Sun Sep 06 2026

Logo

વાયનાડ દુર્ઘટના મુદ્દે ગરમાયું રાજકારણ: ભાજપએ રાહુલ-પ્રિયંકા ગાંધી પર સાધ્યું નિશાન, કહ્યું 'રાજકીય પર્યટક'

2026-07-12 21:37:00
Author: Mumbai Samachar Team
વાયનાડ દુર્ઘટના મુદ્દે ગરમાયું રાજકારણ: ભાજપએ રાહુલ-પ્રિયંકા ગાંધી પર સાધ્યું નિશાન, કહ્યું 'રાજકીય પર્યટક'

નવી દિલ્હીઃ ભાજપે કોંગ્રેસના નેતાઓ રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી વાડ્રાની ભૂસ્ખલન પ્રભાવિત વાયનાડની મુલાકાત ન લેવા બદલ આકરી ટીકા કરી હતી. ભારતીય જનતા પાર્ટી (ભાજપ)એ તેમના પર પાર્ટ-ટાઇમ નેતાઓ હોવાનો આરોપ લગાવ્યો હતો.

ભાજપે આરોપ લગાવ્યો કે તેમણે આ સંસદીય મતવિસ્તારનો ઉપયોગ માત્ર તેમનું રાજકીય અસ્તિત્વ બચાવવા માટે કર્યો છે. જો કે ભાજપના આરોપો અંગે કોંગ્રેસ તરફથી તાત્કાલિક કોઇ પ્રતિક્રિયા આવી નથી. અત્રે ઉલ્લેખનીય છે કે વાયનાડ અને કોઝિકોડ જિલ્લાઓને જોડવા માટે ચાલી રહેલા અનાક્કમ્પોયિલ-મેપ્પાડી ટ્વિન-ટયૂબ ટનલ પ્રોજેક્ટના સ્થળે ૭ જુલાઇના રોજ ભૂસ્ખલન થયું હતું. જેમાં આઠ લોકોના મોત થયા હતા.

ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા તુહિન સિન્હાએ વાયનાડના વર્તમાન સાંસદ પ્રિયંકા ગાંધી વાડ્રા અને અગાઉ આ લોકસભા બેઠકનું પ્રતિનિધિત્વ કરનારા રાહુલ ગાંધી પર અસરગ્રસ્ત પરિવારો સુધી ન પહોંચવાનો આરોપ લગાવ્યો હતો.

તેમણે જણાવ્યું કે તેઓ માત્ર રાજકીય પર્યટક છે. સોશિયલ મીડિયા પર શોક વ્યક્ત કરતી પોસ્ટ સિવાય આમાંથી કોઇએ પણ અસરગ્રસ્ત પરિવારો સુધી પહોંચવામાં કોઇ રસ દાખવ્યો નથી. આ શરમજનક છે. આ બંને પાર્ટ-ટાઇમ નેતા હોવાનું દર્શાવે છે.

તેમણે આરોપ લગાવ્યો કે કોંગ્રેસના નેતાઓ વાયનાડને રાજકીય સુવિધાવાળો સંસદીય મતવિસ્તાર ગણે છે. તેમજ દાવો કર્યો કે સાંસદ તરીકે પહેલા રાહુલ ગાંધી અને હવે પ્રિયંકા ગાંધીએ આ સંસદીય મતવિસ્તારનો ઉપયોગ માત્ર પોતાનું રાજકીય અસ્તિત્વ બચાવવા માટે કર્યો છે. જેવા રાહુલ ગાંધી રાયબરેલીથી જીત્યા કે તરત જ તેમણે વાયનાડ છોડી દીધું હતું. એ જ રીતે પ્રિયંકા ગાંધી પણ જ્યારે તેમને દિલ્હી નજીક કોઇ સારી બેઠક મળી જશે ત્યારે આ મતવિસ્તાર છોડી દેશે.