ભુજઃ પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડની કથળતી જતી સેવાઓ અને બેદરકાર કામગીરી સામે સ્થાનિક વીજ ગ્રાહકો, વેપારીઓ તેમજ ખેડૂતોમાં ભારે રોષ અને અસંતોષની લાગણી વ્યાપી ગઈ છે. કોઈપણ પૂર્વ સૂચના વિના અવારનવાર થતા અઘોષિત વીજકાપ અને ધાંધિયાના કારણે સામાન્ય નાગરિકોનું જનજીવન ભારે અસ્તવ્યસ્ત બની ગયું છે.
ચોમાસાની શરૂઆતમાં માત્ર એકાદ ઈંચ જેટલા સામાન્ય વરસાદમાં જ કચ્છના મુખ્યમથક ભુજ શહેરના ૬૦ ટકાથી વધુ ફીડરોમાં ક્ષતિ સર્જાતાં વીજ કંપની દ્વારા કરવામાં આવેલી પ્રિ-મોન્સૂન કામગીરીના દાવાઓ સામે ગંભીર સવાલો ઊભા થયા છે. અત્યારથી જ આ પરિસ્થિતિ છે, તો આગામી દિવસોમાં મુશળધાર કે ભારે વરસાદમાં કેવી સ્થિતિ સર્જાશે તેને લઈને પ્રજામાં ભારે ચિંતા વ્યાપી છે.
ભુજ શહેરમાં વીજ વિક્ષેપને પગલે કંટ્રોલ રૂમ પર ૬૦૦થી પણ વધુ ફરિયાદોનો અંબાર ખડકાયો હતો. એક તરફ ખોરવાયેલા વીજ પુરવઠાના કારણે લોકો અસહ્ય ગરમી અને બફારાથી બેહાલ બની રહ્યા છે, તો બીજી તરફ દર મહિને આવી રહેલા તતિંગ વીજ બિલથી પ્રજા ત્રાહિમામ પોકારી ઉઠી છે. મુશ્કેલીના સમયે મદદ માટે ગ્રાહકો દ્વારા કંટ્રોલ રૂમ કે સત્તાવાર નંબરો પર સંપર્ક કરવાનો પ્રયાસ કરવામાં આવે ત્યારે ફોન કાં તો સતત 'વ્યસ્ત' આવે છે અથવા 'નો રિપ્લાય' મળે છે, જેનાથી નાગરિકોની અકળામણમાં બળતામાં ઘી હોમાય છે.
પરિસ્થિતિને થાળે પાડવા અને વીજ પુરવઠો પૂર્વવત કરવા માટે તંત્ર દ્વારા ૧૫થી વધુ ટેકનિકલ ટુકડીઓને મેદાનમાં ઉતારવામાં આવી હોવાનો દાવો કરાયો છે, છતાં સમસ્યાનો ઝડપી ઉકેલ લાવવામાં તંત્ર નિષ્ફળ નીવડ્યું છે. ખાસ કરીને ભૂકંપ બાદ ભુજમાં અસ્તિત્વમાં આવેલી વિવિધ રિલોકેશન સાઈટ્સમાં વીજ ધાંધિયાની સમસ્યાએ માજા મૂકી છે; સામાન્ય છાંટા પડે તો પણ ૭ થી ૮ કલાક સુધી વીજળી ગુલ થઈ જવી એ હવે રોજિંદી બાબત બની ગઈ છે.
વધુમાં, મુંદરા રોડ સ્થિત રિલોકેશન સાઈટની મહિલાઓએ ગંભીર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, વીજ તંત્રના જવાબદાર એન્જિનિયર દ્વારા વરસતા વરસાદ વચ્ચે ગૃહિણીઓને રૂબરૂ ઓફિસે આવીને ફરિયાદ લખાવી જવાનો ઉદ્ધત અને બેજવાબદાર જવાબ આપવામાં આવે છે.
વીજ કંપનીની આ નિષ્ક્રિયતા, ઉપેક્ષા અને ગ્રાહકો પ્રત્યેના અણછાજતા વર્તન સામે જનતામાં તીવ્ર આક્રોશ જોવા મળી રહ્યો છે. જો વીજ તંત્ર દ્વારા વહેલી તકે વીજ પુરવઠો નિયમિત કરવામાં નહીં આવે અને આ સમસ્યાનો કાયમી ઉકેલ લાવવામાં નહીં આવે, તો આગામી દિવસોમાં સ્થાનિક રહીશો અને સંગઠનો દ્વારા વીજ કચેરી સમક્ષ ઉગ્ર આંદોલન અને વિરોધ પ્રદર્શન કરવાની કડક ચીમકી ઉચ્ચારવામાં આવી છે.