નિશા સંઘવી
હમણાં આઠ માર્ચના આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની દેશભરમાં ઉજવણી થઈ એ નિમિત્તે આપણે મહિલાઓના આરોગ્ય અને નાણાકીય સલામતીને મહત્ત્વ આપવાનો નિર્ધાર દોહરાવવાનો છે. જીવનના દરેક તબક્કે નારીની દેખભાળનો સવાલ હોય ત્યારે યોગ્ય આરોગ્ય વીમો ઘણો જ મહત્ત્વપૂર્ણ બની જાય છે.
ભારતીય નારી આજની તારીખે પારિવારિક જવાબદારીઓ નિભાવવા ઉપરાંત વિવિધ ક્ષેત્રોમાં પ્રોફેશનલ અને આંત્રપ્રેન્યોર તરીકે કાર્યરત છે ત્યારે ઘણી વાર એમના સ્વાસ્થ્ય તરફ દુર્લક્ષ થઈ જાય છે. એમાંય પાછું જીવનશૈલીને લગતી બીમારીઓ અને મહિલાઓને જ થતી હોય એવી સ્તન કેન્સર અને ગર્ભાશયના મુખના (સર્વાઇકલ) કેન્સરની સમસ્યાઓ પણ ગંભીર બની ગઈ છે. આવામાં એમના માટેનો વિશેષ આરોગ્ય વીમો અત્યંત આવશ્યક બની જાય છે.
આપણે સૌ જાણીએ છીએ કે જીવનના દરેક તબક્કે નારીની સ્વાસ્થ્યસંબંધી જરૂરિયાતો અલગ હોય છે. એમને કિશોરાવસ્થા, પ્રજનન માટેનાં વર્ષો, રજોનિવૃત્તિ (મેનોપોઝ) તથા ઘડપણ એ દરેક તબક્કે આરોગ્યને લગતા અનેક પ્રશ્નો મૂંઝવતા હોય છે અને અનેક તકલીફો થતી હોય છે. આથી ભારતમાં મહિલાઓ માટેની વિશેષ આરોગ્ય વીમા યોજનાઓ ઉપલબ્ધ છે.
મહિલાઓના આરોગ્ય સામેના પડકારોમાં પોલિસિસ્ટિક ઓવેરિયન ડિસીઝ (પીસીઓડી), થાઇરોઇડ, ઓસ્ટિઓપોરોસિસ, સ્તન કેન્સર તથા ગર્ભાશયના મુખનું કેન્સરનો મુખ્યત્વે સમાવેશ થાય છે. આ વાતને ધ્યાનમાં રાખીને મહિલાઓ માટેના વિશેષ આરોગ્ય વીમા પ્લાનમાં આવરી લેવાયેલી અમુક બાબત આ પ્રમાણે છે:
*હોસ્પિટલાઇઝેશનના, સર્જરીના તથા ડે કેર પ્રોસિજરના મોટા ખર્ચ સામે રક્ષણ આપવામાં આવે છે.
* સગર્ભાવસ્થા, પ્રસૂતિ તથા નવજાત શિશુને લગતી સારવારને આવરી લેવામાં આવે છે. ક્યારેક નિ:સંતાનપણાની અમુક સારવાર પણ એમાં સામેલ હોય છે. જોકે, નોંધનીય છે કે અમુક બાબતોમાં વેઇટિગ પીરિયડ લાગુ થતો હોય છે.
* કેન્સર તથા અન્ય મોટી બીમારીઓને કારણે ઉદ્ભવતા મોટા ખર્ચને પણ આવરી લેવામાં આવે છે.
* રોગનિદાનમાં મોડું ન થાય એ માટે રોગનિવારણ માટેની તપાસ કરાવવા પર ભાર મૂકવામાં આવે છે. ભારતમાં મહિલાઓ રાબેતા મુજબની આરોગ્ય વીમાની પૉલિસી લઈ શકે છે અથવા તો મહિલાઓ માટેની ખાસ પૉલિસી કઢાવી શકે છે.
મહિલા માટે ઉપલબ્ધ આરોગ્ય વીમાના પ્રકાર:
ઇન્ડિવિજ્યુઅલ હેલ્થ ઇન્સ્યોરન્સ: આ પ્લાનમાં એક વ્યક્તિ માટેના હૉસ્પિટલાઇઝેશન તથા અન્ય તબીબી ખર્ચ આવરી લેવાય છે. જે મહિલાઓ પોતાના વીમા બાબતે નિર્ણય લેવા સક્ષમ છે એમના માટે એમની જરૂરિયાતો મુજબનો વીમો મળી શકે છે.
