નિલેશ વાઘેલા
શૅરબજારને સતત આઠમા સપ્તાહે મંદીનો ફટકો પડ્યો છે. નિફ્ટીએ ઓક્ટોબર સિરીઝમાં સપ્ટેમ્બર સિરીઝના 6.7 ટકાના ઘટાડા સાથે પ્રવેશ કર્યો છે, જે તેની 25 વર્ષમાં સૌથી ખરાબ દશા દર્શાવે છે. એફઆઇઆઇની રૂ. 36,000 કરોડની વેચવાલી ઉપરાંત નવી સિરીઝમાં બેરિશ ફ્યુચર્સ પોઝિશનમાં વધારો જોવા મળ્યો છે. ઇન્ડેક્સ તેની 200 સપ્તાહની મૂવિંગ એવરેજનું પણ પરીક્ષણ કરી રહ્યો છે, જે 22,600ને મુખ્ય ટેકનિકલ સ્તર બનાવે છે. સરવાળે શૅરબજાર તેના ચાહકોના તહેવારોની મજા બગાડે એવા અણસાર મળી રહ્યા છે!
ઓક્ટોબર ડેરિવેટિવ્ઝ સિરીઝમાં બેન્ચમાર્ક ટેકનિકલ નુકસાન, વિદેશી સંસ્થાકીય રોકાણકારોની ભારે વેચવાલી અને બેરિશ ફ્યુચર્સ પોઝિશનિંગના દુર્લભ અમંગળ સંયોજનો દેખાઇ રહ્યાં છે. બેન્ચમાર્ક ઇન્ડેક્સે હાલમાં જ, સપ્ટેમ્બર ડેરિવેટિવ્ઝ સિરીઝમાં તેની પચ્ચીસ વર્ષની સૌથી કંગાળ વિક્રમી કામગીરીનું પ્રદર્શન કર્યું હતું. આ તરફ વિદેશી ફંડોએ છ મહિનામાં તેમનો સૌથી મોટો માસિક આઉટફ્લો નોંધાવ્યો છે.
ક્રૂડ ઓઇલના ઊંચા ભાવ અને બોન્ડ યિલ્ડના દબાણને કારણે સપ્ટેમ્બરમાં એફપીઆઇએ ભારતીય ઇક્વિટીમાંથી રૂ. 36,000 કરોડ પાછા ખેંચી લીધા છે. બજારના વિશ્ર્લેષકો કહે છે કે, એવું જણાય છે કે વિદેશી રોકાણકારોનો એશિયાની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થામાં વિશ્વાસ ઘટી રહ્યો છે, જે સ્થાનિક શેરોમાં ફરી શરૂ થયેલા વેચાણ પરથી સ્પષ્ટ થાય છે. રોકાણકારોને અન્યત્ર વધુ સારી તકો મળી રહી હોય તેવું લાગે છે.
બજારના પીઢ નિરીક્ષકો અનુસાર, રોલઓવર ડેટા સૂચવે છે કે નવી શ્રેણીમાં બેરીશ પોઝિશન આગળ વધારવામાં આવી છે, જેના કારણે નિફ્ટી કોવિડ ક્રેશ દરમિયાન છેલ્લે પરીક્ષણ કરાયેલા લોંગ ટર્મના સપોર્ટ ઝોનની નજીક ધકેલાઇ ગયો છે. સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય પરિબળો જોતાં, આ પરિસ્થિતિમાંથી બેન્ચમાર્ક જલ્દી બહાર નીકળી શકશે એવું હાલ તો જણાતું નથી.
સરવાળે ઓક્ટોબરના તહેવારના મહિનામાં સટોડિયાઓએ તેજીની ઝાઝી આશા રાખવા જેવી નથી અને આગામી દિવસોમાં બજારને મંદી તરફ સતત ધકેલી શકે એર્વાં એકથી વધુ કારણો બજારના વિશ્ર્લેષકોને દેખાઇ રહ્યાં છે. આવનારા દિવસોની નબળાઇના સૌથી પ્રથમ કારણમાં પાછલા પચ્ચીસ વર્ષમાં સૌથી ખરાબ પ્રદર્શન સાથેની સપ્ટેમ્બર એક્સપાયરીને સ્થાન આપી શકાય.
નિફ્ટીએ તેની ક્વાર્ટર સદીમાં સૌથી કંગાળ કામગીરી સાથે સપ્ટેમ્બર ડેરિવેટિવ્ઝ શ્રેણી નિરાશાજનક ટોન સાથે સમાપ્ત કરી હતી. વેચવાલીનો અવિરત મારો બેન્ચમાર્કને મેઇન લોંગ ટર્મ સપોર્ટ ઝોનમાં ઘસડી ગયો હતો. આ શ્રેણી દરમિયાન ઇન્ડેક્સમાં 6.7 ટકાનો જોરદાર ઘટાડો જોવા મળ્યો છે, જે છેલ્લે સપ્ટેમ્બર 2001ની સાલમાં જોવા મળ્યો હતો, જ્યારે તે 6.5 ટકા ગબડ્યોે હતો.
