Sun Mar 08 2026

Logo

‘બેસ્ટ’ના પ્રવાસીઓની હાલાકી પહેલી માર્ચથી થશે શરૂ...

1 week ago
Author: sapna desai
Article Image

દક્ષિણ મુંબઈ અને ઉપનગરીયમાં અનેક રૂટ પર સર્વિસમાં ઘટાડો...

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ
: બૃહનમુંબઈ ઈલેક્ટ્રિક સપ્લાય એન્ડ ટાન્સપોર્ટ (બેસ્ટ) દ્વારા પહેલી માર્ચથી મુંબઈમાં દોડતી તેની અનેક બસના રૂટમાં ફેરફાર કર્યો છે. અનેક રૂટ પરની સેવાને ટૂંકાવી દેવામાં આવી છે, તો અમુક જગ્યાએ સેવામાં ઘટાડો કરવામાં તો અમુક જગ્યાએ રૂટને ડાઈવર્ટ કરી દેવામાં આવ્યા છે. આ ફેરફારને કારણે દક્ષિણ મુંબઈ સહિત ઉપનગરમાં બસસેવાને અસર થશે.

હાલ બેસ્ટ ઉપક્રમ પાસે પોતાની માલિકીની ૨૪૯ બસ છે, જે લગભગ બે વર્ષ પહેલા  એપ્રિલ ૨૦૨૪માં લગભગ ૧,૧૦૦ હતી. એપ્રિલ ૨૦૨૫માં આ સંખ્યા ૭૫૭ હતી. બેસ્ટ ઉપક્રમ દ્વારા હાલ રસ્તા પર દોડાવવામાં આવતી ૨,૬૫૦ બસમાંથી મોટાભાગની બસ કૉન્ટ્રેક્ટ પર લીધેલી છે. રસ્તા પર ઓછી સંખ્યામાં બસ દોડતી હોવાને કારણે પહેલાથી મુંબઈગરા પરેશાન થઈ ગયા છે, તેમાં હવે પહેલી માર્ચથી કરવામાં આવેલા સુધારાને કારણે બેસ્ટમાં પ્રવાસ કરનારાઓને હજી હાલાકીનો સામનો કરવો પડી શકે છે.

કયાં રૂટ પર થશે ફેરફાર
બેસ્ટ ઉપક્રમના જણાવ્યા મુજબ બેસ્ટના અનેક રૂટમાં ફેરફાર કરવામાં આવ્યા છે, જેમાં મુખ્યત્વે એ-૬ રૂટની બસ સેવા હવે બૅક બે ડેપોને બદલે કોલાબા ડેપો પર પૂરી  થશે. રૂટ એ-૨૨ જીજામાતા ઉદ્યાન અને મજાસ ડેપો વચ્ચે દોડશે, અગાઉ તે વિજય વલ્લભ ચોક સુધીની હતી. રૂટ ૬૯ની બસસેવા વડાલા ડેપોને બદલે શિવડીમાં પ્રબોધનકાર ઠાકરે ઉદ્યાન પર સમાપ્ત થશે, જ્યારે રૂટ એ-૪૧૫ની સર્વિસ સીપ્ઝ ગાંવને બદલે સીપ્ઝ બસ સ્ટેશન પર પૂરી થશે.

છત્રપતિ શિવાજી  મહારાજ ટર્મિનસ અને સાંતાક્રુઝ ડેપો વચ્ચે દોડતી રૂટ એ-૧ અગાઉ વાયા બાન્દ્રા રીક્લેમેશન અને બાન્દ્રા પશ્ર્ચિમના બસ સ્ટેશનને કવર કરી હતી હવે ત્યાં નહીં જાય. તેને બદલે હવે તે માહિમ-કોલીવાડા અને બાન્દ્રા ટોકિઝ વચ્ચે સીધી એસવીરોડ પર દોડશે. ચાંદવિલીમાં વડાલા ડેપો અને સંઘર્ષ નગરને જોડતી રૂટ ૪૧૧ હવે સંત કબીર માર્ગને બદલે કે.કે.કૃષ્ણન માર્ગ અને સંત રોહિદાસ માર્ગ દ્વારા દોડશે.

રૂટ એ-૧૦૧ ની સેવાને લંબાવવામાં આવી છે હાલમાં તે છત્રપતિ શિવાજી મહારાજ  ટર્મિનસ (સીએસએમટી)અને વર્લ્ડ ટ્રેડ સેન્ટર વચ્ચે દોડે છે. હવે તે સીએસએમટીથી આગળ મહાત્મા ફૂલે માર્કેટ સુધી દોડશે અને રીટર્નમાં ડૉ.ડી.એન.રોડ અને હુતાત્મા ચોક થઈને દોડશે. બેસ્ટના અધિકારીના કહેવા મુજબ દક્ષિણ મુંબઈના કમર્શિયલ બેલ્ટમાં ક્નેક્ટિવિટી મજબૂત કરવા અને પ્રવાસીઓની માગણીને ધ્યાનમાં રાખીને આ સુધારો કરવામાં આવ્યો છે.

વધુમાં સાત રૂટ જેમાં એ-૧૦૩, એ-૨૨૪, એ-૨૩૫, એ-૨૪૮, એ-૨૫૪, એ-૩૬૧ અને એ-૪૯૨ને પહેલી માર્ચથી એરકંડિશન્ડ સેવા કરી દેવામાં આવી છે. આ કોરિડોર દક્ષિણ મુંબઈ, અંધેરી પશ્ર્ચિમ, કુર્લા પૂર્વના વિસ્તારો અને થાણે સુધીને આવરી લે છેબેસ્ટના ઉચ્ચ અધિકારીના જણાવ્યા મુજબ અમુક વિસ્તારોમાં નિયમિત રૂપે ટ્રાફિકની સમસ્યાને પગલે બસના ટાઈમટેબલને અસર થઈ રહી હતી. બસ સમયસર દોડી શકે તે માટે રૂટમાં અમુક ફેરફાર કરવામાં પડયા છે.