ભાવનગર : ભાવનગરથી સોમનાથ દ્વારકા જતી શ્રદ્ધાળુઓની ખાનગી બસ રોઝડાને બચાવવા જતા માંગરોળ તાલુકાના રઈજ ગામ નજીક પલટી ખાઈ ગઈ હતી. જેમાં 2 શ્રદ્ધાળુનાં મોત થયા હતા. જ્યારે 40થી વધુ ઈજાગ્રસ્ત થયા હતા. આ ગમખ્વાર અકસ્માતના પગલે મૃતકોના પરિવારજનો અને સાથી મુસાફરોમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.
સોમનાથ અને દ્વારકાના દર્શન અર્થે યાત્રાએ નીકળ્યા હતા
આ અકસ્માત અંગે મળતી માહિતી મુજબ, ભાવનગરના વતની 40થી વધુ શ્રદ્ધાળુઓ બસ મારફતે સોમનાથ અને દ્વારકાના દર્શન અર્થે યાત્રાએ નીકળ્યા હતા.આ દરમિયાન જૂનાગઢ માંગરોળના રહીજ ગામ પાસે તેમની બસ આડે અચાનક એક રોઝડું (નીલગાય) ઉતરી આવ્યું હતું. રોઝડાને બચાવવા જતાં બસ ચાલકે સ્ટીયરિંગ પરનો કાબૂ ગુમાવ્યો હતો અને બસ રોડ પર પલટી ખાઈ ગઈ હતી.
ઘાયલોને કેશોદ અને જૂનાગઢની હોસ્પિટલ ખસેડાયા
આ અકસ્માત એટલો ભયાનક હતો કે, બસ પલટી મારતા જ અંદર સવાર મુસાફરોમાં ચીસાચીસ મચી ગઈ હતી. આ અકસ્માતનો અવાજ સાંભળીને આસપાસના સ્થાનિક લોકો અને રાહદારીઓ તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા. ગંભીર રીતે ઘાયલ થયેલા શ્રદ્ધાળુઓને 108 એમ્બ્યુલન્સ મારફતે તાત્કાલિક કેશોદ અને જૂનાગઢની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.
હાઈ-વે પર વાહનોની લાંબી કતારો લાગી હતી
આ અકસ્માતના લીધે હાઈ-વે પર વાહનોની લાંબી કતારો લાગી હતી અને ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. આ ઘટનાની જાણ થતાં જ માંગરોળ પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને ક્રેન દ્વારા બસને હટાવી રસ્તો ખુલ્લો કરાવવાની કામગીરી હાથ ધરી હતી