સપ્ટેમ્બર શ્રેણીમાં નિફ્ટીએ 1,400થી વધુ પોઈન્ટ ગુમાવ્યા છે. ક્રૂડ ઓઇલના ભાવમાં વધારો, રૂપિયાના મૂલ્યમાં સતત ધોવાણ, મજબૂત બનતી જતી બોન્ડ યીલ્ડ અને વિદેશી સંસ્થાકીય રોકાણકારોની એકધારી વેચવાલીને કારણે જોખમ લેવાની ક્ષમતા દબાણ હેઠળ આવી ગઇ છે. જોકે, અમેરિકાના તાજેતરના ઇન્ફ્લેશન ડેટા બાદ જોબ ડેટા પણ નબળા આવવાથી બોન્ડ યિલ્ડમાં શુક્રવારે 5.17 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો, જેની બજાર પર કામચલાઉ સેન્ટિમેન્ટલ અસર જોવા મળી શકે છે.
બજારના વિશ્ર્લેષકોના મતે પાછલી સિરીઝમાં જોવા મળેલી નબળાઈ, માસિક સમાપ્તિ (મંથલી એક્સપાઇરી) પછી પણ વિસ્તરી રહી છે. નિફ્ટી સતત સાત અઠવાડિયા રેડ ઝોનમાં બંધ થયો છે અને તેજીવાળા શેરબજારની ગાડી પાટે ચઢાવવામાં નિષ્ફળ ગયા હોવાથી ગુરુવારે પૂરા થયેલા પાછલા સપ્તાહને અંતે નિફ્ટી માટે સતત આઠમા સાપ્તાહિક ઘટાડાનો વિક્રમ સર્જાયો છે, જે વર્ષ 2001 પછીનો તેનો સૌથી લાંબો ઘટાડો છે, જ્યારે ઇન્ડેક્સ સતત નવ અઠવાડિયા સુધી ઘટ્યો હતો. આ અઠવાડિયા પહેલાં, પાછલાં 25 વર્ષોમાં નિફ્ટીએ માત્ર ચાર વખત આવો ઘટાડો નોંધાવ્યો હતો. આમાં વર્ષ 2020, વર્ષ 2008 અને વર્ષ 2001માં બે વાર, સતત સાત કે તેથી વધુ સાપ્તાહિક ઘટાડા નોંધાવ્યા હતા.
બજારને મંદી તરફ ધકેલનારું બીજું સૌથી તાત્કાલિક અને અસરકારક કારણ એફઆઇઆઇની વેચવાલી છે. વિદેશી ફંડોનું વેચાણ છ મહિનાની ઊંચી સપાટીએ પહોંચ્યું છે. વિદેશી સંસ્થાકીય રોકાણકારોએ સપ્ટેમ્બરમાં બે મહિનાના સતત ખરીદીના દોરનો અંત લાવીને 36,000 કરોડ રૂપિયાના શેરો ભારતીય શેરબજારમાં ઠાલવી દીધાં, જે પાછલા છ મહિનામાં તેમનો સૌથી મોટો માસિક આઉટફ્લો (ભંડોળનો બાહ્યપ્રવાહ) દર્શાવે છે.
એનએસડીએલના ડેટા અનુસાર, સપ્ટેમ્બરમાં નિફ્ટી-50 અને સેન્સેક્સ બંનેમાં લગભગ 5.7 ટકાનો ઘટાડો નોંધાયો હતો, જ્યારે એફપીઆઇનો આઉટફ્લો 2.5 લાખ કરોડ રૂપિયાને વટાવી ગયો હતો. આ સ્થિતિમાં જો સુધારો નહીં આવશે તો, વિદેશી રોકાણકારો દ્વારા વાર્ષિક ધોરણે થયેલા આઉટફ્લોનો એક નવો વિક્રમી આંકડો સર્જાશે!
અમેરિકાના દસ વર્ષીય બોન્ડની યિલ્ડ 5.20 ટકાની આસપાસ હોવાના સંદર્ભમાં, એફઆઇઆઇનું આ વેચાણ એક તર્કસંગત પગલું હોવાનું જણાવતાં માર્કેટ એનાલિસ્ટે જણાવ્યું હતું કે, સપ્ટેમ્બરમાં નિફ્ટીમાં જોવા મળેલો 5.67 ટકાનો તીવ્ર ઘટાડો મુખ્યત્વે ક્રૂડ ઓઈલના ઊંચા ભાવ અને યુએસ બોન્ડ યીલ્ડમાં વધારાને કારણે થયો હતો.
આને પરિણામે એફપીઆઇ મોટા પાયે વેચવાલ બન્યા ત્યારે છેલ્લા કેટલાક દિવસોમાં આ ઘટાડો વધુને વધુ તીવ્ર બન્યો હતો. વિદેશી ફંડોને એકતરફ ઊંચી બોન્ડ યિલ્ડ મળી રહી છે અને બીજી તરફ આ વર્ગને ભારતના શેરબજાર અને અર્થતંત્રના વિકાસના આંકડા પરનો ભરોસો ઓછો થતો જાય છે.
