Wed Aug 19 2026

Logo

પોતાના જ પ્રિમાઈસિસમાં ભીના કચરા પર પ્રક્રિયા કરાવો ને ટૅક્સમાં ૧૫ ટકા રાહત મેળવો

2026-08-02 09:47:07
Author: Sapna Desai
Article Image

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ:
મુંબઈના ડમ્પિંગ ગ્રાઉન્ડ પર ઠલવાતા કચરાના બોજાને ઘટાડવા અને હજારો ટન કચરાની દૈનિક હિલચાલને ઘટાડવાના પ્રયાસરૂપે મુંબઈ મહાનગરપાલિકાએ બલ્ક વેસ્ટ જનરેટર્સ (બીડબ્લ્યુજી)એટલે કે મોટા પ્રમાણમાં કચરો કરનારાઓ માટે તેમના જ પરિસરમાં ભીના કચરા પર પ્રક્રિયા કરવા માટે શહેરવ્યાપી અભિયાન શરૂ કર્યું છે. પહેલને ઝડપી ગતિએ અમલમાં લાવવા માટે પાલિકા પ્રશાસને શનિવારે લાયકાત ધરાવતી ઍજન્સીઓ પાસેથી એક્સપ્રેશન ઑફ ઇન્ટરેસ્ટ (ઈઓઈ) આમંત્રિત કર્યા હતા, જ્યારે હાઉસિંગ સોસાયટીઓને તેની માર્ગદર્શિકાનું પાલન કરવા માટે  પ્રોપર્ટી ટેક્સમાં ૧૫ ટકા સુધીની રિબેટ ઓફર કરવામાં આવી છે.

પાલિકાના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ નિયમો મુજબ કચરા પર વૈજ્ઞાનિક પ્રક્રિયા ફરજિયાત હોવા છતાં કોરોના મહામારી બાદ ભીના કચરા પર પ્રક્રિયા કરવાનું પ્રમાણ મર્યાદિત  થઈ ગયું હતું. પાલિકા પ્રશાસને ૨૦,૦૦૦ ચોરસ મીટરથી વધુ બિલ્ટ-અપ વિસ્તાર ધરાવતી અથવા દરરોજ ૧૦૦ કિલોથી વધુ ભીનો કચરો નિર્માણ કરતી હાઉસિંગ સોસાયટીઓ અને વ્યાપારી સંસ્થાઓને સાઇટ પર કચરો પ્રોસેસિંગ સિસ્ટમ ઇન્સ્ટોલ કરવા અથવા ઔપચારિક રીતે કચરો વ્યવસ્થાપન પાલિકાનેે સોંપવા માટે નિર્દેશ આપ્યો હતો.

અત્યાર સુધીમાં પાલિકાએ ૩,૧૭૭ બલ્ક વેસ્ટ જનરરેટરને ઓેળખી કાઢ્યા છે, જેમાંથી ૨,૦૨૫એ ‘માયવેસ્ટ પોર્ટલ’ પર નોંધણી કરાવી છે, જ્યારે માત્ર ૫૧૩ પ્રોપર્ટીધારકે 
 ઑન-સાઇટ વેસ્ટ પ્રોસેસિંગ યુનિટ્સ માટે જગ્યા નક્કી કરી છે.

વિકેન્દ્રિત કચરાના પ્રક્રિયા (ડિસેન્ટ્રલાઈસ્ડ વેસ્ટ પ્રોસેસિંગ)ને અપનાવવામાં વેગ આપવા માટે પાલિકાએ  હાઉસિંગ સોસાયટીઓ અને અન્ય બલ્ક વેસ્ટ જનરેટરોને મદદ કરવા માટે ટેક્નિકલી રીતે લાયકાત ધરાવતી એજન્સીઓ પાસેથી એક્સપ્રેશન ઓફ ઈન્ટરેસ્ટને આમંત્રિત કર્યા છે. પસંદ કરેલી એજન્સીઓ સાઇટ એસેસમેન્ટ, ટેક્નોલોજી સિલેક્શન, ઇન્સ્ટોલેશન, ઓપરેશન અને મેઇન્ટેનન્સ, ટ્રેનિંગ, વૈધાનિક પાલન અને અધિકૃત રિસાઈકલર્સ સાથે સૂકા કચરાનું જોડાણ સહિત એન્ડ-ટુ-એન્ડ સપોર્ટ પ્રદાન કરશે. 
બોકસ

પ્રોપર્ટી ટેક્સમાં રાહત

ઓન-સાઇટ વેસ્ટ પ્રોસેસિંગને પ્રોત્સાહન આપવા માટે પાલિકાએ ૨૦૧૯માં બલ્ક વેસ્ટ જનરેટર્સ માટે પ્રોપર્ટી ટેક્સ રિબેટમાં ૧૫ ટકા સુધીનો વધારો કર્યો હતો. જોકે તેને  મર્યાદિત પ્રમાણમાં પ્રતિસાદ જોવા મળ્યો છે. જૂન સુધીમાં શહેરની ૨,૭૪૯ લાયક હાઉસિંગ સોસાયટીઓ અને વ્યાપારી સંસ્થાઓ (૧૩ ટકા)માંથી માત્ર ૩૪૭એ રિબેટનો લાભ લીધો હતો.