈયા સરકારે અનુસૂચિત જાતિ માટે આંતરિક અનામતને મંજૂરી આપી

કર્ણાટકમાં સિદ્ધારમૈયા સરકારે અનુસૂચિત જાતિ માટે આંતરિક અનામતને મંજૂરી આપી છે. જેમાં હાલ ઉપલબ્ધ 15 ટકા અનામત ત્રણ જૂથોમાં વહેંચવામાં આવી છે.

2026-04-24 20:51:20

સુદર્શન 57 બૉલમાં સદી કર્યા બાદ આઉટ, આ સીઝનમાં પાંચ દિવસમાં ચાર સેન્ચુરી થઈ

બેંગ્લૂરુ સામે ગુજરાતે 15 ઓવરમાં માત્ર એક વિકેટના ભોગે 155 રન કર્યા જેમાંથી 100 રન ઓપનર સાઇ સુદર્શનના છે. સુદર્શને ફક્ત 57 બૉલમાં પાંચ સિક્સર અને અગિયાર ફોરની મદદથી સદી પૂરી કરી હતી. છેલ્લાં પાંચ દિવસમાં ચાર પ્લેયરે સેન્ચુરી કરી છે. ગુરુવારની સૅમસનની સદી બાદ બૅક-ટુ-બૅક સેન્ચુરી થઈ છે. સુદર્શન સેન્ચુરી પૂરી કર્યા બાદ બરાબર 100 રનના સ્કોર પર હૅઝલવૂડને જ કૅચ આપી બેઠો હતો. સુદર્શન અને કૅપ્ટન ગિલ (32 રન) વચ્ચે 128 રનની ઓપનિંગ પાર્ટનરશિપ થયા બાદ હવે સુદર્શને બટલર સાથે 32 રનની ભાગીદારી કરી હતી.

2026-04-24 20:50:11

સુદર્શન 57 બૉલમાં સદી કર્યા બાદ આઉટ, આ સીઝનમાં પાંચ દિવસમાં ચાર સેન્ચુરી થઈ

બેંગ્લૂરુ સામે ગુજરાતે 15 ઓવરમાં માત્ર એક વિકેટના ભોગે 155 રન કર્યા જેમાંથી 100 રન ઓપનર સાઇ સુદર્શનના છે. સુદર્શને ફક્ત 57 બૉલમાં પાંચ સિક્સર અને અગિયાર ફોરની મદદથી સદી પૂરી કરી હતી. છેલ્લાં પાંચ દિવસમાં ચાર પ્લેયરે સેન્ચુરી કરી છે. ગુરુવારની સૅમસનની સદી બાદ બૅક-ટુ-બૅક સેન્ચુરી થઈ છે. સુદર્શન સેન્ચુરી પૂરી કર્યા બાદ બરાબર 100 રનના સ્કોર પર હૅઝલવૂડને જ કૅચ આપી બેઠો હતો. સુદર્શન અને કૅપ્ટન ગિલ (32 રન) વચ્ચે 128 રનની ઓપનિંગ પાર્ટનરશિપ થયા બાદ હવે સુદર્શને બટલર સાથે 32 રનની ભાગીદારી કરી હતી.

2026-04-24 19:59:39

બેંગ્લૂરુ સામે ગુજરાતની સારી શરૂઆત, 45 રનમાંથી 41 સુદર્શનના

એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં બેંગ્લૂરુ સામે ગુજરાતે બૅટિંગ મળ્યા પછી સારી શરૂઆત કરી છે. પહેલી પાંચ ઓવરમાં ગુજરાતે વિના વિકેટે જે 45 રન કર્યા એમાંથી 41 રન ઓપનર સાઇ સુદર્શનના છે અને ફક્ત બે રન કૅપ્ટન શુભમન ગિલના અને બે રન એક્સ્ટ્રાના છે. સુદર્શને 41 રન 27 બૉલમાં એક છગ્ગો અને સાત ચોગ્ગાની મદદથી બનાવ્યા. તેણે બેંગ્લૂરુના ત્રણ પેસ બોલર ભુવનેશ્વર, હૅઝલવૂડ અને રસિખ સલામ સામે અસરદાર બૅટિંગનું પ્રદર્શન કર્યું.