આ ઉપરાંત મહત્ત્વના કારણમાં ક્રૂડ ઓઈલના ઊંચા ભાવ અને કડક વૈશ્ર્વિક નાણાકીય નીતિ ઉપરાંત, એફઆઇઆઇએ દક્ષિણ કોરિયા અને તાઈવાન જેવા એઆઇ (આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ) ક્ષેત્રે મજબૂત બજારો તરફ મૂડીનું સ્થળાંતર કર્યું છે, જેના કારણે ભારતીય શેરોમાંથી રેકોર્ડ વાર્ષિક આઉટફ્લો થયો છે.
જોકે, એક વર્ગ એમ પણ માને છે કે, આ ઘટાડાએ સ્થાનિક રોકાણકારો માટે પણ તક ઊભી કરી છે. સારી વૃદ્ધિની સંભાવના ધરાવતી લાર્જ-કેપ કંપનીઓ આકર્ષક વેલ્યુએશન (મૂલ્યાંકન) સ્તરે પહોંચી ગઈ છે. આ વેલ્યૂ બાઇંગની તક છે, નાણાકીય ક્ષેત્રો, ખાસ કરીને મોટી બેંકો, કેપિટલ ગૂડ્સ, ટેલિકોમ અને ઓટોમોબાઈલ ક્ષેત્ર ધ્યાન આપવા જેવા છે.
સટોડિયાઓ ઓક્ટોબરમાં મંદી જોઇ રહ્યા છે. સપ્ટેમ્બર ડેરિવેટિવ્ઝ શ્રેણીમાં વિદેશી રોકાણકારો દ્વારા વ્યાપક વેચાણ અને ભારે બેરીશ પોઝિશન્સ જોવા મળી, કારણ કે લગભગ પચાસ ટકા ફ્યુચર્સ અને ઓપ્શન્સ સ્ટોક્સ લોંગ પોઝિશન સાથે બંધ થયા, જ્યારે 40 ટકાથી વધુ શેરોમાં શોર્ટ્સનો સંગ્રહ જોવા મળ્યો.
રોલઓવર ડેટા સૂચવે છે કે આ બેરીશ પોઝિશન ઓક્ટોબરમાં કેરી ઓવર થઇ છે. નિફ્ટી રોલઓવર ત્રણ મહિનાની સરેરાશ સાથે 74 ટકા પર રહ્યો, જ્યારે બેંક નિફ્ટીનો 79 ટકાનો રોલઓવર તેની સરેરાશ 78 ટકા કરતાં થોડો વધારે હતો.
સપ્ટેમ્બરની શરૂઆતથી નિફ્ટી ફ્યુચર્સના ઓપન ઇન્ટરેસ્ટમાં લગભગ 30 ટકાનો વધારો થયો, જે ટેક્નિકલ એનાલિસ્ટ્સના મતે હેવી શોર્ટસ સૂચવે છે. ઉપલબ્ધ ડેટા અનુસાર વિદેશી સંસ્થાકીય રોકાણકારોના નેટ ઇન્ડેક્સ ફ્યુચર્સ શોર્ટસ અગાઉની એક્સપાયરીના સમયે 184,000થી વધીને લગભગ 267,000 કોન્ટ્રાક્ટ થયા છે.
એક સ્ટોક બ્રોકિંગ ફર્મની આંકડાકીય માહિતી અનુસાર એફઆઇઆઇનો નેટ ઇન્ડેક્સ-ફ્યુચર્સ ઓપન ઇન્ટરેસ્ટ લગભગ 267,000 કોન્ટ્રેક્ટ હતો, જે સિરીઝની શરૂઆતમાં જોવા મળેલા ઉચ્ચતમ સ્તરોમાંનો એક છે. સપ્ટેમ્બર શ્રેણીમાં નિફ્ટી ફ્યુચર્સ 6.56 ટકાના ઘટાડા સાથે બંધ થયો. રોલઓવર એક્ટિવીટી સરેરાશથી નીચે 74.29 ટકા રહી, જે અગાઉની શ્રેણીમાં 77.39 ટકા અને ત્રણ મહિનાની સરેરાશ 74.49 ટકા હતી. અનિશ્ર્ચિતતા અને વધેલી અસ્થિરતા વચ્ચે નીચું રોલઓવર સાવચેતીભર્યું વલણ દર્શાવે છે.
આ તમામ ટેક્નિકલ પાંસાને બાજુએ મૂકીને સરળ ભાષામાં તર્કસંગત દૃષ્ટિકોણ સાથે જોઇએ તો ઇરાન અને અમેરિકા વચ્ચેની જંગ વહેલી સમાપ્ત થાય એવા કોઇ અણસાર હાલ તો જણાતાં નથી. આ સ્થિતિમાં સ્ટ્રેઇટ ઓફ હોર્મુઝ ખુલશે નહીં અને ક્રૂડ ઓઇલનો પુરવઠો પૂર્વવત્ થાય એવા કોઇ સંકેત ના હોવા સાથે તેના ભાવમાં સતત વધારો સંભવ છે. આ એકમાત્ર પરિબળ પણ શેરબજારને તેજી તરફ આગળ વધતાં અવરોધવા પર્યાપ્ત છે!