Wed Jun 17 2026

Logo

૨૭ વર્ષ જૂના આઝમગઢ શિયા-સુન્ની રમખાણોના કેસમાં ૧૨ આરોપીઓ દોષિત જાહેર; શું હતો વિવાદ?

2026-02-14 12:00:59
Author: Devayat Khatana
Article Image

આઝમગઢ: ઉત્તર પ્રદેશના આઝમગઢ જિલ્લામાં વર્ષ ૧૯૯૯માં ફાટી નીકળેલા શિયા-સુન્ની રમખાણો દરમિયાન થયેલી અલી અકબર નામના વ્યક્તિની કરપીણ હત્યાના કેસમાં કોર્ટે ૨૭ વર્ષ બાદ ચુકાદો આપ્યો છે. જિલ્લા અને સત્ર ન્યાયાધીશ જયપ્રકાશ પાંડેએ શુક્રવારે આ કેસમાં ૧૨ આરોપીઓને દોષિત ઠેરવ્યા હતા. આ તમામ દોષિતોને આગામી ૧૭ ફેબ્રુઆરીના રોજ સજા ફટકારવામાં આવશે. ઉલ્લેખનીય છે કે આ કેસમાં કુલ ૧૬ આરોપીઓ હતા, જેમાંથી ૪ ના સુનાવણી દરમિયાન મોત નીપજ્યા હતા.

આ ઘટનાની વિગતે વાત કરવામાં આવે તો, ૨૭ એપ્રિલ ૧૯૯૯ના રોજ મોહરમના જુલૂસ દરમિયાન હિંસા ફાટી નીકળી હતી. આ દરમિયાન અલી અકબર નામના વ્યક્તિ ગુમ થયા હતા અને ૩૦ એપ્રિલના રોજ તેમની માથું કાપેલી હાલતમાં લાશ મળી આવતા સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચી ગયો હતો. પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું કે સુન્ની સમુદાયના ટોળાએ મારપીટ કરી અલી અકબરની હત્યા કરી હતી. આ ઘટના બાદ હિંસાની એવી જ્વાળા ભભૂકી ઉઠી હતી કે જે લગભગ ૧૯ મહિના સુધી શાંત થઈ નહોતી અને આ લાંબા સંઘર્ષમાં કુલ ૧૭ લોકોએ જીવ ગુમાવ્યા હતા.

આ રમખાણોના મૂળમ એક સામાન્ય વિવાદ કારણભૂત હતો. મોહરમની રાતે શિયા સમુદાયના ઇમામવાડા પાસે મહિલાઓ માટે લગાડવામાં આવેલા પડદામાં કોઈએ આગ લગાવી દીધી હતી, જેનાથી તણાવ પેદા થયો હતો. ત્યારબાદ જુલૂસ પર પથ્થરમારો અને ગરમ પાણી ફેંકવાની ઘટનાઓએ પરિસ્થિતિ વધુ વણસાવી હતી. જાન્યુઆરી ૨૦૦૦માં ફરી હિંસા ભભૂકી હતી અને નવેમ્બર ૨૦૦૦માં એક પછી એક અનેક બોમ્બ બ્લાસ્ટ થયા હતા, જેમાં ૧૩ લોકોના મોત થયા હતા. વહીવટીતંત્રે મહિનાઓ સુધી આ વિસ્તારમાં શાંતિ સ્થાપવા માટે ભારે જહેમત ઉઠાવવી પડી હતી.

આ લાંબી કાયદાકીય લડત બાદ પક્ષે કુલ ૯ સાક્ષીઓ તપાસ્યા હતા. પોલીસની ચાર્જશીટ અને પુરાવાઓને આધારે કોર્ટે હુસૈન અહેમદ, મોહમ્મદ અયુબ ફૈઝી અને વસીમ સહિત કુલ ૧૨ લોકોને દોષિત જાહેર કર્યા છે. જોકે, અગાઉ ઓગસ્ટ ૨૦૨૩માં ફાસ્ટ ટ્રેક કોર્ટે અન્ય એક સંલગ્ન કેસમાં પુરાવાઓના અભાવે ૨૨ આરોપીઓને મુક્ત કર્યા હતા, પરંતુ આ મુખ્ય હત્યા કેસમાં કોર્ટે કડક વલણ અપનાવીને આરોપીઓને ગુનેગાર ઠેરવ્યા છે. હવે સૌની નજર ૧૭ ફેબ્રુઆરી પર છે કે કોર્ટ આ દોષિતોને કેટલી સખત સજા ફટકારે છે.