ભરત ભારદ્વાજ
વિરાટ કોહલી અને અનુષ્કા શર્માની વારંવારની મુલાકાતોને કારણે સતત ચર્ચામાં રહેતા મથુરાના પ્રેમાનંદ મહારાજ હમણાં જુદાં કારણોસર ચર્ચામાં છે. પ્રેમાનંદ મહારાજના શિષ્ય રસિક દુલારી શરણ એટલે કે દીપક લોધીના રહસ્યમય મોતના કારણે પ્રેમાનંદ મહારાજનો આશ્રમ સૌની નજરે ચડેલો જ છે ત્યાં હવે પ્રેમાનંદ આશ્રમ પર માફિયાઓની પકડ હોવાના અને આ માફિયાઓ કિડની કૌભાંડ, બાળકોને ગુમ કરવાનાં કૌભાંડ, જમીનો પચાવી પાડવાના જાકુબીના ધંધાઓમાં સામેલ હોવાના આક્ષેપો થતાં નવો ટ્વિસ્ટ આવ્યો છે.
આ બધામાં સૌથી સનસનાટીભર્યો આક્ષેપ એ છે કે, વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા પ્રેમાનંદ મહારાજનાં ચરણોમાં શ્રદ્ધાથી શિર ઝૂકાવવા નથી આવતાં પણ પાંચ કરોડ રૂપિયાની ફી લીધી છે તેમાં છાસવારે દોડ્યાં આવે છે. વિરાટ-અનુષ્કાને 5 કરોડ રૂપિયાની ફી પ્રેમાનંદ મહારાજે નથી ચૂકવી પણ તેમના કોઈ ભક્તે ચૂકવી છે.
વિરાટ કોહલી-અનુષ્કા જેવાં સેલિબ્રિટીની આશ્રમમાં પધરામણી થાય તો બીજાં લોકો પણ આકર્ષાઈને દોડ્યાં આવે ને તેમને ખંખેરીને આશ્રમની કમાણી વધારી શકાય એવા બિલકુલ વ્યાપારી ઈરાદાથી આ ફી ચૂકવાઈ હોવાનો આક્ષેપ છે. વિરાટ જેવો માણસ પાંચ કરોડ રૂપિયામાં ના ખરીદાય એ જોતાં આ આક્ષેપો શંકાસ્પદ છે પણ સાવ ખોટા હોવાનું છાતી ઠોકીને ના કહી શકાય.
આ આક્ષેપો પાછા કોઈ હાલીમલાવીકે ચલતા પૂર્જા જેવા માણસે નથી કર્યા પણ મથુરામાં શ્રી કૃષ્ણ જન્મભૂમિ સંઘર્ષ ન્યાસ ચલાવતા દિનેશ ફળાહારી મહારાજે કર્યા છે. મથુરામાં શ્રી કૃષ્ણ જન્મભૂમિ મંદિરના નિર્માણ માટે ઝુંબેશ ચલાવતા દિનેશ ફલાહારી મહારાજે ત્રણ વર્ષ પહેલાં સંકલ્પ કર્યો હતો કે, મથુરામાં કૃષ્ણ મંદિર પરિસરમાંથી મસ્જિદ હટાવવામાં નહીં આવે ત્યાં સુધી પોતે અન્ન ગ્રહણ નહીં કરે કે પગરખાં પણ નહીં કરે. આ સંકલ્પના કારણે છેલ્લાં ત્રણ વર્ષથી દિનેશ મહારાજ અડવા પગે ફરે છે અને માત્ર ફળ જ આહારમાં લે છે તેથી ‘ફળાહારી મહારાજ’ તરીકે ઓળખાય છે.
