પોલીસ ફરિયાદની ધમકી આપી હોટેલમાલિક પાસે પચીસ લાખની ખંડણી માગી: બે બહેન સામે ગુનો
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: બોરીવલીની જાણીતી રાધાકૃષ્ણ હોટેલમાં મૈસૂર મસાલા ઢોસામાં ઉંદર મળ્યાના પ્રકરણમાં હોટેલમાલિકને પચીસ લાખ રૂપિયાની ખંડણી માટે ધમકાવવામાં આવતાં ગંભીર વળાંક આવ્યો હતો. વીડિયો વાયરલ કરવાની સાથે પોલીસ ફરિયાદની ધમકી આપીને નાણાં પડાવવાનો પ્રયાસ કરાયો હોવાની ફરિયાદને આધારે પોલીસે બોરીવલીના ગોરાઈ પરિસરમાં રહેતી બન્ને બહેન વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો.
હોટેલમાલિક જય કિશોર શાહ (44)ની ફરિયાદ બાદ બોરીવલી પોલીસે સોમવારની સાંજે છટકું ગોઠવ્યું હતું. છ લાખ રૂપિયા લેવા આવેલી મહિલાને પોલીસે રંગેહાથ પકડી પાડી હતી. આ પ્રકરણે ફરિયાદને આધારે માનસી અમિત આચાર્ય (36) અને તેની બહેન કિંજલ સુભાષ ભાટિયા (29) સામે એફઆઈઆર નોંધવામાં આવ્યો હતો.
બોરીવલી પોલીસમાં સોમવારની રાતે નોંધાયેલા એફઆઈઆર અનુસાર માનસી અને તેના સગા અમિત ત્રિવેદી સહિત ચાર જણ 24 સપ્ટેમ્બરની રાતે નવ વાગ્યાની આસપાસ ‘રાધાકૃષ્ણ હોટેલ-બૅન્ક્વેટ-ફાસ્ટ ફૂડ’માં ગયા હતા. મૈસૂર ઢોસા અડધો ખાધા પછી અમિતની ડિશમાં ઉંદર હોવાની ફરિયાદ સાથે માનસીએ ભારે હંગામો કર્યો હતો. હોટેલમાં પોલીસ બોલાવવામાં આવી હતી અને એક વીડિયો ક્લિપ પણ બનાવાઈ હતી. આ ઘટના બાબતે હોટેલના મૅનેજરે જાણ કરતાં રાતે જય શાહ હોટેલ પહોંચ્યા હતા.
બે દિવસ પછી ઢોસામાં ઉંદર મળવાની વીડિયો ક્લિપ સોશિયલ મીડિયા પર વાયરલ થવા લાગી હતી, જેને પગલે એફડીએ દ્વારા 28 સપ્ટેમ્બરે હોટેલનું લાઈસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યું હતું. તે દિવસથી હોટેલ બંધ હોવાનું શાહે ‘મુંબઈ સમાચાર’ને જણાવ્યું હતું.
એફઆઈઆર અનુસાર એક શખસે ફરિયાદીને મળીને પચીસ લાખ રૂપિયાનું વળતર ચૂકવવાનું કહ્યું હતું, જેને પગલે ફરિયાદીએ 29 સપ્ટેમ્બરે બોરીવલી પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ કરી હતી.
ફરિયાદમાં આક્ષેપ કરાયો હતો કે માનસીએ કૉલ કરીને ફરિયાદીને જણાવ્યું હતું કે બોરીવલી પોલીસ સ્ટેશનના અધિકારી ફરિયાદ નોંધાવવા તેને બોલાવી રહ્યા છે. જો પોલીસ કાર્યવાહીનો સામનો ન કરવો હોય અને વીડિયો વધુ વાયરલ થતો અટકાવવો હોય તો પચીસ લાખ રૂપિયાનું વળતર આપવું પડશે.
એ જ દિવસે માનસી તેની બહેન કિંજલ સાથે ફરિયાદીને મળવા હોટેલમાં ગઈ હતી. અમિત એકલા રહે છે અને ઢોસા ખાધા પછી તેમને સ્વાસ્થ્યની તકલીફ હોવાથી પચીસ લાખ રૂપિયા ચૂકવવા પડશે, એવું ફરિયાદીને કહેવામાં આવ્યું હતું. તડજોડ બાદ સાત લાખ રૂપિયા સ્વીકારવાનું મહિલાએ નક્કી કર્યું હતું. આમાંથી એક લાખ રૂપિયા ફરિયાદીએ આપ્યા હતા, જ્યારે બાકીના છ લાખ રૂપિયા માટે ફરિયાદીને વારંવાર કૉલ આવતા હતા.
આખરે પોલીસની સૂચનાથી સોમવારે બપોરે ફરિયાદીએ આરોપી મહિલાને કૉલ કર્યો હતો અને સાંજે હોટેલમાં આવી રકમ લઈ જવાનું કહ્યું હતું. કહેવાય છે કે મહિલાએ ફરિયાદી પાસેથી રૂપિયા લીધા ત્યારે પોલીસે તેને તાબામાં લીધી હતી.
જય શાહે કહ્યું હતું કે ઢોસાની ડિશમાં ઉંદર મળવા પાછળનું સત્ય હું જાણી શક્યો નથી. એ બન્ને મહિલાને હું ઓળખતો નથી અને આવું કરવા પાછળના તેમના હેતુની મને જાણ નથી. પોલીસ તપાસમાં જ આ બધી બાબતો સ્પષ્ટ થશે.
બોરીવલી પોલીસ સ્ટેશનના ઈન્સ્પેક્ટર દિગ્વિજય પાટીલે જણાવ્યું હતું કે આ મામલે બન્ને મહિલાને નોટિસ આપવામાં આવી હોઈ વધુ તપાસ ચાલી રહી છે.