ભાવનગર: ઉનાળાની સીઝનમાં ગ્રામ્ય વિસ્તારોમાં ખેતી અને પશુપાલન માટે પાણીની અછત એક ખૂબ મોટી સમસ્યા બની રહે છે. ત્યારે ભાવનગર જિલ્લાના ખેડૂતો અને ગ્રામજનોની ઉનાળા દરમિયાન ઉદભવતી પાણીની સમસ્યાને વાચા આપતા મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ દ્વારા એક અત્યંત લોકહિતલક્ષી નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્ય સરકારના નર્મદા અને જળ સંપત્તિ વિભાગ દ્વારા ભાવનગરના લાખણકા ડેમમાંથી પાણી છોડીને નીચાણવાસમાં આવેલા અધેવાડા તથા માલણકા ગામના ચેકડેમો ભરી આપવાની મંજૂરી આપવામાં આવી છે.
ભાવનગર ડાયમંડ એસોસિએશન દ્વારા પ્રધાન જીતુ વાઘાણીને આ વિસ્તારમાં પાણીની સમસ્યા બાબતે અવગત કરાવવામાં આવ્યા હતા. જીતુ વાઘણીએ આ પ્રશ્નને ગંભીરતાપૂર્વક ધ્યાને લઈ મુખ્ય પ્રધાન તથા પાણી પુરવઠા પ્રધાન સમક્ષ ત્વરિત અને યોગ્ય નિર્ણય લેવા અનુરોધ કર્યો હતો. આ રજૂઆતને હકારાત્મક પ્રતિસાદ આપતા રાજ્ય સરકાર દ્વારા લાખણકા ડેમમાંથી 16 MCFT પાણીનો જથ્થો છોડવાનો મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે.
આ નિર્ણય અંગે જીતુ વાઘાણીએ કહ્યું હતું કે, ડેમના દરવાજામાંથી પાણી છોડીને નીચવાસમાં આવેલા અધેવાડા અને માલણકા ગામના ચેકડેમો ભરવામાં આવશે, જેનાથી સ્થાનિક ખેતી અને પશુપાલનને મોટો ફાયદો થશે. આ નિર્ણયથી ઉનાળાની સિઝનમાં પાણીની ખેંચ અનુભવતા આ વિસ્તારોમાં જળ સ્તર ઊંચા આવશે અને સ્થાનિકોને મોટી રાહત મળશે.