Mon Sep 14 2026

Logo

ભુજના મિરજાપર ગામે રૂપિયા 2.1 કરોડના ખર્ચે નવનિર્મિત કુમાર શાળાનું લોકાર્પણ...

2026-03-11 19:34:26
Author: Mumbai Samachar Team
ભુજના મિરજાપર ગામે રૂપિયા 2.1 કરોડના ખર્ચે નવનિર્મિત કુમાર શાળાનું લોકાર્પણ...

ભુજ: ભુજ તાલુકાના મિરજાપર ગામે છેલ્લા લાંબા સમયથી ચર્ચા અને વિવાદના કેન્દ્રમાં રહેલી કુમાર પ્રાથમિક શાળાની નવી ઇમારતનું ગત મંગળવારે વિધિવત લોકાર્પણ કરવામાં આવ્યું હતું. અંદાજે રૂપિયા 02.10 કરોડના ખર્ચે તૈયાર થયેલા આ શૈક્ષણિક સંકુલના ઉદ્ઘાટન પ્રસંગે રાજકીય મહાનુભાવો અને શિક્ષણ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

આ લોકાર્પણ વિધિના મુખ્ય અતિથિ જિલ્લા પંચાયત પ્રમુખ જનકસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, એક સમય હતો જ્યારે વિકાસ કામો માટે નાની ગ્રાન્ટ મેળવવા પણ ભારે જહેમત ઉઠાવવી પડતી હતી, જ્યારે આજે ગુજરાત સરકાર શિક્ષણ ક્ષેત્રે અત્યંત સંવેદનશીલ બનીને કરોડોના ખર્ચે અત્યાધુનિક સુવિધાઓ પૂરી પાડી રહી છે. તેમણે ગ્રામજનોને ગામના વિકાસમાં સહભાગી થવા અપીલ કરી હતી. 

આ પ્રસંગે ઉપસ્થિત રહેલા જિલ્લા શિક્ષણાધિકારી સંજય પરમાર અને પ્રાથમિક શિક્ષણાધિકારી પૃથ્વીરાજસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે, નવા સંકુલમાં કુલ 11 વર્ગખંડો બનાવવામાં આવ્યા છે. વિદ્યાર્થીઓ માટે આધુનિક સેનિટેશન અને ફાયર સેફ્ટીની સુવિધા ઉપલબ્ધ છે. શાળાના પટાંગણમાં પેવર બ્લોક, ગ્રાઉન્ડ ડેવલપિંગ અને શેડની કામગીરી પર વિશેષ ભાર મૂકાયો છે. આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત ઉપપ્રમુખ મનીષાબેન વેલાણી, તાલુકા પંચાયત પ્રમુખ વિનોદભાઈ વરસાણી સહિતના અગ્રણીઓ હાજર રહ્યા હતા.

આ કુમાર શાળાનું બાંધકામ શરૂઆતથી જ વિવાદોમાં રહ્યું છે. અગાઉ વાલીઓ અને ગ્રામજનોએ બાંધકામની નબળી ગુણવત્તા અને કામમાં અધૂરપ હોવાના ગંભીર આક્ષેપો કર્યા હતા. આ મુદ્દે રેલીઓ પણ નીકળી હતી અને આચાર્યએ કબ્જો સ્વીકારવાનો ઇનકાર કરતા વહીવટી તંત્ર સાથે ઘર્ષણ સર્જાયું હતું. મંગળવારે જ્યારે લોકાર્પણ યોજાયું ત્યારે પણ વાતાવરણમાં ગરમાવો જોવા મળ્યો હતો. વાલીઓ વિરોધ પ્રદર્શન કરે તે પૂર્વે જ સાવચેતીના ભાગરૂપે પોલીસ બોલાવી લેવામાં આવી હતી. આ કાર્યક્રમ દરમિયાન શાળાના બાળકો ગેરહાજર જણાતા 'રાતોરાત લોકાર્પણ'ના આક્ષેપો થયા હતા.

આ તમામ વિવાદો અંગે સ્પષ્ટતા કરતા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીએ જણાવ્યું હતું કે, રાજ્યસ્તરની ટુકડી દ્વારા તપાસ કરાયા બાદ નવાં સંકુલમાં તમામ ત્રુટીઓ સુધારી લેવામાં આવી છે. કોન્ટ્રાક્ટર દ્વારા ૩ વર્ષની ગેરંટીનું લેખિત પ્રમાણપત્ર પણ અપાયું છે. વિદ્યાર્થીઓની ગેરહાજરી અંગે તેમણે સ્પષ્ટતા કરી હતી કે કુમાર શાળા બપોરની પાળીમાં હોય છે, જ્યારે કાર્યક્રમ સવારે હોવાથી બાળકો હાજર નહોતા.

(ઉત્સવ વૈધ)