ભુજઃ તાલુકાના લોડાઈ ગામમાં તાજેતરમાં પાણીપુરી ખાધા બાદ ૭૦થી વધુ લોકોને થયેલી ફૂડ પોઈઝનિંગની ગંભીર અસરને પગલે જિલ્લાનું ખોરાક અને ઔષધ નિયમન તંત્ર સક્રિય થયું છે. ઉનાળાની કાળઝાળ ગરમીમાં ઠંડા પીણાં અને આઈસ્ક્રીમનો વપરાશ વધતા જાહેર આરોગ્યની સુરક્ષાના ભાગરૂપે તંત્ર દ્વારા વિવિધ વિસ્તારોમાં ઓચિંતી તપાસ હાથ ધરવામાં આવી રહી છે. જે અંતર્ગત ભુજના રાવલવાડી વિસ્તારમાં આવેલી આઈસ્ક્રીમ પાર્લર પર દરોડા પાડી શંકાસ્પદ જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો.
ફૂડ સેફ્ટી ઓફિસર એમ.એમ. પટેલ અને એસ.બી.પટેલની ટીમે ભુજના રઘુવંશી સર્કલ પાસે, ન્યૂ રાવલવાડી સામે આવેલી 'નંદની આઈસ્ક્રીમ' (રસિકલાલ) પેઢીમાં અચાનક તપાસ કરી હતી. આ તપાસ દરમિયાન તંત્રએ શંકાના આધારે 'રસિકલાલ આઈસ્ક્રીમ કેસર પિસ્તા' તથા 'રસિકલાલ આઈસ્ક્રીમ બ્લેક કરંટ'ના નમૂના મેળવ્યા હતા. આ નમૂનાઓને એનાલિસિસ માટે સરકારી લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા છે, જેનો રિપોર્ટ આવ્યા બાદ નિયમ મુજબ આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
તપાસ દરમિયાન આ પેઢીમાંથી આઈસ્ક્રીમ બનાવવા માટે વપરાતા એસેન્સ, ફ્લેવર અને કલર જેવા રો-મટીરિયલનો જથ્થો એક્સપાયરી ડેટ વીતી ગયેલી હોવાનું અધિકારીઓના ધ્યાનમાં આવ્યું હતું.
જાહેર આરોગ્ય સાથે ચેડાં ન થાય તે હેતુથી ફૂડ સેફ્ટી ઓફિસરોની હાજરીમાં પેઢીના માલિક પાસે જ આ અંદાજે ૫ કિલો જથ્થાનો સ્થળ પર નાશ કરાવવામાં આવ્યો હતો. નાશ કરાયેલા આ જથ્થાની અંદાજિત કિંમત રૂપિયા ૧૦,૦૦૦ હોવાનું જાણવા મળ્યું છે.
કાળઝાળ ઉનાળાની ઋતુમાં ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ કે નબળી ગુણવત્તાના કારણે લોકોના સ્વાસ્થ્ય પર વિપરીત અસર ન પડે તે માટે આગામી દિવસોમાં પણ આરોગ્ય તંત્ર દ્વારા ઝુંબેશ ચાલુ રાખવામાં આવશે તેવી સંકેતો મળ્યા છે.
(ઉત્સવ વૈદ્ય)