બેગમ અખ્તર (અખ્તરીબાઈ ફૈઝાબાદી)
(ભાગ: 3)
નામ: બેગમ અખ્તર (અખ્તરીબાઈ ફૈઝાબાદી)
સમય: 30 ઓક્ટોબર, 1974
સ્થળ: (વાડીલાલ સારાભાઈ હોસ્પિટલ) અમદાવાદ
ઉંમર: 60 વર્ષ
હું તેર વર્ષની હતી, જ્યારે મારી પહેલી રેકોર્ડ બહાર પડી. આજે 60 વર્ષની છું... સાડા ચાર દાયકા, મારા સંગીતની સફરનો આ સમય મેં દિલ ફાડીને મહોબ્બત કરી છે. અમદાવાદની ભૂમિ પર જ્યારે મારી રુહ મારું શરીર છોડીને આયતોના સાયામાં જન્નત તરફ જવા નીકળી ત્યારે મેં જ મારી જિંદગીને પાછા વળીને જોઈ.
બેગમ અખ્તર કોણ? મારે ખુદા પાસે જઈને મારી પહેચાનમાં કહેવું હોય તો હું શું કહું?...ને જવાબમાં ફૈઝાબાઈ અખ્તરી મારી સામે જોઈને મુસ્કુરાઈ, એણે કહ્યું, ‘ફૈઝાબાદ કી ગલિયોં મેં પલી, મગર મેરી અસલી પરવરિશ મહફિલોં ને કીં છોટી-સી ઉમ્ર મેં હી સમજ ગઈ થી કી ઈસ દુનિયા મેં ઔરત કો અપના મુકામ ખુદ બનાના પડતા હૈ. મૈં તવાયફ કી બેટી થી ઔર દર્દ મેરા સબ સે સચ્ચા સાથી. જબ મૈં ગઝલ છેડતી, તો સિર્ફ ગાતી નહીં થી અપની પૂરી જિંદગી ઉન અલ્ફાઝોં મેં ઊંડેલ દેતી થી. મહફિલેં મેરી અસલી દુનિયા થી. દીયે જલતે, ચાંદની રાત હોતી, સામને અહલ-એ-ઝૌંક બૈઠે હોતે ઔર મૈં હાથ મેં સિગરેટ, પાસ મેં પૈમાના, દિલ મેં કોઈ અધૂરી મોહબ્બત... ફિર એક શેર ઉઠાતી ઔર પૂરી ફિઝા ઠહર જાતી, લોગ કહતે થે મેરી આવાઝ મેં જાદૂ હૈ. મૈં હઁસકર કહતી જનાબ, યે જાદૂ નહીં, યે ઉસ ઔરત કી સચ્ચાઈ હૈ જિસને જિંદગી કો બિના પર્દે કે દેખા હૈ. મોહબ્બત ભી કી, શાદી ભી કી, મગર મેરી રુહ હંમેશાં આઝાદ રહી. દુનિયા ચાહતી થી કિ મૈં સિર્ફ બેગમ બનકર રહું. મગર મૈં તો અખ્તરી હી રહી વહી બેબાક, વહી જિદ્દી. મુઝે શરાબ સે, સિગરેટ સે, રાત ભર ચલને વાલી મહફિલોં સે કોઈ શર્મ નહીં થી. યે સબ મેરી જિંદગી કા હિસ્સા થે, જૈસે મેરી ગઝલેં. મૈંને સીખા કિ ઔરત અગર અપની આવાઝ પા લે, તો દુનિયા કી હર દીવાર છોટી પડ જાતી હૈ. શાયદ ઇસી લિએ લોગ આજ ભી કહતે હૈં બેગમ અખ્તર ગાતી નહીં થી, વો અપની રુહ સુનાતી થી.’ (એમની ઓટોબાયોગ્રાફીમાંથી)
અખ્તરીબાઈ ફૈઝાબાદીથી બેગમ અખ્તર સુધીનો પ્રવાસ મેં પૂરા ગુરુર અને સુરુરથી કર્યો છે. હિન્દુસ્તાની સંગીતની આલીશાન ઈમારતમાં મેં મારે માટે જગ્યા ઊભી કરી એટલું જ નહીં, ગઝલ ગાયકી ગુમનામ થઈ જાય એ પહેલાં એને કોઠા પરથી અદબની મહેફિલોમાં લઈ આવી.