2026-04-24 19:21:15

ગુજરાત સામે બેંગ્લૂરુએ ફીલ્ડિંગ પસંદ કરી, સાત કરોડવાળા હોલ્ડરને પહેલો મોકો

બેંગ્લૂરુમાં રૉયલ ચૅલેન્જર્સ બેંગ્લૂરુના કૅપ્ટન રજત પાટીદારે ટૉસ જીતીને ફીલ્ડિંગ પસંદ કરી છે. તેની ટીમમાં ફિલ સૉલ્ટ ઈજાગ્રસ્ત હોવાથી નહીં રમે અને જૅકબ બેથેલને તેના સ્થાને રમવાની તક અપાઈ છે. ગુજરાતની ટીમે સાત કરોડ રૂપિયામાં ખરીદવામાં આવેલા કૅરિબિયન ઑલરાઉન્ડર જેસન હોલ્ડરને આ વખતે પહેલી વખત રમવાનો મોકો આપ્યો છે. તેના ઉપરાંત માનવ સુથારને પણ ઇલેવનમાં સમાવવામાં આવ્યો છે. એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમની પિચ પર સ્પિનર્સને બહુ ટર્ન નહીં મળે એવી સંભાવના વચ્ચે પિચ બૅટિંગ માટે વધુ અનુકૂળ હોવાને કારણે આ મૅચ હાઈ-સ્કોરિંગ થવાની સંભાવના છે. વિરાટ કોહલી પર સૌની નજર છે.

2026-04-24 18:57:00

રાઘવ ચઢ્ઢા સહિત આપના સાત સાંસદો ભાજપમાં જોડાયા

આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપ્યા બાદ રાઘવ ચઢ્ઢા સહિત આપના સાત સાંસદો ભાજપમાં જોડાયા છે.  રાજીનામાં બાદ  દિલ્હી સ્થિત પાર્ટી કાર્યાલયમાં તમામ સાત સાંસદો ઔપચારિક રીતે ભાજપમાં જોડાયા હતા. આ કાર્યક્રમ દરમિયાન ભાજપના રાષ્ટ્રીય  પ્રમુખ નીતિન નબીન  હાજર રહ્યા હતા.

2026-04-24 18:02:01

રાઘવ ચઢ્ઢાના રાજીનામા બાદ કેજરીવાલ અને ભગવંત માને કહ્યું, ભાજપનો પંજાબીઓ સાથે દગો

આમ આદમી પાર્ટીમાંથી રાઘવ ચઢ્ઢા સહિત સાત સાંસદોના રાજીનામાં બાદ આપના સંયોજક અરવિંદ કેજરીવાલ અને પંજાબના સીએમ ભાગવત માને પ્રતિક્રિયા આપી છે. અરવિંદ કેજરીવાલે એક્સ પર લખ્યું હતું કે, ભાજપે ફરી એક વાર પંજાબીઓ  સાથે દગો કર્યો છે. જ્યારે પંજાબના સીએમ ભાગવત માને  કહ્યું કે પાર્ટી પક્ષ સર્વોચ્ચ છે.સંગઠન સર્વોચ્ચ છે. તેમજ વ્યક્તિ સર્વોચ્ચ નથી. ભાજપ જે પક્ષો સાથે ગઠબંધન કરે  છે તે જ નાબૂદ કરે છે. પંજાબના લોકો મને પૂરા દિલથી ટેકો આપે છે. જોકે, ભાજપને પંજાબના વિકાસ સાથે સમસ્યા છે.

2026-04-24 17:31:08

રાધવ ચઢ્ઢાના રાજીનામાંથી આપ સાંસદ સંજયસિંહ ભડક્યા, કહ્યું પંજાબની પ્રજા માફ નહિ કરે.

આમ આદમી પાર્ટીના સાંસદ રાઘવ ચઢ્ઢાની સાથે સંદીપ પાઠક અને અશોક મિત્તલની સાથે આમી આદમી પાર્ટી છોડીને ભાજપમાં સામેલ થવાનો નિર્ણય લીધો છે. જેના પગલે આપના સાંસદ સંજયસિંહે આક્રોશ વ્યક્ત કર્યો છે. તેમજ કહ્યું હતું કે પંજાબમાં ભાજપનું ઓપરેશન લોટસ શરૂ થયું છે. પરંતુ આ બળવાખોર સાંસદોને પંજાબની પ્રજા માફ નહિ કરે.

2026-04-24 16:09:56

'આમ આદમી પાર્ટી' તૂટી

આમ આદમી પાર્ટીના સાંસદ રાઘવ ચઢ્ઢાની સાથે સંદીપ પાઠક અને અશોક મિત્તલની સાથે આમી આદમી પાર્ટી છોડીને ભાજપ (ભારતીય જનતા પાર્ટી)માં સામેલ થવાનો નિર્ણય લીધો છે. ચઢ્ઢાએ કહ્યું છે કે આમ આદમી પાર્ટી પોતાના સિદ્ધાંતોથી ભટકી ગઈ છે અને તેઓ ખોટી પાર્ટીમાં હતા.