ન્યાસના પ્રમુખ ફળાહારી મહારાજે પ્રેમાનંદ મહારાજને દૂધે ધોયેલા ગણાવ્યા છે પણ કેટલાક તત્વો સંત પ્રેમાનંદ મહારાજની પવિત્ર છબીનો દુરુપયોગ કરી રહ્યા હોવાનો આક્ષેપ કર્યો છે. ફળાહારી મહારાજે એર ઓપન લેટર દ્વારા આક્ષેપ કર્યા છે કે, વૃંદાવનમાં સક્રિય જમીન માફિયા આશ્રમ પર હાવી છે. તેમનો દાવો છે કે પ્રેમાનંદ મહારાજના આશ્રમમાં બિલ્ડર લોબીએ ઘૂસણખોરી કરી છે. રાજસ્થાનની એક પીઆર કંપનીના લોકો આશ્રમમાં સંત તરીકે રહે છે. દિનેશ ફળાહારી મહારાજે તો સરકારને પત્ર લખીને પ્રેમાનંદ મહારાજને ‘ઝેડ-પ્લસ’ સુરક્ષા પૂરી પાડવાની માગ કરી છે કેમ કે પ્રેમાનંદ મહારાજના જીવને જોખમ છે.
ફળાહારી મહારાજનો આક્ષેપ છે કે, વૃંદાવનના ન્યૂ બેલવન આશ્રમ પાસે યમુનામાં પૂરનો ભોગ બનતી મેદાનોની સરકારી જમીનોના સરકારી અધિકારીઓની મિલીભગતથી બારોબાર વેચી દેવામાં આવી રહી છે. સંત પ્રેમાનંદ મહારાજના નામની ઓથ લઈ જમીન માફિયાઓ કરોડો રૂપિયાના જમીન સોદા પાડી રહ્યા છે. આ માફિયાઓ માનવ અંગોની ગેરકાયદે હેરાફેરી, કિડની ચોરીમાં પણ સામેલ છે. છેલ્લાં કેટલાંક સમયથી મથુરા અને વૃંદાવનમાં બાળકો ગુમ થવાની ઘટનાઓ બની રહી છે તેની પાછળ પણ આવા માફિયા તત્ત્વોનો હાથ હોવાનો તેમનો દાવો છે.
ભારતમાં ધર્મના નામે ધંધો કરવા માટે આશ્રમ ખોલીને બેસી ગયેલા કહેવાતા સાધુ-સંતોના આશ્રમોમાં ગંદા ધંધા ચાલતા હોવાની વાત નવી નથી. ઘણા કહેવાતા સાધુ-સંતો આ ધંધા બદલ જેલભેગા પણ થયેલા છે ને સજા પણ ભોગવી રહ્યા છે પણ પ્રેમાનંદ મહારાજની ઈમેજ સ્વચ્છ છે એ સ્વીકારવું પડે. પ્રેમાનંદ મહારાજ સામે વ્યક્તિગત રીતે કોઈ આક્ષેપો થયા નથી કે તેમના આશ્રમમાં પણ કોઈ ખરાબ ધંધા થતા હોવાની વાત હજુ લગી બહાર આવી નહોતી પણ તેમના શિષ્ય રસિક દુલારી શરણના રહસ્યમય મોતે પ્રેમાનંદ મહારાજને અને તેમના આશ્રમને પણ શંકામાં લાવી દીધો છે.
રસિક દુલારી શરણ ઉર્ફે દીપક લોધીનું મોત અત્યંત શંકાસ્પદ છે તેમાં શંકા નથી. વૃંદાવનના આશ્રમમાં રહેતા 25 વર્ષીય શિષ્ય રસિક દુલારી શરણનું ચોથા માળેથી નીચે પડવાને કારણે મોત નીપજ્યું હતું. રસિક દુલારીના મોતની પોલીસ તપાસ અને પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ધડાકો થયો છે કે બિલ્ડિંગ પરથી કૂદ્યો એ પહેલાં દુલારીનું ગુપ્તાંગ કાપી નંખાયું હતું. દુલારીના રૂમમાંથી લોહીથી લથપથ ઇલેક્ટ્રિક ગ્રાઇન્ડર મશીન એટલે કે ટાઇલ કટર પણ મળી આવ્યું હતું.