શાસ્ત્રીય અને લોકકાવ્યનો મેળ કર્યો. મેં જો આ ન કર્યું હોત તો ઈકબાલ બાનો, ફરિદા ખાનમ, મહેંદી હસન, ગુલામ અલી કે જગજીતસિંગ કે રુના લૈલા સુધીના કલાકારોને આવી સિદ્ધિ-પ્રસિદ્ધિ ના મળી હોત. શાસ્ત્રીય સંગીતના કલાકારોને ગઝલ ગાતા મેં કર્યા, એ વાતને હું પૂરા ફક્ર અને નાઝ સાથે કહી રહી છું.
જો ગાતી ન હોત તો હું શું કરતી હોત, એ સવાલનો જવાબ મારી પાસે નથી. મારો જન્મ ગાવા માટે થયો, ને મેં એને જ મારો મુકામ, શખ્સિયત બનાવી. એક જન્મથી લઈને જનાજા સુધીની સફર પૂરી થઈ. હું નથી, પણ મારો અવાજ, મારી ફિલ્મો અને મારી ગાયકી, અદાયગી મહેફિલોમાં જીવતી રહેશે. સંગીત મારી રુહ છે. હું ગાવા માટે જ જન્મી હતી. વચ્ચે વચ્ચે બીજું ઘણું કરી લીધું, એ અલગ વાત છે, પરંતુ એ બધું મારું કામ નહોતું.
ગ્રામોફોન રેકોર્ડ (દીવાના બનાના હૈ તો દીવાના બના દે...) પ્રગટ થઈ એની સાથે જ મારા અવાજ અને નામની ચર્ચા થવા લાગી. એ પછી બીજી ત્રણ રેકોર્ડ્ઝ બની. એ રેકોર્ડ્ઝ સાંભળીને 1932માં જ્યારે પહેલી મેગાફોન રેકોર્ડિંગ કંપની મારી મા પાસે કોન્ટ્રાક્ટ કરવા આવી ત્યારે એમણે માત્ર ગાવાનો નહીં, ફિલ્મોમાં કામ કરવાનો પણ પ્રસ્તાવ મુક્યો. ટોકી ફિલ્મોની શરૂઆત હતી એ. કે.એલ. સાયગલ સુપરસ્ટાર હતા. એમની સાથે ફિલ્મ કરવાનો પ્રસ્તાવ એ જમાનાની કોઈ છોકરી નકારી શકે એમ નહોતી.
મારી પહેલી ફિલ્મ કે.એલ. સાયગલ સાથે ‘એક દિન કા બાદશાહ’ બની અને હીટ થઈ. એ પછી 1933થી 36ની વચ્ચે મેં થોડી ફિલ્મો કરી, જેમાં ‘નલ દમયન્તી’, ‘અમીના’, ‘મુમતાઝ બેગમ’, ‘રૂપ કુમારી’, ‘જવાની કા નશા’ અને ‘નસીબ કા ચક્કર’ ફિલ્મોમાં કામ કર્યું. પછીથી મેં બીજી બે ફિલ્મો કરી, ‘અનારબાલા’ (1939) અને મહબૂબ ખાનની ‘રોટી’ (1942). ‘રોટી’માં મેં એક અંગ્રેજી કલ્ચરથી પ્રભાવિત ચહેરાથી ભોળી પણ એક ઝઘડાળું છોકરીનું પાત્ર ભજવ્યું. એ ફિલ્મમાં જાણીતા કથ્થક ડાન્સર સિતારાદેવી પણ હતાં. એ ફિલ્મમાં અમારી દોસ્તી થઈ, પછી જીવનભર એ મિત્રતા ગાઢ અને અખંડ રહી.
આજે વિચારું છું તો મને સમજાય છે કે 1938ની આસપાસ મારી મા મુસ્તરીબાઈએ ફૈઝાબાદ છોડવાનો નિર્ણય ન કર્યો હોત તો હું જીવનમાં આગળ ન વધી શકી હોત. કલકત્તા, મુંબઈના જુદા જુદા આશિયાનામાં મેં મારી જિંદગીના થોડા થોડા વર્ષ વિતાવ્યા. શોહરત જોઈ, ઈજ્જત મળી.
