Mon Aug 31 2026

Logo

ભાવનગર લઠ્ઠાકાંડ કેસમાં SMCની મોટી કાર્યવાહી: મુખ્ય સૂત્રધારના સાગરીતની ભચાઉમાંથી ધરપકડ

2026-08-27 10:57:00
Author: Mayur Patel
ભાવનગર લઠ્ઠાકાંડ કેસમાં SMCની મોટી કાર્યવાહી: મુખ્ય સૂત્રધારના સાગરીતની ભચાઉમાંથી ધરપકડ

ભુજઃ સમગ્ર રાજ્યમાં ભારે ચકચાર જગાવનારા ભાવનગરના ઝેરી લઠ્ઠાકાંડ કેસમાં સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા તપાસનો સકંજો વધુ મજબૂત કરવામાં આવ્યો છે. આ ગુનાહિત આંતરરાજ્ય નેટવર્ક સામે હાથ ધરાયેલી કાર્યવાહી અંતર્ગત સ્ટેટ મોનીટરીંગ સેલની ટુકડીએ પૂર્વ બાતમીના આધારે કચ્છના ભચાઉમાંથી વધુ એક આરોપીને પકડી પાડી સફળતા મેળવી છે.

ચોક્કસ બાતમીના આધારે કરવામાં આવી ધરપકડ

વિગતે વાત કરવામાં આવે તો, એસ.એમ.સી.ની ટીમે ચોક્કસ બાતમીના આધારે ભચાઉના ઈશ્વરભા દેવરાજભા ગઢવીની અટકાયત કરી છે. પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે, પકડાયેલો આ શખ્સ ભાવનગર લઠ્ઠાકાંડના મુખ્ય સૂત્રધાર અને આકા રઈસ સાથે સીધા સંપર્કમાં હતો અને નકલી તેમજ ઝેરી દારૂ બનાવવાના કાળો કારોબારના સપ્લાય નેટવર્કમાં મહત્વની મદદગારી પૂરી પાડતો હતો. પોલીસે આરોપીના રિમાન્ડ મેળવવાની માગણી સાથે તેને અદાલતમાં રજૂ કરવાની કાનૂની પ્રક્રિયા હાથ ધરી છે.

તપાસમાં ચોંકાવનારા ખુલાસા થવાની શક્યતા

અત્રે ઉલ્લેખનીય છે કે, ભાવનગરની કરુણાંતિકા બાદ પૂર્વ કચ્છ સ્થાનિક ગુના શોધ શાખા દ્વારા પણ ભચાઉ પંથકમાંથી શંકાસ્પદ કેમિકલનો વિશાળ જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો. આ કેમિકલ કોના દ્વારા અને ક્યાંથી મોકલવામાં આવ્યું હતું તે અંગે પોલીસે હજુ સુધી કોઈ સ્પષ્ટ ફોડ પાડ્યો નથી. કાયદાકીય તપાસ પ્રક્રિયા હેઠળ આ જથ્થાનો એફ.એસ.એલ. પૃથક્કરણ રિપોર્ટ આવ્યા બાદ જ વધુ ચોંકાવનારા ખુલાસા થવાની શક્યતા સેવાઈ રહી છે. રાજ્યની એજન્સીઓ આ લઠ્ઠાકાંડના મૂળ સુધી પહોંચવા માટે નેટવર્ક સાથે જોડાયેલા દરેક શંકાસ્પદ સામે કડક કાર્યવાહી કરી રહી છે.

(ઉત્સવ વૈદ્ય)