અમદાવાદઃ હોસ્પિટલ, ક્લિનિક, લેબોરેટરીમાંથી નીકળતા કચરાને બાયોમેડિકલ વેસ્ટ કહેવામાં આવે છે. જેમાં રક્તવાળી પટ્ટી, ઈન્જેક્શન, કાચની શીશીઓ, શરીરના અંગો સહિત ઘણી વસ્તુઓ હોય છે. બાયોમેડિકલ વેસ્ટ પર્યાવરણ અને માનવી બંને માટે જોખમી હોવાથી તેના સુરક્ષિત નિકાલ માટે પીળી, લાલ, વાદળી એવા કલરની બેગનો ઉપયોગ કરવામાં આવે છે. એક રિપોર્ટ પ્રમાણે, ગુજરાતમાં બાયોમેડિકલ વેસ્ટના નિયમોના ઉલ્લંઘનમાં 5 ગણાનો વધારો થયો છે.
બાયોમેડિકલ વેસ્ટ મેનેજમેન્ટના નિયમોના ભંગ બદલ કાર્યવાહી
સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડના વાર્ષિક અહેવાલ મુજબ, બાયોમેડિકલ વેસ્ટ મેનેજમેન્ટના નિયમોના ભંગ બદલ 2024માં 3562 હેલ્થકેર અને વેસ્ટ ટ્રીટમેન્ટ સામે કાર્યવાહી કરવામાં આવી હતી. રાજ્યમાં 2024માં બાયોમેડિકલ વેસ્ટના નિયમોના ઉલ્લંઘનમાં પાંચ ગણાથી વધુનો ઉછાળો આવ્યો છે. 2023માં આ સંખ્યા 661 અને 2022માં 1024 હતી.
ગુજરાતમાં દરરોજ કેટલા કિલો બાયોમેડિકલ વેસ્ટ પેદા થાય છે
રિપોર્ટ પ્રમાણે ગુજરાતમાં 2024માં દરરોજ 56,512 કિલો બાયોમેડિકલ વેસ્ટ પેદા થયો હતો, જે 2023માં 51,823 કિલો અને 2022માં 47,843 કિલો હતો. આ માત્ર બે વર્ષ પહેલાંની સરખામણીએ દરરોજ લગભગ 8700 કિલો વધુ કચરો છે.
રાજ્યમાં કેટલી હેલ્થકેર સુવિધા છે
આ વધારો હેલ્થકેર ક્ષેત્રમાં આવેલા ઉછાળાને દર્શાવે છે. ગુજરાતમાં હવે 41,357 હેલ્થકેર સુવિધાઓ છે, જે 2023માં 37,396 અને 2022માં 35,804 હતી. આમાંથી 13,659 બેડ ધરાવતી હોસ્પિટલો છે, જ્યારે બાકીની 27,698 ક્લિનિક્સ અને ડાયગ્નોસ્ટિક સેન્ટર્સ જેવા નોન-બેડેડ યુનિટ્સ છે.
નિયમોના પાલનમાં ખામી
સૂત્રોએ જણાવ્યું કે, બાયોમેડિકલ વેસ્ટના ઉલ્લંઘનમાં થયેલો આ તીવ્ર વધારો ચિંતાજનક છે. બાયોમેડિકલ વેસ્ટનું અયોગ્ય અલગીકરણ અથવા નિકાલ ચેપ ફેલાવવાનું અને પર્યાવરણને પ્રદૂષિત કરવાનું જોખમ વધારે છે. ગુજરાતમાં હેલ્થકેર સુવિધાઓના ઝડપી વિસ્તરણ સાથે મોનિટરિંગ અને પાલન કરવાની પ્રક્રિયા મજબૂત કરવી જોઈએ. જો બાયોમેડિકલ વેસ્ટનો યોગ્ય રીતે નિકાલ કરવામાં ન આવે, તો તે કચરો ઉપાડનારાઓ, હોસ્પિટલ સ્ટાફ અને સમાજ માટે ગંભીર જોખમ ઊભું કરે છે. વેસ્ટ ટ્રીટમેન્ટની સંપૂર્ણ સુવિધા હોવા છતાં પાંચ ગણો ઉછાળો આવતા, CPCB એ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડને આ ખામીઓ દૂર કરવા જણાવ્યું છે.
આ છે સૌથી ચોંકાવનારી વાત
રાજ્યમાં હોસ્પિટલના બેડની સંખ્યા 2022માં 2,23,997 હતી જે 2024માં વધીને 2,54,714 થઈ ગઈ છે. તમામ બાયોમેડિકલ વેસ્ટની સારવાર અને નિકાલ 22 કોમન ટ્રીટમેન્ટ ફેસિલિટી દ્વારા કરવામાં આવે છે. રાજ્યમાં એક પણ હેલ્થકેર યુનિટ પોતાનો ટ્રીટમેન્ટ પ્લાન્ટ કે ઇન્સિનરેટર ચલાવતું નથી.