દુલારીના મોત પહેલાંના સીસીટીવી ફૂટેજમાં દુલારીનું ગુપ્તાંગ કાપ્યા પછી લોહીલુહાણ હાલતમાં ધોતી પકડીને સીડીઓથી ચોથા માળ તરફ જઈ રહ્યો છે અને પછી ત્યાંથી છલાંગ લગાવી દે છે એવું દેખાય છે. પ્રેમાનંદ મહારાજના ‘રાધા કેલિ કુંજ ટ્રસ્ટ’ દ્વારા સત્તાવાર નિવેદન બહાર પાડીને આ ઘટના અંગે ઊંડું દુ:ખ વ્યક્ત કરાયું છે પણ દુલારીના ગુપ્તાંગ કાપવાની ઘટના કે આપઘાત અંગે કશું કહેવાયું નથી. દુલારીનું ગુપ્તાંગ તેણે પોતે કાપ્યું કે બીજા કોઈએ કાપ્યું એ પણ રહસ્ય છે.
આ રહસ્ય પરથી પડદો ઉંચકાય એ પહેલાં તો આશ્રમમાંથી લોકો રહસ્યમ રીતે ગુમ થઈ રહ્યાં હોવાનો વિવાદ ઉઠ્યો છે. થોડા સમય પહેલાં વૃંદાવનના શ્રીહિત રાધા કેલિ કુંજ આશ્રમમાંથી અનુજ ચૌધરી નામનો યુવક ગુમ થયેલો. અનુજના પરિવારનો આક્ષેપ છે કે, અનુજ આશ્રમમાં દીક્ષા લેવા ગયો હતો પણ પછી ગુમ થઈ ગયો. આશ્રમે પહેલાં તો ઈન્કાર કરેલો પણ પછી મીડિયામાં મામલો ચગતાં આશ્રમ તંત્રે અનુજ આશ્રમમાં હોવાની વાત સ્વીકારી પણ પછી હાથ અધ્ધર કરી દીધા છે.
એજ રીતે વિભા કુમારી નામની 35 વર્ષની યુવતી ગુમ થઈ તેનો વિવાદ પણ ચગ્યો છે. પરિવારનો દાવો છે કે, વિભા પ્રેમાનંદ મહારાજની ભક્ત હતી અને પર્સમાં તેમનો ફોટો રાખતી હતી.15 ઓગસ્ટ 2026ના રોજ તે પરિવારને માત્ર એટલું કહીને ઘરેથી નીકળી હતી કે પોતે વૃંદાવનમાં પ્રેમાનંદ મહારાજના આશ્રમ જઈ રહી છે પણ પછી પાછી ફરી નથી. લાંબો સમય વીતી ગયા છતાં તેનો કોઈ પત્તો નથી. બીજાં પણ કેટલાકં લોકો ગુમ થયાના અહેવાલ છે ને અંગે આશ્રમ પાસે કોઈ સ્પષ્ટ ખુલાસો નથી. આ બધાંના ગુમ થવાને માનવ અંગોની ચોરીના કૌભાંડ સાથે કોઈ લેવાદેવા છે કે નહીં એ તપાસનો વિષય છે.
પ્રેમાનંદ મહારાજ આ બધી વાતોમાં સામેલ ના હોય અને તેમની ઈમેજ પ્રમાણે એ ખરેખર ભગવાનના માણસ હોય એવું બને પણ તેમના આશ્રમનો ઉપયોગ ધર્મનાં કામોને બદલે અધર્મનાં કામો માટે થતો હોય તો એ ગંભીર તો કહેવાય જ. પ્રેમાનંદ મહારાજે આ વાતોને ગંભીરતાથી લઈને આશ્રમનું શુદ્ધિકરણ કરવું જોઈએ અને અધર્મ આચરતાં પરિબળોને દૂર કરાવવાં જોઈએ, તેમને સજા કરાવવી જોઈએ. હિંદુ પરંપરામાં તો ભગવાનનું નામ લેવું નહીં પણ અસત્ય અને અનાચાર સામે લડવું જ અસલી ધર્મ છે ને આશા રાખીએ કે, પ્રેમાનંદ મહારાજ આ ધર્મ બજાવે.