Tue Aug 25 2026

Logo

સ્ટેજ શોમાં શરમજનક ઘટના: ભોજપુરી સિંગરે મહિલા ડાન્સરને ભીડમાં ફેંકી, વીડિયો વાયરલ...

2026-03-16 19:40:29
Author: Tejas Soni
સ્ટેજ શોમાં શરમજનક ઘટના: ભોજપુરી સિંગરે મહિલા ડાન્સરને ભીડમાં ફેંકી, વીડિયો વાયરલ...

નવી દિલ્હી: સોશિયલ મીડિયા પર અત્યારે ભોજપુરી ઇન્ડસ્ટ્રીનો એક એવો વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેને કલા જગતને શર્મસાર કરી દીધું છે. મહિલા સુરક્ષા અને સન્માનના મોટા દાવાઓ વચ્ચે એક જાણીતા સિંગરે લાઈવ પર્ફોર્મન્સ વખતે જે કૃત્ય કર્યું, તેનાથી લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. આ ઘટનાએ ફરી ઈન્ડસ્ટ્રીમાં કામ કરતી મહિલા કલાકારોની સુરક્ષા સામે ગંભીર સવાલો ઊભા કર્યાં છે.

વાયરલ વીડિયોમાં ભોજપુરી સિંગર ધનંજય શર્મા સ્ટેજ પર પર્ફોર્મન્સ આપી રહ્યો છે ત્યારે અચાનક જ પોતાની સાથે ડાન્સ કરી રહેલી મહિલા કલાકારને તેડી લે છે અને કોઈ નિર્જીવ વસ્તુની જેમ પ્રેક્ષકોની ભીડમાં ફેંકી દે છે. આ આઘાતજનક દ્રશ્યો જોઈને સોશિયલ મીડિયા યુઝર્સ તેને ખરીખોટી સંભળાવી રહ્યા છે. લોકોનું કહેવું છે કે આ માત્ર મજાક નથી, પરંતુ શારીરિક છેડછાડ અને ગુનાહિત કૃત્ય છે, જેના માટે સિંગર સામે કડક કાર્યવાહી થવી જોઈએ.

આ વીડિયો વાયરલ થતા જ યુઝર્સે કમેન્ટ સેક્શનમાં પોતાનો ગુસ્સો ઠાલવ્યો છે. એક યુઝરે લખ્યું કે, "આ છોકરી પણ કોઈની દીકરી કે બહેન છે, તેની સાથે આવું વર્તન અસ્વીકાર્ય છે." અન્ય એક મહિલાએ આને છેડછાડનો મામલો ગણાવ્યો છે. લોકો સિંગરને ટ્રોલ કરી રહ્યા છે અને તેની ધરપકડની માંગ કરી રહ્યા છે. નેટિઝન્સના મતે, સ્ટેજ પર કલા પ્રદર્શિત કરવા આવતી મહિલાઓની ગરિમા જળવાવી જોઈએ અને આવી હરકતો કરનારાઓને ઈન્ડસ્ટ્રીમાંથી બહાર કરવા જોઈએ.

રિપોર્ટ્સ અનુસાર આ વીડિયો બિહારના કોઈ સ્ટેજ શોનો હોવાનું મનાય છે. આ મામલો ગંભીર બનતા બિહાર પોલીસે તેની નોંધ લીધી છે. ઉચ્ચ અધિકારીઓએ મુઝફ્ફરપુર પોલીસ સ્ટેશનને આ મામલે ઊંડાણપૂર્વક તપાસ કરવા અને જવાબદાર વ્યક્તિ સામે કાયદેસરના પગલાં લેવા નિર્દેશ આપ્યા છે. ભોજપુરી ઇન્ડસ્ટ્રીમાં અગાઉ પણ મહિલા કલાકારો સાથે ગેરવર્તણૂકની ફરિયાદો ઉઠતી રહી છે, પરંતુ આ લેટેસ્ટ ઘટનાએ વિવાદમાં ઘી હોમ્યું છે.