Thu Sep 03 2026

Logo

કેરલમમાં 110 કિલો ગાંજો જપ્ત: ઓડિશાના 4 તસ્કરોની ધરપકડ

2026-07-12 21:24:07
Author: Mumbai Samachar Team
કેરલમમાં 110 કિલો ગાંજો જપ્ત: ઓડિશાના 4 તસ્કરોની ધરપકડ

કોચીઃ કેરલમ એક્સાઇઝ વિભાગે રવિવારે એક મોટી કાર્યવાહી હાથ ધરતા અંગમાલી નજીક 110 કિલો ગાંજો જપ્ત કર્યો હતો તેમ જ આ મામલે ચાર લોકોની ધરપકડ કરી હતી, એમ અધિકારીએ જણાવ્યું હતું.

આ બનાવની પ્રાપ્ત વિગતો મુજબ ધરપકડ કરાયેલા લોકો ઓડિશાના રહેવાસી છે. આબકારી વિભાગના જણાવ્યા અનુસાર અંગમાલી આબકારી રેન્જ દ્વારા હાથ ધરવામાં આવેલી એક ખાસ નાર્કોટિક્સ વિરોધી ઝુંબેશ દરમિયાન આ પ્રતિબંધિત પદાર્થ જપ્ત કરવામાં આવ્યો હતો.

અધિકારીઓનો આરોપ છે કે આરોપીઓ ઓડિશાથી કેરલમમાં ગાંજાની દાણચોરીમાં સંડોવાયેલા હતા. આબકારી વિભાગના જણાવ્યા મુજબ આરોપીઓ લાંબા અંતરની ટ્રેન દ્વારા પલક્કડ સુધી આવ્યા હતા ત્યાર બાદ પકડાઇ જવાથી બચવા માટે પેસેન્જર અને મેમુ ટ્રેનોમાં મુસાફરી કરી હતી, જ્યાં ચેકિંગ ઓછું હોય છે.

આરોપીઓ કથિત રીતે પ્રતિબંધિત સામાનને વિતરણ કેન્દ્રો સુધી પહોંચાડવા માટે નાના રેલવે સ્ટેશનો પર ઉતરતા હતા. અધિકારીઓએ જણાવ્યું કે આબકારી ટીમે અંગમાલી રેલ્વે સ્ટેશન નજીક આરોપીઓને અટકાવ્યા હતા અને તેમની પાસેથી મોટા પેકેટોમાં છુપાવેલો ગાંજો જપ્ત કર્યો હતો.

આબકારી અધિકારીઓએ આ કાર્યવાહીને તાજેતરના મહિનાઓમાં એર્નાકુલમ જિલ્લામાં ગાંજો જપ્તીની સૌથી મોટી ઘટનાઓ પૈકીની એક ગણાવી હતી. સપ્લાય ચેનની ભાળ મેળવવા અને આંતર-રાજ્ય ડ્રગ તસ્કરી નેટવર્કમાં સંડોવાયેલા અન્ય લોકોની ઓળખ કરવા માટે વિસ્તૃત તપાસ ચાલી રહી હોવાનું અધિકારીઓએ જણાવ્યું હતું.