(અમારા પ્રતિનિધિ તરફથી)
બનાસકાંઠાઃ ઉત્તર ગુજરાતના સરહદી જિલ્લા બનાસકાંઠામાં શિક્ષણ જગતને હચમચાવી દે તેવા આંકડા સામે આવ્યા છે. એક તરફ બોર્ડની પરીક્ષાઓમાં જિલ્લો ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી રહ્યો છે, તો બીજી તરફ ધોરણ એકથી બારમા ધોરણમાં અભ્યાસ કરતા આશરે ૩૭,૪૧૫ વિદ્યાર્થીઓએ અધ્ધવચ્ચે જ અભ્યાસ છોડી દીધો છે. આ આંકડા સામે આવતા જ જિલ્લાના શિક્ષણ તંત્ર સામે ગંભીર સવાલો ઊભા કર્યાં છે.
શા કારણે આ બાળકોએ શાળા છોડી?
સૂત્રોના જણાવ્યા અનુસાર, વિદ્યાર્થીઓએ અભ્યાસ છોડવા પાછળ મુખ્યત્વે પરિવારની નબળી આર્થિક સ્થિતિ અને જાગૃતિનો અભાવ જવાબદાર છે. જોકે, સૌથી વધુ ચિંતાજનક બાબત એ છે કે અનેક દીકરીઓએ સુરક્ષાના અભાવે શિક્ષણને તિલાંજલિ આપી દીધી હોવાનું ચર્ચાઈ રહ્યું છે.
ડીસા-પાલનપુર તાલુકામાં વધુ વિદ્યાર્થીએ શાળા છોડી
વાવ થરાદ અને બનાસકાંઠામાં ડ્રોપઆઉટના વિદ્યાર્થીઓની સંખ્યાની વાત કરવામાં આવે તો ડીસા તાલુકામાંથી 5,563, ધાનેરા તાલુકામાંથી 3,116, પાલનપુર તાલુકામાંથી 4,698, કાંકરેજ તાલુકામાંથી 3,072, દાંતા તાલુકામાંથી 3,816, વડગામ તાલુકામાંથી 2,186, થરાદ તાલુકામાંથી 3,565 અને અમીરગઢ તાલુકામાંથી 1,935 વિદ્યાર્થીઓએ અધ્ધવચ્ચે જ અભ્યાસ છોડી દીધો છે.
શિક્ષણ વિભાગે ‘બેક ક ટુ સ્કૂલ’ મિશન શરૂ કર્યું
આટલા વિદ્યાર્થીઓએ અધ્ધવચ્ચે શાળા છોડી તેના કારણે જિલ્લા શિક્ષણ વિભાગ સક્રિય થયું અને ‘બેક ક ટુ સ્કૂલ’ મિશન શરૂ કર્યું છે. જેમાં હવે જે વિદ્યાર્થીઓને અભ્યાસ છોડી દીધો હતો તેમને ફરી શાળામાં પ્રવેશ અપાવવા માટે પ્રયાસ શરૂ કરવામાં આવી રહ્યો છે. 32,078 જેટલા વિદ્યાર્થીઓનું વેરિફિકેશન કરવામાં આવ્યું તેમના વાલીઓ સાથે વાતચીત શરૂ કરવામાં આવી છે. આ મિશનના કારણે કેટલા વિદ્યાર્થીઓ ફરી શાળામાં આવશે તે જોવાનું રહેશે.
લાખણી તાલુકા કોંગ્રેસ પ્રમુખે આ અંગે શું કહ્યું?
આ મામલે લાખણી તાલુકા કોંગ્રેસ પ્રમુખ સાગરભાઈ રબારીનું કહેવું છે કે, ‘સરકારની નાકામીના કારણે આ બાળકોએ અભ્યાસ છોડી દીધો છે. દીકરીઓએ સુરક્ષાના કારણે અભ્યાસ છોડ્યો તે ચિંતાની વાત છે. એકબાજુ સરકાર દીકરીઓની સુરક્ષાના દાવા કરે છે અને બીજી બાજુ દીકરીઓ સુરક્ષાના કારણે અભ્યાસ છોડી રહી છે. આના કારણે સરકારનો વાસ્તવિક ચહેરો સામે આવ્યો છે.
માત્ર બનાસકાંઠા અને વાવ-થરાદ જિલ્લામાંથી જ જો 37,415 વિદ્યાર્થીઓએ અધ્ધવચ્ચે શાળા છોડી છે, તો પછી સમગ્ર ગુજરાતની સ્થિતિ કેવી હશે તે અંગે પણ સરકારે જવાબ આપવો પડે!, શિક્ષણ જગતના ઇતિહાસમાં પહેલી વાર આવી ઘટના બની છે. શિક્ષણ નીતિની પોકળ વાતો ખોટી સાબિત થઈ રહી છે. ’ આ મામલે શિક્ષણ પ્રધાન રાજીનામું આપે તેવી પણ માંગ કરવામાં આવી છે.