ભુજઃ ઘરેલુ હિંસાથી સ્ત્રીઓના રક્ષણ માટેના કાયદા હેઠળ પત્નીને ભરણપોષણની રકમ ચૂકવવામાં નિષ્ફળ રહેલા પતિને ભુજની અદાલતે ૩૬૦ દિવસની સખત કેદની સજા ફટકારતો ભુજ કોર્ટે હુકમ ફરમાવ્યો હતો.
શું છે મામલો
પ્રાપ્ત વિગતો અનુસાર, મૂળ પાટણના રાધનપુરના વતની નવીન ગોવિંદ વઢિયારા સામે તેમના પત્ની અરજદાર જમનાબેને વર્ષ ૨૦૨૩માં શારીરિક-માનસિક ત્રાસ, લગ્ન સમયે આપેલું સ્ત્રીધન પરત મેળવવા, રહેઠાણનું ભાડું તેમજ નાણાકીય રાહત મેળવવા માટે ભુજ કોર્ટમાં અરજી દાખલ કરી હતી. આ કેસની સુનાવણી દરમિયાન અદાલતે અરજદાર પત્નીને રૂ. ૭૨,૦૦૦નું ભરણપોષણ ચૂકવવા પતિ નવીન વઢિયારાને હુકમ કર્યો હતો.
જોકે, અદાલતના આદેશ છતાં પતિ દ્વારા ભરણપોષણની રકમ ન ચૂકવાતાં પત્ની દ્વારા રકમ વસૂલાત અર્થે તામીલ અરજી દાખલ કરવામાં આવી હતી. આ અરજી ભુજના બીજા અધિક ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ જે. વી. બુદ્ધની કોર્ટમાં ચાલી જતાં, કોર્ટે ભરણપોષણના રૂ. ૭૨,૦૦૦ ન ચુકવવા બદલ પતિ નવીન વઢિયારાને ૩૬૦ દિવસની સખત કેદની સજાનો આદેશ કર્યો હતો.
(ઉત્સવ વૈદ્ય)