બીડ: બીડ જિલ્લામાં ઉછીના લીધેલાં નાણાં પાછા ન આપી શકનારા 60 વર્ષના પિતાની શસ્ત્રના ઘા ઝીંકી હત્યા કરવા બદલ પુત્રની ધરપકડ કરવામાં આવી હતી.
પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર ઇસાક શેખ ઇસાક ઇસ્માઇલ શેખે નાના પુત્ર-પુત્રીનાં લગ્ન માટે મોટા પુત્ર શૌકત શેખ પાસેથી એક લાખ રૂપિયા ઉછીના લીધા હતા.
ઇસાક શેખે 30 હજાર રૂપિયા શૌકતને પાછા કર્યા હતા, પણ બાકીના 70 હજાર રૂપિયા તે પાછા આપી શકતો ન હોવાથી શૌકત રૂપિયાની વારંવાર માગણી કરી રહ્યો હતો અને તેને કારણે પિતા સાથે તેનો ઝઘડો થતો હતો.
12 જુલાઇએ આ બાબતને લઇ બંને વચ્ચે ફરી ઝઘડો થતાં ઉશ્કેરાયેલા શૌકતે તેના પિતા ઇસાક શેખની બેરહેમીથી પીટાઇ કરી હતી અને તેના પર તીક્ષ્ણ હથિયારથી હુમલો કર્યો હતો.
ગંભીર રીતે ઘવાયેલા ઇસાકને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયો હતો, જ્યાં 18 જુલાઇએ તેનું મૃત્યુ થયું હતું.
ગેવરાઇ પોલીસે રવિવારે રાતે હત્યાનો ગુનો દાખલ કર્યા બાદ શૌકતની ધરપકડ કરી હતી. પોલીસે શૌકતને સ્થાનિક અદાલતમાં હાજર કર્યો હતો અને તેને બે દિવસની પોલીસ કસ્ટડી ફટકારવામાં આવી હોવાનું અધિકારીએ જણાવ્યું હતું.
(પીટીઆઇ)