Fri Jun 19 2026

Logo

સાવધાન અમદાવાદીઓ! કચરા નિકાલના નવા નિયમોનું પાલન નહીં કરો તો થશે.....

2026-05-13 11:28:00
Author: Mayur Patel
Article Image

અમદાવાદ: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નવી માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી હતી. જે મુજબ અમદાવાદીઓએ હવે કચરાને 4 પ્રકારમાં સેગ્રીગેશન કરીને આપવાનો રહેશે. 

શહેરને વધુ સ્વચ્છ બનાવવા અને કચરાના વૈજ્ઞાનિક નિકાલ માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નવી અને કડક માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી હતી. ભારત સરકારના પર્યાવરણ વિભાગ અને સુપ્રીમ કોર્ટના નિર્દેશો હેઠળ હવે શહેરના તમામ રહેણાંક અને કોમર્શિયલ એકમો માટે કચરાનું વર્ગીકરણ કરવું અનિવાર્ય બન્યું છે.

નવી ગાઈડલાઈન મુજબ, હવે ડોર-ટુ-ડોર કલેક્શન વાહનોને કચરો આપતી વખતે તેને ચાર ભાગમાં વહેંચવો પડશે. જેમાં (1) ભીનો કચરો: રસોડાનો કચરો, ફળ અને શાકભાજી (2) સૂકો કચરો: કાગળ, પ્લાસ્ટિક, કાચ અને ધાતુની વસ્તુઓ (3) સેનિટરી કચરો: ડાયપર અને સેનિટરી પેડ્સ (જેને પેપર કે બેગમાં પેક કરીને અલગ આપવાના રહેશે) અને (4) વિશેષ કચરો: જોખમી ઘરગથ્થુ કચરામાં વર્ગીકૃત કરીને આપવા પડશે.

જાહેરમાં કચરો ફેંકવો હવે ગુનો ગણાશે

AMC એ સ્પષ્ટ કર્યું છે કે કચરો શેરીઓમાં, ખુલ્લી જગ્યાઓમાં, ગટરમાં કે જળાશયોમાં ફેંકવો, બાળવો કે દાટવો એ હવે કાનૂની ગુનો ગણાશે. જો કોઈ પણ એકમ કચરાનું યોગ્ય સેગ્રીગેશન નહીં કરે, તો તેને સુપ્રીમ કોર્ટના આદેશની અવમાનના ગણી સોલિડ વેસ્ટ મેનેજમેન્ટના કાયદા હેઠળ કડક દંડ ફટકારવામાં આવશે.

બલ્ક વેસ્ટ જનરેટર માટે 'ઓન-સાઇટ પ્રોસેસિંગ' ફરજિયાત

મોટી સંસ્થાઓ અને રહેણાંક એકમો માટે કોર્પોરેશને વિશેષ કડક જોગવાઈઓ કરી છે.  જે એકમોનું ક્ષેત્રફળ 20,000 ચો.મી.થી વધુ હોય, દૈનિક પાણીનો વપરાશ 40,000 લિટરથી વધુ હોય, અથવા રોજનો 100 કિલોથી વધુ કચરો પેદા થતો હોય તથા  હોટલ, રેસ્ટોરન્ટ, શોપિંગ મોલ્સ, મોટી શૈક્ષણિક સંસ્થાઓ, સરકારી કચેરીઓ અને મોટા એપાર્ટમેન્ટ્સે આનું ફરજિયાત પાલન કરવું પડશે.

આ તમામ બલ્ક વેસ્ટ જનરેટર એકમોએ પોતાની પ્રિમાઇસીસમાં જ ભીના કચરાનું ઓન-સાઇટ પ્રોસેસિંગ કરવાનું રહેશે. સૂકો કચરો માત્ર અધિકૃત રિસાયકલર્સને જ સોંપવાનો રહેશે. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તમામ ઝોનમાં આ માર્ગદર્શિકાનું અમલીકરણ શરૂ કરી દેવામાં આવ્યું છે. જે સંસ્થાઓ ઓન-સાઇટ પ્રોસેસિંગમાં બેદરકારી દાખવશે, તેમના લાયસન્સ રદ કરવા સુધીની અથવા ભારે દંડ કરવામાં આવશે.