અયોધ્યાઃ અયોધ્યામાં આવેલા રામ મંદિરમાં દાનમાં આવેલી રકમમાં હેરાફેરી અને ચોરીની ઘટના પ્રકાશમાં આવી હતી, આ કેસમાં હવે એક નવો ખુલાસો થયો હોવાનું જાણવા મળ્યું છે. આ કેસમાં એટલે કે દાનની રકમમાં ચોરી કરવામાં આવી તે મામલે પ્રધાનમંત્રી કાર્યાલય (PMO) દ્વારા વિગતો માંગવામાં આવી હતી. હવે મહત્વની વાત એ છે કે, શ્રી રામ જન્મભૂમિ મંદિર તીરથ ક્ષેત્ર ટ્રસ્ટે પ્રધાનમંત્રી કાર્યાલય (PMO) દ્વારા જિલ્લા વહીવટીતંત્રને મોકલવામાં આવેલા પત્રની SIT તપાસનો હવાલો આપીને નાણાકીય માહિતી આપવાનો ઇનકાર કર્યો છે, પ્રશ્ન એ છે કે, શા માટે વિગતો આપવાની ના પાડવામાં આવી છે?
પીએમઓ દ્વારા મંદિર ટ્રસ્ટ પાસે કઈ વિગતો માંગવામાં આવી?
પીએમઓ ઓફિસ દ્વારા પત્ર લખવામાં આવ્યો હતો. જિલ્લા વહીવટીતંત્રએ રામ મંદિર ટ્રસ્ટ પાસેથી આવક અને ખર્ચ, દાન, બેંક ખાતા, જમીન વ્યવહારો અને સંપત્તિઓ અંગેની માહિતી માંગવામાં આવી હતી, ત્યારે ટ્રસ્ટે તપાસ ચાલુ છે તેનો હવાલો આપીને તેને મળેલી સંપત્તિઓની વિગતો આપવાનો ઇનકાર કર્યો હતો. સૂત્રો દ્વારા મળતી જાણકારી પ્રમાણે રામ મંદિરમાં ચાલી રહેલા ચોરી વિવાદ મામલે ભાજપ નેતા રજનીશ સિંહે પીએમ મોદીને પત્ર લખ્યો હતો. આ પત્રમાં અપીલ કરવામાં આવી હતી કે, પીએમઓ દ્વારા રામ મંદિર ટ્રસ્ટ પાસેથી આ અંગેનો રિપોર્ટ માંગવામાં આવે અને નાણાકીય વ્યવહારો અને સંપત્તિઓ સંબંધિત માહિતી જાહેર કરવામાં આવે!
સ્થાનિક ભાજપ નેતાએ પીએમઓને બે વખત પત્ર લખ્યો
વધારે વિગતે વાત કરવામાં આવે તો, રામ મંદિરા દાનની ચોરી કેસમાં ભાજપના સ્થાનિક નેતા ડૉ. રજનીશ સિંહે પ્રધાનમંત્રી કાર્યાલયને બે વખત પત્ર લખ્યો હતો. ડૉ. રજનીશ સિંહે પહેલી વખત નવ જૂને પીએમ કાર્યાલયમાં પત્ર લખ્યો હતો. આ પત્ર લખીને માંગણી કરવામાં આવી હતી કે, મંદિરની શરૂઆતથી લઈને અત્યાર સુધીની તમામ આવાક-જાવક અંગેની વિગતો જાહેર કરવામાં આવે! તે પછી પણ 12 જૂને ફરી ડૉ. રજનીશ સિંહે પીએમ ઓફિસમાં પત્ર લખ્યો હતો.
જિલ્લા વહીવટીતંત્રએ શ્રીરામ મંદિર ટ્રસ્ટનો સંપર્ક કર્યો
આ પત્રને ધ્યાને રાખતા પીએમઓ દ્વારા જિલ્લા તંત્રને આ જાણ કરી હતી. પીએમઓ ઓફિસમાં જે ફરિયાદ કરવામાં આવી તેને લઈને જિલ્લા વહીવટીતંત્રએ શ્રીરામ મંદિર ટ્રસ્ટનો સંપર્ક કર્યો હતો. સૂત્રો દ્વારા મળતી જાણકારી પ્રમણે, 23 જૂનના રોજ અયોધ્યાના એડીએમ વિશુ રાજાને સંબોધિત પત્રમાં, એડીએમ ઇન્દ્રકાંત દ્વિવેદીએ જણાવ્યું હતું કે તેમણે પીએમઓ દ્વારા ફરિયાદમાં માંગવામાં આવેલી માહિતી અંગે રામ મંદિર ટ્રસ્ટના ચંપત રાયનો સંપર્ક કર્યો હતો.
ચોંકાવનારી વાત એ છે કે, ચંપત રાયે કોઈપણ માહિતી આપવાનો ઇનકાર કર્યો હતો, એમ કહીને કે હાલમાં SIT તપાસ ચાલી રહી છે અને તપાસ પેનલ તમામ જરૂરી રેકોર્ડ અને વિગતો એકત્રિત કરી રહી છે; તેથી, આ તબક્કે વિનંતી કરેલી માહિતી પૂરી પાડી શકાતી નથી.