અયોધ્યા: રામ મંદિરમાં શ્રદ્ધાળુઓ દ્વારા અર્પણ કરવામાં આવેલા દાન અને કિંમતી વસ્તુઓની કથિત ઉચાપત મામલે પોલીસે મોટી કાર્યવાહી કરી છે. આ કૌભાંડ અંગે નોંધાયેલી ફરિયાદમાં નામજોગ દર્શાવવામાં આવેલા આઠ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આ ધરપકડ ત્રણ સભ્યોની સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT) દ્વારા મંદિરના દાનમાં થયેલી ગેરરીતિઓના પ્રાથમિક તપાસ અહેવાલ ઉત્તર પ્રદેશ સરકારને સોંપાયાના માત્ર બે દિવસ બાદ કરવામાં આવી છે. શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ સાથે સંકળાયેલા કૃષ્ણ મોહનની ફરિયાદના આધારે ગઈકાલે રામ જન્મભૂમિ પોલીસ સ્ટેશનમાં આ ગુનો નોંધવામાં આવ્યો હતો.
મળતી વિગતો અનુસાર, પોલીસે જે આઠ આરોપીઓની ધરપકડ કરી છે તેમાં રામશંકર યાદવ ઉર્ફે ટિન્નુ, લવકુશ મિશ્રા, અનુકલ્પ મિશ્રા, અવિનાશ શુક્લા, મનીષ યાદવ, રમાશંકર મિશ્રા, સુભાષ ચંદ્ર શ્રીવાસ્તવ અને કરુણેશ પાંડેનો સમાવેશ થાય છે. આ તમામ આરોપીઓ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા (BNS) હેઠળ ચોરી, ગુનાહિત વિશ્વાસઘાત, છેતરપિંડી અને ગુનાહિત કાવતરું ઘડવા જેવી ગંભીર કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, આ આરોપીઓ મંદિરમાં શ્રદ્ધાળુઓ દ્વારા ચડાવવામાં આવતી રોકડ અને કિંમતી વસ્તુઓની ગણતરીની પ્રક્રિયામાં સામેલ હતા અને તેમણે મંદિર પરિસરમાં મુકાયેલી દાનપેટીઓમાંથી દાનની ઉચાપત કરી હોવાનો આરોપ છે. હાલ વરિષ્ઠ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ તેમની વધુ પૂછપરછ ચાલી રહી છે અને તેમને મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરવાની તૈયારી કરવામાં આવી રહી છે.
જો કે ચોંકાવનારી વાત તો એ છે કે આ પોલીસ ફરિયાદમાં શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના જનરલ સેક્રેટરી ચંપત રાય, ટ્રસ્ટના સભ્ય ડો. અનિલ મિશ્રા કે મંદિર નિર્માણ પ્રભારી ગોપાલ રાવના નામ સામેલ નથી, જો કે પ્રાથમિક તપાસ દરમિયાન SIT દ્વારા તેમની પણ પૂછપરછ કરવામાં આવી હતી.
આ સમગ્ર મામલો ગત 13 જૂનના રોજ સામે આવ્યો હતો, જ્યારે નાણાકીય ગેરરીતિઓના આક્ષેપો બાદ ટ્રસ્ટ દ્વારા જ સરકારી તપાસની માંગ કરવામાં આવી હતી. આ કેસની તપાસ માટે લખનૌના ડિવિઝનલ કમિશનર વિજય વિશ્વાસ પંતના વડપણ હેઠળ ત્રણ સભ્યોની સમિતિ (SIT) ની રચના કરવામાં આવી હતી, જેમાં લખનૌ રેન્જના આઈજી કિરણ એસ. અને નાણા વિભાગના વિશેષ સચિવ નીલરતન કુમાર સભ્ય તરીકે સામેલ હતા.