દેશ-વિદેશના તમામ લેટેસ્ટ અને બ્રેકિંગ સમાચારો માટે અહીં અપડેટ રહો. રાજકારણ, વેપાર, રમતગમત, મનોરંજન અને ટેકનોલોજી સહિતના તમામ ક્ષેત્રની ઝડપી અને સચોટ માહિતી માટે અહીં અપડેટ રહો.
Live Updates
9.4 ઓવરમાં ભારતના 0/142 અને અફઘાનિસ્તાનના 5/77
દિલ્હીમાં ભારતે અફઘાનિસ્તાન સામે મોટા માર્જિનવાળા વિજયની તૈયારી કરી લીધી છે, કારણકે 222 રનના મહાકાય લક્ષ્યાંક સામે અફઘાનિસ્તાને 12મી ઓવરમાં 82 રનના કુલ સ્કોર પર સાતમી વિકેટ ગુમાવી હતી. સાતમાંથી બે વિકેટે અક્ષર પટેલ તથા નીતીશ રેડ્ડીએ તેમ જ એક-એક વિકેટ બુમરાહ, યશ ઠાકુર અને બિશ્નોઈએ લીધી હતી. એક તબક્કે પ્રવાસી ટીમનો સ્કોર 9.4 ઓવરમાં 5/77 હતો. એની તુલનામાં ભારતે પ્રથમ બૅટિંગ મળ્યા બાદ આક્રમક ફટકાબાજીથી 9.4 ઓવરમાં વિના વિકેટે 142 રન બનાવ્યા હતા. એમાંથી 108 રન અભિષેકના હતા.
જમ્મુ કાશ્મીરમાં સુરક્ષા દળો સાથે અથડામણમાં માર્યા ગયેલા બે આતંકી પાકિસ્તાની
જમ્મુ-કાશ્મીરમાં 'ઓપરેશન સોહાન' હેઠળ સુરક્ષા દળો સાથેની અથડામણમાં માર્યા ગયેલા બે આતંકી પાકિસ્તાનના હોવાની વિગતો પ્રકાશમાં આવી છે. તેમની ઓળખ જૈશ-એ-મોહમ્મદના સહયોગી સદ્દામ અને મુસ્તફા તરીકે કરવામાં આવી હતી.
અભિષેકની ધમાલ પછી ભારતનો અફઘાનિસ્તાનને 222 રનનો તોતિંગ લક્ષ્યાંક
દિલ્હીમાં ભારતે છેલ્લી ટી-20માં બૅટિંગ મળ્યા પછી 20 ઓવરમાં સાત વિકેટે 221 રન બનાવીને અફઘાનિસ્તાનને જીતવા 222 રનનો તોતિંગ લક્ષ્યાંક આપ્યો હતો. અભિષેક શર્મા (108 રન, 34 બૉલ, અગિયાર છગ્ગા, નવ ચોગ્ગા) આ ઇનિંગ્સનો સુપરસ્ટાર હતો. તેણે માત્ર 30 બૉલમાં સદી પૂરી કરીને આંતરરાષ્ટ્રીય ટી-20 રમતા મોટા દેશોમાં ફિન ઍલનને 33 બૉલની સદીનો આંતરરાષ્ટ્રીય વિક્રમ અને રોહિત શર્માનો 35 બૉલની સદીનો ભારતીય વિક્રમ તોડી નાખ્યો હતો. અભિષેક ઉપરાંત સંજુ સૅમસને 50 રન 35 બૉલમાં ચાર સિક્સર અને બે ફોરની મદદથી બનાવ્યા હતા. અભિષેકે 34 બૉલમાં 108 રન બનાવ્યા, જ્યારે સૅમસને 35 બૉલમાં 50 રન બનાવ્યા હતા અને સામા છેડેથી અભિષેકને બહુ સારો સાથ આપ્યો હતો. બન્ને વચ્ચે 142 રનની ઓપનિંગ પાર્ટનરશિપ થઈ હતી. અઝમતુલ્લા ઓમરઝાઈએ સૌથી વધુ બે વિકેટ લીધી હતી.

સુપ્રીમ કોર્ટનો મહિલાને નોકરી નહિ રાખતા IOC ને રૂપિયા 12 લાખનું વળતર ચૂકવવા આદેશ
ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન લિમિટેડને લાયકાત ધરાવતી મહિલાને એલપીજી બોટલિંગ પ્લાન્ટમાં 'રિફિલિંગ હેલ્પર'ની નોકરી નહિ આપવા બદલ આંચકો લાગ્યો છે. આ કેસમાં સુપ્રીમ કોર્ટે ઈન્ડિયન ઓઈલને માત્ર મહિલા હોવાને લીધે નોકરી નહિ આપવી મહિલાનું અપમાન ગણાવ્યું છે. તેમજ મહિલાને રૂપિયા 12 લાખ વળતર ચૂકવવાનો આદેશ આપ્યો છે.
