સુરેન્દ્રનગર: શૂન્ય પાલનપુરીની પંક્તિ, 'કદમ અસ્થિર હો એને કદી રસ્તો નથી જડતો; અડગ મનના મુસાફરને હિમાલય પણ નથી નડતો.' આવો જ એક ઉલ્લેખ આપણાં વેદ શાસ્ત્રોમાં જોવા મળે છે. સંસ્કૃતમાં કહેવાયું છે ‘પંગુ લંઘયતે ગીરીમ્’ એટલે કે જો કોઈ માણસ મનથી ધારે તો ભલે તે શારીરિક રીતે વિકલાંગ હોય તેમ છતાં તે ડુંગરને પાર કરી શકે છે. આ પંક્તિને સુરેન્દ્રનગર જિલ્લાના એક માલધારી યુવકે સાર્થક કરી બતાવી છે. એક અકસ્માતમાં પોતાના બંને હાથ ગુમાવ્યા હોવા છતાં આ યુવકે હાર માન્યા વિના ગુજરાત જાહેર સેવા આયોગની પરીક્ષા ઉતીર્ણ કરી છે.

વાત કરવી છે સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાના નાના એવા નોલી ગામના બિજલભાઈ લોહની. એક અત્યંત સામાન્ય આર્થિક સ્થિતિ ધરાવતા માલધારી પરિવારમાં જન્મેલા બિજલભાઈએ તાજેતરમાં ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) દ્વારા લેવાયેલી રાજ્ય વેરા નિરીક્ષક (STI) ની પરીક્ષામાં સમગ્ર ગુજરાતમાં દ્વિતીય ક્રમ પ્રાપ્ત કરીને પરિવાર અને જિલ્લાનું નામ રોશન કર્યું છે. બિજલભાઈની આ સફળતા પાછળ સંઘર્ષની એક લાંબી ગાથા છુપાયેલી છે.
2008માં બંને હાથ ગુમાવ્યા
વર્ષ 2008માં જ્યારે તેઓ માત્ર છઠ્ઠા ધોરણમાં અભ્યાસ કરતા હતા, ત્યારે એક કમનસીબ વીજ અકસ્માતમાં તેમણે પોતાના બંને હાથ ગુમાવ્યા હતા. આ દુર્ઘટના બાદ તેઓ સતત બે વર્ષ સુધી પથારીવશ રહ્યા હતા. તે મુશ્કેલ સમયમાં પરિવારે આર્થિક તંગી હોવા છતાં ખર્ચની ચિંતા કર્યા વગર તેમની દિવસ-રાત સેવા કરી હતી. પરિવારના આ ઋણને ચૂકવવા માટે બિજલભાઈએ તે સમયે જ જીવનમાં કંઈક કરી બતાવવાની મક્કમ નેમ લીધી હતી.
હજુ પણ તૈયારી છે ચાલુ
પોતાની મર્યાદાઓને ક્યારેય અવરોધ ન બનવા દેતા બિજલભાઈએ સુરેન્દ્રનગર, અમદાવાદ અને ગાંધીનગર જેવા શહેરોમાં રહીને ઉચ્ચ અભ્યાસ પૂર્ણ કર્યો. તેમણે અમદાવાદમાંથી B.Com અને M.Com ની પદવી મેળવી અને ત્યારબાદ ગાંધીનગરના રાયસણ ખાતેથી સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીઓ શરૂ કરી. વર્ષ 2023માં તેમની પસંદગી જુનિયર ક્લાર્ક તરીકે થઈ હતી, જ્યાં તેઓ હાલ ફરજ બજાવી રહ્યા છે. જોકે, તેમનું લક્ષ્ય ઊંચું હોવાથી તેમણે મહેનત ચાલુ રાખી અને આજે STI પરીક્ષામાં ઝળહળતી સફળતા મેળવી છે. હાલમાં તેઓ Ph.D. પણ કરી રહ્યા છે અને DySOની મુખ્ય પરીક્ષા પણ આપી ચૂક્યા છે.

વિકલાંગતાનું સ્મરણ જ નથી થયું કારણ કે....
મુંબઈ સમાચાર સાથેની વાતચીતમાં બીજલભાઈએ જણાવ્યું હતું કે ઘરની નબળી પરિસ્થિતિએ ક્યારેય એ વાતનું સ્મરણ નથી થવા દીધું કે મારે બે હાથ નથી. અભ્યાસ કે અન્ય કોઈ કામથી ગમે ત્યાં પહોંચવાનું હોય હું કોઈપણ બહાના વિના પહોંચી જતો. પરીક્ષાની તૈયારી બાબતે વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે મોજ શોખ એ બધી વસ્તુને એક બાજુ મૂકીને માત્ર અભ્યાસ માટેની જ દોડાદોડી કરવાની. તેમણે ગુજરાતની તમામ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરાવતી એકેડેમીનો પણ આભાર માન્યો હતો કારણ કે તમામ એકેડેમી વિકલાંગ ઉમેદવારોને તમામ કોર્સ વિનામુલ્યે પૂરા પાડે છે.
આગળ તેમણે જણાવ્યું હતું કે સ્પર્ધાત્મક પરીક્ષામાં સફળતા ટૂંકા ગાળામાં નથી મળી જતી. હું પોતે પણ અનેક પરીક્ષાઓમાં નિષ્ફળ થયો છતાં મેં ક્યારેય હાર નહોતી માની. પરિવારમાં સૌથી મોટો દીકરો હોવાના કારણે ઘરની નાની મોટી જવાબદારી છેક ધોરણ 10માં હતો તે સમયથી જ માથે ઉપાડેલી. બહાનાબાજી કરવાને બદલે સંપૂર્ણ રીતે ધગશથી મહેનત કરવામાં આવે તો જરૂર સફળતા મળે છે. એ માટે મક્કમ મનોબળની તાતી જરૂરિયાત હોવાનું તેમણે જણાવ્યું હતું.