ગાંધીનગર: ગુજરાતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ભાજપે પોતાનો દબદબો જાળવી રાખ્યો છે. જોકે, આ ઉપરાંત રાજકીય વર્તુળમાં આમ આદમી પાર્ટીની હારની ચર્ચાએ જોર પકડયું હતું. જેમાં આમ આદમી પાર્ટીએ વર્ષ 2021ની ચૂંટણીમાં સુરત કોર્પોરેશનમાં 27 બેઠકો પર વિજય મેળવ્યો હતો. જે આ વખતની ચૂંટણીમાં માત્ર ચાર બેઠક પૂરતો મર્યાદિત રહ્યો હતો. જે રાજ્યમાં આગામી વર્ષે યોજાનારી વિધાનસભા ચૂંટણી પૂર્વે આપને મોટો ફટકો છે.
ચૂંટણીના પરિણામો આમ આદમી પાર્ટી માટે નિરાશાજનક
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામો આમ આદમી પાર્ટી માટે નિરાશાજનક રહ્યા છે. જેમાં વિસાવદર તાલુકા પંચાયતને બાદ કરતા તેનો દેખાવ અપેક્ષા કરતાં ખરાબ રહ્યો હતો. તેમજ પાર્ટી એક નગરપાલિકા પણ ના જીતી શકી. આ ઉપરાંત વર્ષ 2021માં સુરતમાં મેળવેલી 27 બેઠક સાથે તેનો જનધાર પણ ગુમાવવાનો વારો આવ્યો છે. સુરતમાં આપ માત્ર ચાર બેઠક જ મેળવી શકી છે.
જો આપણે આંકડા પર નજર કરીએ તો, 15 મ્યુનિસિપલ કોર્પોરેશનોની 1044 બેઠકોમાંથી AAP એ ફક્ત 6 બેઠકો જીતી છે. 84 મ્યુનિસિપલ કોર્પોરેશનોની 2030 બેઠકોમાંથી, ફક્ત 18 બેઠકો જીતી. 34 જિલ્લા પંચાયતોની 1090 બેઠકોમાંથી 57 બેઠકો પર વિજય મેળવ્યો છે. તેમજ 260 તાલુકા પંચાયતોની 5234 બેઠકોમાંથી AAP એ 395 બેઠકો જીતી છે.
વર્ષ 2022ની વિધાનસભા ચૂંટણીમાં 5 બેઠકો જીતી હતી
આ આંકડા સ્પષ્ટ કરે છે આપનું પ્રદર્શન મર્યાદિત વિસ્તારોમાં જ રહ્યું છે. તેમજ તેનો મુખ્ય વિપક્ષી દળ બનવાનો દાવો પોકળ સાબિત થયો છે. ગુજરાત આપ કન્વીનર અરવિંદ કેજરીવાલ માટે મહત્વનું રાજ્ય છે. જેમાં આપે વર્ષ 2021 ની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મજબૂત પ્રદર્શન કર્યું હતું. તેમજ વર્ષ 2022ની વિધાનસભા ચૂંટણીમાં 5 બેઠકો જીતી હતી.હાલ આમ આદમી પાર્ટી ફક્ત પંજાબમાં જ સત્તામાં છે. જ્યારે દિલ્હીમાં ગયા વર્ષની વિધાનસભા ચૂંટણીમાં તેને ભાજપ સામે હારનો સામનો કરવો પડ્યો હતો. તેમજ ગોવામાં પાર્ટી પાસે ફક્ત બે વિધાનસભા બેઠકો છે.
ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે મુશ્કેલી
તેવા સમયે ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ખરાબ પ્રદર્શને આમ આદમી પાર્ટીના ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે મુશ્કેલી ઉભી કરી છે.