ફેમિલી ફ્લોટર પ્લાન: આ પ્લાનમાં પતિ-પત્ની, બાળકો અને ક્યારેક માતા-પિતા સહિતના પરિવારને આવરી લેવામાં આવે છે. પતિ-પત્ની યુવાન હોય એવા સમયે આવી પોલિસી ઘણી સારી હોય છે.
મહિલા માટેના વિશેષ પ્લાન:
આ માટે ઘણી વીમા કંપની વિશેષ પ્લાન્સનું આયોજન કરે છે, એમની પૉલિસીમાં મહિલાઓનાં કેન્સર અનેક ગાયનેકોલોજિકલ પ્રોસીજર, દાઝ્યાની સારવાર, પ્રસૂતિ, વગેરેને આવરી લેવામાં આવે છે. ક્રિટિકલ ઇલનેસ અને કેન્સર પ્લાન: સ્તન કેન્સર કે ગર્ભાશયના મુખના કેન્સર સહિતની કેટલીક નિશ્ચિત બીમારીઓનું નિદાન થયાની સ્થિતિમાં મહિલાને એક નિશ્ચિત રકમની ચૂકવણી કરનારો આ પ્લાન હોય છે.
ફક્ત પ્રસૂતિ અને નવજાત શિશુની સારવારને લગતી બાબતો આવરી લેનારી પૉલિસી પણ મળે છે. આ પ્લાન કોમ્પ્રિહેન્સિવ પ્લાનના ભાગરૂપે અથવા અલગથી મેટરનિટી હેલ્થ ઇન્સ્યોરન્સ તરીકે મળે છે. એમાં સામાન્ય રીતે એકથી ચાર વર્ષનો વેઇટિગ પીરિયડ હોય છે. મહિલાની ઉંમર, પારિવારિક જવાબદારીઓ, આરોગ્યની હિસ્ટરી અને પ્રીમિયમ ચૂકવવાની ક્ષમતાના આધારે મહિલાઓની આરોગ્ય પોલિસી કઢાવવાની હોય છે.
જીવનના અલગ અલગ તબક્કે યોગ્ય પ્લાન કયો?
* સૌ જાણે છે કે ઉંમરના દરેક તબક્કે આરોગ્યને લગતી અલગ અલગ જરૂરિયાતો હોય છે. આથી એને અનુરૂપ વીમો પણ હોવો જોઈએ. દા.ત. યુવાન અને અપરિણીત પ્રોફેશનલ હોય એમણે મોટી રકમનો બેઝ પ્લાન લેવો જોઈએ, જેમાં નો ક્લેમ બોનસ અને પ્રિવેન્ટિવ ચેક અપ જેવા લાભ હોવા જોઈએ. ઉપરાંત લાંબા ગાળાના રક્ષણ માટે ક્રિટિકલ ઇલનેસ રાઇડર પણ હોવું જોઈએ.
* પરિણીત મહિલા અને પરિવાર વિસ્તારવા ઈચ્છુક મહિલાએ માફકસરનો વેઇટિગ પીરિયડ ધરાવતું મેટરનિટી કવરેજ લેવું જોઈએ. એમાં નવજાત શિશુની સારસંભાળ પણ આવરી લેવાય છે. મહિલાઓ માટેના વિશેષ પ્લાન કે ફેમિલી ફ્લોટર પ્લાનની પણ પસંદગી કરી શકાય છે.
ત્રીસથી પચાસ વર્ષની વયની મહિલાઓ માટે વધારે સમ ઇન્સ્યોર્ડ ધરાવતી પૉલિસી લેવી જોઈએ. એમાં ક્રિટિકલ ઇલનેસ અને કેન્સરનાં જોખમો પણ આવરી લેવાયેલાં હોવાં જોઈએ. આ સમયગાળામાં જીવનશૈલીને લગતી બીમારીઓ તથા મહિલાઓને થતાં કેન્સર માટેના રોગનિદાન અર્થેની તપાસ પણ આવરી લેવાયેલી હોવી જોઈએ.
વરિષ્ઠ નાગરિક થયા બાદ કોમ્પ્રિહેન્સિવ પ્લાનને આગળ વધારવો જોઈએ અથવા તો સિનિયર સિટિઝન પ્લાન લઈ શકાય છે. આવા સમયે લાંબા ગાળાની બીમારીઓની સારવારને આવરી લેતી અને ઓછું કો-પે હોય એવી પૉલિસીની પસંદગી કરવી જોઈએ.
છેલ્લે, એટલું જ ઉમેરવાનું કે આરોગ્ય વીમાની પૉલિસી નાની ઉંમરે લીધી હોય તો પ્રીમિયમ ઓછું આવે છે, વેઇટિગ પીરિયડ પણ જલદી પૂરો થઈ જાય છે અને જરૂર પડે એવા સમયે તમામ જોખમો સહેલાઈથી કવર થઈ જાય છે.