નવી દિલ્હી: અયોધ્યા રામ મંદિર નિર્માણ અને દાન ચોરીના કથિત કૌભાંડ મામલે તપાસ તેજ બની છે. શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના ટ્રસ્ટીઓ અને અધિકારીઓ પર ગાળિયો મજબૂત થતો જોવા મળી રહ્યો છે. સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT) દ્વારા ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાય, સભ્ય અનિલ મિશ્રા અને મંદિરના સહાયક પ્રશાસક ગોપાલ રાવની સઘન પૂછપરછ કરવામાં આવી છે. આ તપાસ મંદિરના ભંડોળમાં થયેલી કથિત ગેરરીતિઓના આક્ષેપો બાદ હાથ ધરવામાં આવી છે, જેણે દેશભરમાં ભારે ચર્ચા જગાવી છે.'
જો કે આ તમામની વચ્ચે આ મામલે પૂર્વ સાંસદ વિનય કટિયારે ચોંકાવનારા નિવેદનો આપ્યા હતા. તેમણે સહાયક પ્રશાસક ગોપાલ રાવ પર નિશાન સાધતા તેમને 'અયોગ્ય' વ્યક્તિ ગણાવ્યા છે અને તેમને તેમના વતન દક્ષિણ ભારત જતું રહેવાની સલાહ આપી હતી. તેમણે એવો દાવો પણ કર્યો છે કે તેમણે આ બાબતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે પણ ચર્ચા કરી છે. તેમણે ગંભીર આક્ષેપ કરતા કહ્યું છે કે પૈસાની મોટી હેરાફેરી થઈ છે અને આગામી દિવસોમાં ચંપત રાય, ગોપાલ રાવ અને અનિલ મિશ્રાએ કાયદાકીય કાર્યવાહીનો સામનો કરવો પડી શકે છે.
બીજી તરફ, આ દાન ચોરીના કેસમાં પોલીસની કાર્યવાહી પણ ખૂબ જ ઝડપથી આગળ વધી રહી છે. મંદિરના દાનની રકમની ગણતરી કરતા આરોપી અવિનાશ શુક્લાને પોલીસે 24 કલાકના રિમાન્ડ પર લીધો હતો. તપાસ દરમિયાન અવિનાશ પાસેથી 20.39 લાખ રૂપિયાની મોટી રકમ પણ જપ્ત કરવામાં આવી છે, જેના પગલે તેની ધરપકડ બાદ વધુ પૂછપરછ કરવામાં આવી રહી છે. આ કેસમાં અત્યાર સુધીમાં કુલ 8 લોકોની ધરપકડ કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકારે 13 જૂનના રોજ આ મામલાની તપાસ માટે SITની રચના કરી હતી. SITએ પોતાની પ્રાથમિક રિપોર્ટ સોંપ્યા બાદ 25 જૂને પ્રથમ FIR નોંધવામાં આવી હતી. તપાસના દબાણ વચ્ચે ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાયે પોતાની સેવા પૂર્ણ થઈ હોવાની વાત કરી છે, પરંતુ સાથે એવો પણ નિર્ધાર વ્યક્ત કર્યો છે કે તેઓ પોતાના પર 'કલંક' લઈને અયોધ્યાથી વિદાય નહીં લે. આ કૌભાંડને લઈને હવે ટ્રસ્ટની કામગીરી અને પારદર્શિતા પર પણ ગંભીર સવાલો ઉભા થઈ રહ્યા છે.