નામ અને દામ બંને મળ્યા. મને મુંબઈ ગમ્યું, પણ એક્ટિંગ અને ફિલ્મ સાથે મારો નાતો ન જોડાયો. મારા ગાયેલાં ગીતો લોકોને ખૂબ ગમ્યા, પણ મારા અભિનયમાં સહજતા નહોતી, કારણ કે મારી માએ મને ગાયકી શિખવી, નૃત્ય નહીં. એ હંમેશાં ઈચ્છતી હતી કે હું ગાઉં, પણ નાચું નહીં. નૃત્ય ન શિખવાને કારણે મારા ભાવની અભિવ્યક્તિ કદી સહજ ન રહી શકી. મને આજે પણ યાદ છે કે મને જાત-જાતના મોઢાં બનાવવા ગમતા નહીં. હું એમ ચપટી વગાડતા હસી કે રડી શકતી નહીં.
મારા સાથી કલાકારો સાથે સિન કરતી વખતે હું અચકાઈ જતી. ગરમ, ધૂળ ભરેલા સ્ટુડિયોમાં કલાકો કામ કરવું મારી પ્રકૃતિને અનુકૂળ જ નહોતું. અત્યાર સુધી મારી માને કારણે કે મારે કારણે, અમને કદરદાનોએ પલકો પર બેસાડ્યા હતા. અમારી હર એક ખ્વાહિશ, સહુલિયતનો ખ્યાલ રાખવામાં આવતો હતો. એમાંથી નીકળીને આ સ્ટુડિયોની જિંદગી મને જરાક પણ અનુકૂળ આવી નહીં.
મને મારા ઘરે કે અંગત મહેફિલોમાં ગાવું વધુ અનુકૂળ પડતું હતું. સાચું પૂછો તો સિનેમા કરતાં એમાં વધારે આવક પણ હતી. આ એવી મહેફિલો હતી જેને સન્માનપૂર્વક ‘બેઠક’ કહેવામાં આવતી હતી. મહેમાનોની સામે હું મારી કલાનું પ્રદર્શન કરું, ક્યાંક મારો વિનોદ તો ક્યાંક મારી અદાથી એમને રાજી કરું. એમના અભિનંદન અને પ્રશંસાનો સ્વીકાર કરું, એથી વધારે મને કંઈ જોઈતું જ નહોતું. મેં આગ્રહપૂર્વક મુંબઈ છોડવાની જીદ કરી.
આમ તો મારી માની સામે હું ઝાઝું બોલી શકતી નહીં. એ એક મજબૂત દિમાગ અને પાકા દિલની ઔરત હતી. એકવાર મનમાં નક્કી કરી લેતી, પછી એનો નિર્ણય બદલવો કોઈના બસનો રોગ નહોતો. મુંબઈના સિનેમાની જિંદગી મને નથી ફાવતી, એવું કહેવામાં મેં ત્રણ વર્ષ લગાડ્યા, પણ એક દિવસ મેં કહી નાખ્યું. હું બાવીસ વર્ષની હતી. મારી કમાણી પર ઘર ચાલતું હતું, ઐશ-ઓ-આરામની જિંદગી મારા દમ પર હતી, તેમ છતાં, એણે મારી વાત સાંભળી લીધી અને કોઈ પ્રતિભાવ આપ્યા વગર કહ્યું, ‘હમ સોચકર બતાયેંગે.’ અહીં ચર્ચા પૂરી થયાનો આદેશ હતો. હું ચૂપચાપ મારા રૂમમાં જતી રહી.
લગભગ અઠવાડિયા પછી એક દિવસ એણે મને કહ્યું, ‘હમ લખનઊ ચલેંગે. તુમ સિનેમા કરના નહીં ચાહતી, ઈસ બાત કા હમ એહતીરામ કરતે હૈ. હમને લખનઊ મેં કોઠી દેખને કો કહ દિયા હૈ. હમ મહેફિલ કરેંગે, સિનેમા નહીં કરેંગે.’ મને જે જોઈતું હતું તે મળી ગયું. ફૈઝાબાદ, લખનઊ મારી પોતાની ભૂમિ હતી. સંગીત મારી રુહ. મહેફિલ મારી જાન...
દસ દિવસમાં અમે મુંબઈનું ઘર ખાલી કર્યું અને લખનઊ જવાનો સામાન બાંધ્યો.
(ક્રમશ:)