Sun Sep 06 2026

Logo

બિહારમાં નવા મંત્રીમંડળની રચનાની અટકળો તેજ, સીએમ સમ્રાટ ચૌધરીની ગૃહમંત્રી અમિત શાહ સાથે મુલાકાત

2026-05-03 16:14:22
Author: Chandrakant Kanoja
બિહારમાં નવા મંત્રીમંડળની રચનાની અટકળો તેજ, સીએમ સમ્રાટ ચૌધરીની ગૃહમંત્રી અમિત શાહ સાથે મુલાકાત

નવી દિલ્હી: બિહારના નવી સરકારની રચના બાદ નવા મંત્રીમંડળની રચના અંગે  કોઇ જાહેરાત કરવામાં આવી નથી. તેવા સમયે બિહારના સીએમ સમ્રાટ ચૌધરીએ આજે દિલ્હીમાં ગૃહમંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરી હતી. આ પૂર્વે તેમણે જેડીયુના કાર્યકારી પ્રમુખ સંજય ઝા અને ભાજપ પ્રમુખ નીતિન નબીનને પણ મળ્યા હતા. જોકે, અમિત શાહ સાથેની બેઠક બાદ નવા મંત્રીમંડળની રચના અંગે અટકળો તેજ થઇ છે. 

ભાજપમાંથી 13 અને જેડીયુમાંથી 15 મંત્રીઓનો સમાવેશ શક્ય 

આ અંગે સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ બિહારમાં નવી સરકારની રચના બાદ કેબિનેટ વિસ્તરણ લાંબા સમયથી પડતર છે. જોકે, આ અંગે ભાજપ અને જેડીયુ વચ્ચે અંતિમ ફોર્મ્યુલા નક્કી થઇ હોવાની માહિતી છે. જેમાં બંને પક્ષના 15-15  સભ્યોની ફોર્મ્યુલા લાગુ કરવામાં આવી શકે છે. જેમાં ભાજપમાંથી 13 અને જેડીયુમાંથી 15 મંત્રીઓનો સમાવેશ કરવામાં આવી શકે છે. આ ઉપરાંત એનડીએના સાથી પક્ષો એચએએમ અને આરએલએમઓને પણ મંત્રીમંડળમાં સ્થાન મળી શકે છે. 

સીએમ સમ્રાટ ચૌધરીએ નીતિશ કુમારને પણ મળ્યા હતા

આ ઉપરાંત બિહારથી દિલ્હી જતા પૂર્વે સીએમ સમ્રાટ ચૌધરીએ નીતિશ કુમારને પણ મળ્યા હતા. આ મુલાકાતને મંત્રીમંડળના વિસ્તરણ સાથે જોડીને જોવામાં આવી રહી છે. જેમાં પશ્ચિમ બંગાળ ચૂંટણી પરિણામો બાદ કોઈપણ સમયે નવા મંત્રીમંડળની જાહેરાત થઈ શકે છે.