Sun Sep 27 2026

Logo

મહારાષ્ટ્રના ભંડારામાં ટ્રક અને કારની ટક્કર, ત્રણ બાળકો સહિત 8 લોકોના મોત

2026-09-11 11:04:00
Author: Mumbai Samachar Team
મહારાષ્ટ્રના ભંડારામાં ટ્રક અને કારની ટક્કર, ત્રણ બાળકો સહિત 8 લોકોના મોત

ભંડારા: મહારાષ્ટ્રના ભંડારા જિલ્લામાં શુક્રવારની સવારે એક ભીષણ માર્ગ અકસ્માતમાં 8 લોકોના મોત થયા છે. મૃતકોમાં 3 માસૂમ બાળકો પણ સામેલ છે. આ અકસ્માત નાગપુર-રાયપુર રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર પિંપલગાંવ રોડ વિસ્તારમાં ભાઉ ઢાબા પાસે થયો હતો. જ્યાં ટ્રક અને કાર-વેન વચ્ચે જોરદાર ટક્કર થઈ ગઈ હતી. ટક્કર એટલી ખતરનાક હતી કે ઘણા લોકોએ ઘટનાસ્થળે જ દમ તોડ્યો હતો. ઘટનાની માહિતી મળતાની સાથે જ પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને ઈજાગ્રસ્તોને તુરંત સાકોલીની ઉપ-જિલ્લા હોસ્પિટલમાં સારવાર માટે મોકલી આપ્યા હતા. ઘટના બાદ પોલીસ તપાસમાં જોતરાઈ છે. પ્રાથમિક માહિતી અનુસાર  આ અકસ્માત વહેલી સવારે થયો હતો.

સાકોલી પાસેની ઘટના

આ સાકોલી પાસે થઇ  હતી, જેથી અકસ્માતની માહિતી મળતા જ સ્થાનિક લોકો અને પોલીસ ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને રાહત તથા બચાવ કાર્ય શરૂ કર્યું હતું. ઈજાગ્રસ્તોને તાત્કાલિક સાકોલીની ઉપ-જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં તેમની સારવાર કરવામાં આવી હતી. અકસ્માત બાદ ઘટનાસ્થળે થોડા સમય માટે અફરા-તફરીનું વાતાવરણ રહ્યું હતું. પોલીસે અકસ્માતની તપાસ શરૂ કરી દીધી છે. ટક્કર કયા કારણોસર થઈ અને અકસ્માત પાછળનું શું કારણ હતું, તેની તપાસ કરવામાં આવી રહી છે. આ દરમિયાન થોડીવાર માટે રસ્તા પર વાહનવ્યવહાર પણ પ્રભાવિત રહ્યો હતો.

2 જેસીબીની મદદથી ફસાયેલી કાર બહાર કાઢવામાં આવી

સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ ઘટના સવારના સમયે બની હતી, જેથી આસપાસ પણ વધારે લોકો નહોતા. મૃતકો છત્તીસગઢના રહેવાસી હોવાનું જણાવવામાં આવી રહ્યું છે, જેઓ રાયપુરથી નેશનલ હાઈવે-53ના રસ્તે નાગપુર તરફ જઈ રહ્યા હતા. ત્યારે અચાનક આ અકસ્માત થયો હતો. અકસ્માત એટલો ખતરનાક હતો કે કાર ટ્રકમાં ફસાઈ ગઈ હતી, જેને બાદમાં 2 જેસીબીની મદદથી બહાર કાઢવી પડી હતી. ત્યારબાદ ટ્રાફિક વ્યવહાર પૂર્વવત કરવામાં આવ્યો હતો. અકસ્માતનું ચોક્કસ કારણ હજુ સુધી સ્પષ્ટ થયું નથી.