2026-04-24 15:29:29

કેરળમાં ચૂંટણી પરિણામ પૂર્વે જ કોંગ્રેસમાં વિવાદ

કેરળમાં 9 એપ્રિલના રોજ યોજાયેલી ચૂંટણીનું 4 મેના રોજ પરિણામ જાહેર થવાનું છે. જોકે, તે પૂર્વે કોંગ્રેસના અત્યારથી જ વિખવાદ શરૂ થયો છે. જેમાં આ વખતે કોંગ્રેસ યુડીએફના નેતૃત્વમાં સરકાર બનાવે તેવી શક્યતા છે. જેમાં કોંગ્રેસમાંથી મુખ્યમંત્રીની પદની દાવેદારીએ યુડીએફની મુશ્કેલી વધારી દીધી છે.

2026-04-24 12:04:24

બંગાળમાં ભાજપનો વિજય નિશ્ચિત! પ્રથમ તબક્કાના મતદાન બાદ અમિત શાહનો હુંકાર

પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કાના મતદાન બાદ પ્રતિક્રિયા આપતા કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે મોટો દાવો કર્યો છે. તેમણે જણાવ્યું હતું કે, બંગાળમાં ભાજપ પ્રચંડ બહુમતી સાથે જીતશે. મતદાનની ઊંચી ટકાવારી દર્શાવે છે કે લોકોનો લોકશાહી પર વિશ્વાસ અને ઉત્સાહ વધ્યો છે. તેમણે પ્રથમ તબક્કાના તમામ મતદારોનો આભાર માન્યો હતો અને બીજા તબક્કાના મતદારોને પણ મોટી સંખ્યામાં મતદાન કરવા અપીલ કરી હતી.

2026-04-24 11:45:13

રાજસ્થાન વિધાનસભાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

જયપુરઃ રાજસ્થાન વિધાનસભાને બોમ્બથી ઉડાવી દેવાની ફરી ધમકી મળ્યા બાદ જયપુરમાં ભયનો માહોલ છવાઈ ગયો છે. ઈમેલ દ્વારા મળેલી આ ધમકીના કારણે સુરક્ષા એજન્સીઓએ તાત્કાલિક વિધાનસભા સંકુલ ખાલી કરાવ્યું છે. પોલીસ, બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ અને ફાયર ટેન્ડર ઘટનાસ્થળે પહોંચી ગયા છે અને હાલમાં સઘન શોધખોળ ચાલી રહી છે.

2026-04-24 10:52:36

અમદાવાદના બાપુનગરમાં સીએમનો સુપર રોડ શો

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ અમદાવાદના પૂર્વ વિસ્તારમાં સીએમનો રોડ શો ચાલી રહ્યો છે.  તેમની સાથે પ્રદેશ પ્રમુખની સાથે શહેર ભાજપ પ્રમુખ પ્રેરક શાહ પણ જોડાયા છે. જેમાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ જોડાયા છે.

2026-04-24 09:49:26

રાજકોટમાં મનીષ સિસોદીયા પ્રચાર કરશે

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓના પ્રચારનો આજે અંતિમ દિવસ છે. પ્રચાર પડઘમ શાંત થશે, ત્યારે આજે તમામ રાજકીય પક્ષો મતદારોને રિઝવવા માટે એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. રાજકોટમાં આમ આદમી પાર્ટીના મનીષ સિસોદીયા પ્રચાર કરશે.

2026-04-24 08:24:07

ઈઝરાયલના રક્ષા પ્રધાન મોટું નિવેદન: ઈરાન પર ફરી હુમલો કરવા તૈયાર

ઈઝરાયલના રક્ષા પ્રધાન કાત્ઝનું એક મોટું નિવેદન સામે આવ્યું છે. તેમણે જણાવ્યું કે,અમારી સેના ઈરાન પર ફરીથી હુમલો કરવા માટે તૈયાર છે. આ માટે બસ અમારે અમેરિકા તરફથી ગ્રીન સિગ્નલ મળવાની રાહ છે.

2026-04-24 08:21:18

અમદાવાદના પાટીદારોના ગઢમાં આજે મુખ્ય પ્રધાનનો રોડ શો

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ આજે અમદાવાદમાં મુખ્ય પ્રધાન રોડ શો કરશે.  સવારે 9 કલાકથી રોડ શો શરૂ થશે. પાટીદારોના ગઢ ગણાતા બાપુનગરથી રોડ શોની શરૂઆત થશે અને નિકોલ ખોડીયાર મંદિરે સંપન્ન થશે.