ભારતના માત્ર છ ઓવરમાં 100 રનઃ અભિષેકના સાત છગ્ગા, આઠ ચોગ્ગા
અભિષેક શર્મા (76 નૉટઆઉટ, બાવીસ બૉલ, સાત સિક્સર, આઠ ફોર) અને સંજુ સૅમસન (24 નૉટઆઉટ, 14 બૉલ, ત્રણ સિક્સર)ની ઓપનિંગ જોડી દિલ્હીમાં દમદાર ઇનિંગ્સ રમે છે. અફઘાનિસ્તાન સામેની તેમની અભૂતપૂર્વ આતશબાજીએ ભારતને ફક્ત છ ઓવરમાં 0/100નું ટોટલ અપાવ્યું હતું. અભિષેકના 76માંથી 74 રન છગ્ગા-ચોગ્ગાની મદદથી બન્યા હતા. અફઘાનિસ્તાનના બોલર્સ સામે અભિષેક આઉટ-ઑફ-કન્ટ્રોલ હતો.
અભિષેકની અંધાધૂંધ આતશબાજી, 42માંથી 40 રન છગ્ગા-ચોગ્ગાથી બનાવ્યા
પાટનગરમાં અફઘાનિસ્તાન સામેની છેલ્લી ટી-20માં ભારતને પ્રથમ બૅટિંગ મળ્યા બાદ ફક્ત ત્રણ ઓવરમાં વિના વિકેટે 45 રન બનાવ્યા જેમાંથી 42 રન અભિષેક શર્માના અને ત્રણ રન સંજુ સૅમસનના હતા. અભિષેકે 42 રન ફક્ત 13 બૉલમાં ચાર છગ્ગા અને ચાર ચોગ્ગાની મદદથી બનાવ્યા હતા. તેણે 42માંથી 40 રન છગ્ગા-ચોગ્ગાની મદદથી કર્યા હતા. એક તબક્કે અભિષેકે 10 બૉલમાં ચાર સિક્સર અને ત્રણ ફોર ફટકારી હતી.

બેંકિંગ સિસ્ટમમાં લિકવિડિટીને નિયંત્રિત કરવા RBI નું પગલું, 50,000 કરોડના બોન્ડ વેચ્યા
ભારતીય બેંકિંગ સિસ્ટમમાં વધી રહેલી લિકવિડિટીને નિયંત્રિત કરવા માટે આરબીઆઈએ મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. જેમાં આરબીઆઈએ ઓપન માર્કેટ ઓપરેશન્સ( OMO)હેઠળ સરકારી બોન્ડના વેચાણનો પ્રથમ તબક્કો પૂર્ણ કર્યો છે. જેમાં બેંકે 50,000 કરોડ રૂપિયાની બોલી સ્વીકારી હતી. જેના લીધે આટલી રકમ સીધી આરબીઆઈમાં જમા થઇ છે.
ભારતને બૅટિંગ અપાઈ, અર્શદીપના સ્થાને યશ ઠાકુર
દિલ્હીમાં ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે રમાનારી ત્રીજી અને છેલ્લી ટી-20 માટે ટૉસ થઈ ગયો છે. અફઘાનિસ્તાને ટૉસ જીતીને પહેલા ફીલ્ડિંગ કરવાનું નક્કી કર્યું છે. ભારતને પ્રથમ બૅટિંગ કરીને મોટો સ્કોર નોંધાવવાનો મોકો છે. ટીમ મૅનેજમેન્ટે ઓપનિંગમાં ઇન્ફૉર્મ ઓપનર્સ અભિષેક શર્મા અને સંજુ સૅમસનની જોડી જાળવી રાખી છે જેનો અર્થ એ છે વૈભવ સૂર્યવંશીને આખી સિરીઝમાં નથી રમવા મળ્યું અને હવે તેણે આ જ મહિનાની એશિયન ગેમ્સ પર મીટ માંડવી પડશે. પેસ બોલર અર્શદીપ સિંહના સ્થાને યશ ઠાકુરને પ્લેઇંગ-ઇલેવનમાં સમાવવામાં આવ્યો છે. ભારતની ટીમઃ શ્રેયસ (કૅપ્ટન), સૅમસન (વિકેટકીપર), તિલક (વાઇસ-કૅપ્ટન), અભિષેક, કિશન, નીતીશ રેડ્ડી, શિવમ, અક્ષર, બિશ્નોઈ, યશ ઠાકુર અને બુમરાહ.

