અમદાવાદ: આજના જમાનામાં સોશિયલ મીડિયા પર અનેક જાહેરાતો જોઈને સેવાઓનો લાભ લેતા હોઈએ છીએ, જો તમે પણ કોઈ સોશિયલ મીડિયાની પોસ્ટ જોઈને આવી કોઈ સેવાનો લાભ લઈ રહ્યા છો? તો તમારે પણ ચેતવું જોઈએ. કારણ કે અમદાવાદમાં સોશિયલ મીડિયાના માધ્યમથી ઘર સફાઈ માટે બોલાવેલા શખ્સો દ્વારા લાખો રૂપિયાના દાગીનાની ચોરી કરવામાં આવી હોવાનો ચોંકાવનારો બનાવ પ્રકાશમાં આવ્યો છે.
મળતી વિગતો અનુસાર, અમદાવાદના બોપલ વિસ્તારમાં સોશિયલ મીડિયાના માધ્યમથી ઘર સફાઈ માટે બોલાવેલા શખ્સો દ્વારા લાખો રૂપિયાના દાગીનાની ચોરી કરવામાં આવી હોવાના ચોંકાવનારા બનાવથી ચકચાર મચી છે. આ ઘટના શીલજ વિસ્તારમાં એસ.પી. રીંગ રોડ પર આવેલા કેપ્ટાઉન એન્હાન્સ એપાર્ટમેન્ટમાં બની હતી. કડી ખાતેની કંપનીમાં આઈટી વિભાગમાં નોકરી કરતા 52 વર્ષીય શ્યામ વિદ્યાકાંત નાગરે બોપલ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદ મુજબ, તેમના ઘરમાંથી કુલ રૂ.15,50,000ની કિંમતના સોનાના દાગીના ચોરાયા હતા. આ બનાવની જાણ પરિવારને દાગીનાની જરૂર પડતાં થઈ હતી અને ત્યારબાદ તેમણે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.
પોલીસ ફરિયાદની વિગતો અનુસાર, ફરિયાદીની પત્નીએ સોશિયલ મીડિયામાં એક સફાઈને લગતી રીલ જોઈને રસોડું અને બાથરૂમ સાફ કરાવવા માટે આપેલા નંબર પર ફોન કર્યો હતો. જૂન મહિનામાં બે અજાણ્યા શખ્સો સફાઈ માટે આવ્યા હતા અને તેમણે 5000 રૂપિયામાં આખું ઘર સાફ કરવાની ઓફર આપીને પોતાના અન્ય એક ભાઈને પણ ત્યાં બોલાવી લીધો હતો. આ ત્રણેય શખ્સોએ સાંજે છ વાગ્યા સુધી ઘરમાં સફાઈનું કામ કર્યું હતું અને કામ પૂરું થયા બાદ ફરિયાદીએ તેમને UPI મારફતે રૂપિયા ચૂકવ્યા હતા. જોકે, 2 ઓગસ્ટના રોજ જ્યારે પરિવારે માસ્ટર બેડરૂમના લાકડાના કબાટમાં તપાસ કરી, ત્યારે કબાટના ખાનામાં રાખેલા દાગીના ભરેલા બે પર્સ ગાયબ જોવા મળ્યા હતા.
ચોરાયેલા મુદ્દામાલમાં 1.70 લાખની સોનાની ચેઈન, 8.20 લાખના બે બ્રેસલેટ, 1.20 લાખનું મંગળસૂત્ર, 2.20 લાખનો નેકલેસ, 1.80 લાખની ચાર વીંટીઓ અને 40 હજારની નથણી સહિત કુલ 155 ગ્રામ સોનાના દાગીનાનો સમાવેશ થાય છે. ફરિયાદીએ ઘરની સફાઈ કરવા આવેલા તે ત્રણ શખ્સો પર જ ચોરીનો આક્ષેપ કર્યો હતો. બોપલ પોલીસે ભારતીય ન્યાય સંહિતાની (BNS) કલમો 306 અને 54 હેઠળ અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.