Tue May 26 2026

Logo

બંગાળમાં ઘૂસણખોરોને તગેડવા સુવેન્દુ સરકારે અપનાવી 'ડિટેક્ટ, ડિલીટ એન્ડ ડિપોર્ટ'! કી રીતે કરે છે કામ?

2026-05-26 09:06:39
Author: Devayat Khatana
Article Image

કોલકાતા: પશ્ચિમ બંગાળમાં મમતાના રાજને કાઢવા માટે ભાજપે ચૂંટણીમાં અનેક મોટા વચનો આપ્યા હતા. આ યાદીમાં સૌથી મોખરે જો કોઈ વચન હોય તો તે છે રાજ્યમાં ગેરકાયદે રહેતા વિદેશી નાગરિકોને વતન પરત મોકલવા. આ માટે બંગાળ સરકારે 'ડિટેક્ટ, ડિલીટ એન્ડ ડિપોર્ટ' એટલે કે ઓળખ કરો, હટાવો અને પાછા મોકલોની નીતિની અમલવારી શરૂ કરી દીધી છે. આ માટે માલદા જિલ્લામાં પહેલાં હોલ્ડિંગ સેન્ટરની સ્થાપના કરી દેવામાં આવી છે. 

મળતી વિગતો અનુસાર, માલદા જિલ્લામાં સ્થાપવામાં આવેલું એકમાત્ર હોલ્ડિંગ સેન્ટર ઇંગ્લિશ બાજારના ચંદન પાર્કમાં બનાવવામાં આવ્યું છે. બે દિવસ પહેલા જ ગાજોલના પાંડુઆ વિસ્તારમાંથી 9 શંકાસ્પદ બાંગ્લાદેશી નાગરિકોને અહી લાવવામાં આવ્યા હતા. જેમાં 3 મહિલાઓ અને 6 સગીરોનો સમાવેશ થાય છે. આ સેન્ટરમાં ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે, જેમાં સીસીટીવી કેમેરાથી દેખરેખ તેમજ 12 પોલીસકર્મીની સાથે અન્ય સ્ટાફને પણ તૈનાત કરવામાં આવ્યો છે. 

પશ્ચિમ બંગાળમાં રાજ્યના ગૃહ વિભાગે તમામ જિલ્લા વહીવટીતંત્રોને પકડાયેલા વિદેશીઓ અને દેશનિકાલની રાહ જોઈ રહેલા વિદેશી કેદીઓ માટે હોલ્ડિંગ સેન્ટરો સ્થાપવાનો નિર્દેશ આપ્યાના બે દિવસ બાદ જ આ પગલું લેવામાં આવ્યું છે.રાજ્યના મુખ્ય પ્રધાન  સુવેન્દુ અધિકારીએ તાજેતરમાં સ્પષ્ટતા કરી હતી કે હવે રાજ્ય પોલીસ દ્વારા પકડાયેલા ઘુસણખોરોને લાંબી કાનૂની પ્રક્રિયાઓમાં ફસાવવાને બદલે સીધા બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF) ને સોંપવામાં આવશે.

હાલ જે કાર્યવાહી કરવામાં આવી રહી છે તે સમગ્ર પ્રક્રિયા ગયા વર્ષે સંસદ દ્વારા પસાર કરાયેલા ઇમિગ્રેશન અને વિદેશી અધિનિયમ, 2025 સાથે જોડાયેલી છે. આ નવો કાયદો ઘણા જૂના ઇમિગ્રેશન કાયદાઓને બદલે છે અને દેખરેખ અને દેશનિકાલ માટે વધુ તકનીકી રીતે અદ્યતન માળખું રજૂ કરે છે. આ અંતર્ગત હેડ કોન્સ્ટેબલ કે તેનાથી ઉપરના રેન્કના પોલીસ અધિકારીઓને વોરંટ વિના ઇમિગ્રેશન નિયમોનું ઉલ્લંઘન કરનારા શંકાસ્પદોની ધરપકડ કરવાનો અધિકાર આપવામાં આવ્યો છે.

આ કાયદાની જોગવાઈ અનુસાર,  શંકાસ્પદોને આવા હોલ્ડિંગ સેન્ટરોમાં 30 દિવસ સુધી રાખી શકાય છે. આ સમય દરમિયાન તેમનો બાયોમેટ્રિક ડેટા એકત્રિત કરવામાં આવશે અને તેમની રાષ્ટ્રીયતા ચકાસવામાં આવશે. અંતિમ નિર્ણય જિલ્લા મેજિસ્ટ્રેટ (DM) સ્તરના અધિકારી દ્વારા લેવામાં આવશે.