ઝિમ્બાબ્વેના તવેન્ગ્વા આઇસીસીના નવા ડેપ્યૂટી ચૅરપર્સન
દુબઈથી મળતા અહેવાલ મુજબ ઝિમ્બાબ્વેના તવેન્ગ્વા મુકુહલાની ગુરુવારે આઇસીસીના નવા ડેપ્યૂટી ચૅરપર્સન તરીકે નિયુક્ત થયા હતા. તેની નિયુક્તિ નવેમ્બર, 2027 સુધીની છે અને તેમને સિંગાપોરના ઇમરાન ખ્વાજાના સ્થાને નીમવામાં આવ્યા છે. તવેન્ગ્વા ઝિમ્બાબ્વે ક્રિકેટ બોર્ડના ચૅરમૅન છે તેમ જ હાલમાં આઇસીસીની ફાઇનૅન્સ ઍન્ડ કમર્શિયલ અફેર્સ કમિટીમાં મેમ્બર છે. 2027માં સાઉથ આફ્રિકા તથા નામિબિયાની સાથે ઝિમ્બાબ્વેમાં સંયુક્ત રીતે મેન્સ વન-ડે વર્લ્ડ કપ રમાવાનો છે અને એ બાબતને અનુલક્ષીને તવેન્ગ્વાની નિયુક્તિ મહત્ત્વની બની ગઈ છે.
રશિયા મુદ્દે અમેરિકાના બેવડા ધોરણો પ્રકાશમાં આવ્યા, રશિયા પાસેથી ખરીદી રહ્યું છે જરૂરી પ્રોડક્ટ
રશિયા પાસેથી ક્રૂડ ઓઇલ ખરીદવાના મુદ્દે અમેરિકાની બેવડી નીતિ પ્રકાશમાં આવી છે. જેમાં અમેરિકા એક તરફ ભારત અને ચીનને રશિયા પાસેથી ક્રૂડ ઓઇલ ખરીદવા મુદ્દે 100 ટકા ટેરિફની ધમકી આપે છે. તો બીજી તરફ અમેરિકા તેની જરૂરિયાત પૂર્ણ કરવા માટે રશિયા પાસેથી અન્ય ઉત્પાદનોની આયાત કરે છે.
મિડલ ઈસ્ટ મુદ્દે ટ્રમ્પ વહીવટીતંત્રમાં મતભેદો , જેડી વેન્સે કહ્યું અમેરિકા આ વિસ્તારમાંથી પીછેહઠ નહિ કરે
મિડલ ઈસ્ટમાં સતત વધી રહેલા તણાવ વચ્ચે ટ્રમ્પ વહીવટીતંત્રમાં મતભેદો જોવા મળ્યા છે. જેમાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વલણથી ઉપરાષ્ટ્રપતિ જે.ડી. વેન્સે અલગ મત વ્યક્ત કર્યો છે. જેમાં જે.ડી. વેન્સે કહ્યું કે વૈશ્વિક સ્તરે ઉર્જાના પુરવઠાને જાળવી રાખવા માટે અમેરિકા આ વિસ્તારમાંથી પીછેહઠ નહિ કરે.
જમ્મુ કાશ્મીરમાં લશ્કર-એ-તૈયબાના કમાન્ડર સૈફુલ્લાહ વિરુદ્ધ બિનજામીનપાત્ર વોરંટ ઇસ્યુ
જમ્મુ કાશ્મીરના પહલગામ હુમલા સહિતની આતંકી ઘટનાઓમાં સંડોવાયેલા પાકિસ્તાનમાં રહેલા લશ્કર-એ-તૈયબાના કમાન્ડર સૈફુલ્લાહ વિરુદ્ધ બિનજામીનપાત્ર વોરંટ ઇસ્યુ કર્યું છે. સૈફુલ્લાહ ભારતમાં અનેક આતંકી હુમલામાં સંડોવાયેલો છે.
અમદાવાદથી અંબાજી જતા રસ્તાઓ પર માઈભક્તો ઉમટ્યાં
અમદાવાદથી અંબાજી જતા રસ્તાઓ માઈભક્તો ઉમટ્યાં છે. પદયાત્રીઓને કોઈ તકલીફ ન પડે તે માટે અનેક જગ્યાએ કેમ્પ લગાવવામાં આવ્યા છે. જ્યાં ચા-પાણી, નાસ્તો, જમવા, મસાજ સહિતની સુવિધાઓ પૂરી પાડવામાં આવી રહી છે. શ્રદ્ધાળુઓ બોલ મારી અંબે, જય જય અંબેના નારા સાથે આગળ વધી રહ્યા છે.
વડાપ્રધાન મોદીના જન્મદિવસ નિમિત્તે ઉમિયાધામમાં દિવાળી જેવો માહોલ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉમિયાધામમાં મહાઆરતી કરશે અને વડાપ્રધાન નરેન્દ્ર મદીના દીર્ધાયુ માટે પ્રાર્થના કરશે, આ માટેની તૈયારીઓ પૂરી થઈ ગઈ છે. 17 સપ્ટેમ્બરના રોજ સાંજે ઉમિયાધામ અમદાવાદ ખાતે 76000 દીવાઓથી પરિસરમાં સુશોભન કરવામાં આવ્યું છે અને મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું છે. ભાવિકોની અને કાર્યકર્તાઓની અવરજવર માટે 100 AMTSની બસની વ્યવસ્થા કરવામાં આવી છે. જનનાયકના 76માં જન્મદિવસ નિમિત્તે આ મહાઆયોજન કરવામાં આવ્યું છે. આશીર્વાદ કા એક દીયા અંતર્ગત આ ઉજવણી થઈ રહી છે.